જીવનના દરેક પડાવે સ્ત્રીત્વની યાત્રા, ત્યાગ, સંઘર્ષ, અને સ્વઓળખની અવિરત કથા
સ્ત્રી માટેનો પ્રશ્ન નવો નથી, પરંતુ દરેક યુગે નારીને આ પ્રશ્ન નવા શબ્દોમાં પૂછ્યો છે. ક્યારેક દેવી બનાવી, ક્યારેક દાસી બનાવી, પણ માનવી તરીકે સ્વીકારવાનો પ્રવાસ હજુ ચાલુ છે.
આજનો વિષય ઘણો રસપ્રદ છે. પ્રાચીન કાળની વાત કરીએ તો ત્યારે સ્ત્રીને મિલકત અને પદાર્થ / object તરીકે જોતા. દા.ત મહાભારતમાં દ્રૌપદીની ઘટના યાદ અપાવે છે કે તે સમયે સ્ત્રીની agency કરતા સંપત્તિસમાન વર્તન પ્રબળ હતું.
આગળ વધીએ એ પહેલાં હું તમને મારી નાનીસી ઓળખ આપું. મારી કવિતાઓનો મુખ્ય વિષય સ્ત્રીની ઓળખ, લાગણી અને અસ્તિત્વ છે. સાથે સાથે મારી કવિતાઓ ‘ડાયસ્પોરા’ના અનુભવો વ્યક્ત કરે છે. મનમાં કેટલાક પ્રશ્નો મારા બાળપણમાં ઉગ્યા - અને એ જવાબવિહોણા પ્રશ્નો આજે પણ મારી કવિતાઓમાં જીવંત છે.
કદાચ તેને કારણે મારી કવિતામાં નારી સંવેદનાઓનો ઓછેવત્તે અંશે ધબકાર જોવા મળે છે. એમાં કડવું સત્ય છે, પણ એમાં તુમાખીપણું નથી લાગતું. આજની નારી સ્વતંત્રતા ઈચ્છે છે, સ્વચ્છંદતા નહિ.
જરા ભાઈઓ સાથે વાત કરી લઉં - સ્ત્રી/બહેનો વિષે આગળ વધું એ પહેલાં - તેથી થોડીક પંક્તિઓ જે મેં પંકજ માટે લખી છે તે રજૂ કરું છું.
‘તું મને ન મળત
તો હું મને કેમ કળત!
તું મને ન મળત
તો સપના મારા ક્યાં ફળત...’
આ ચોખવટ એટલા માટે કરી કે ભાઈઓને એવું ન લાગે કે અમે સ્ત્રીઓ આપની સામે ઊભા છીએ. મારી સાહિત્યયાત્રા પુરુષવિરોધી નથી, પુરુષ સહયોગી રહી છે. તેથી આગળ હું જે વાત કરવાની છું એ કોઈની સામે નહિ, પણ સાથે ચાલવાની વાત છે.
સ્ત્રી આજ સુધી સંસ્કારની રક્ષા કરતી આવી અને આજે તે પોતાની ઓળખ શોધી રહી છે. યાદોના પડછાયામાંથી પસાર થઈને સ્વતંત્રતાના પ્રકાશ તરફ આગળ વધતી સ્ત્રીની લાગણીસભર અને વિચારપ્રેરક યાત્રા.
ડો. પ્રોફેસર વેર્નેટ મેન્સ્કી કહે છે કે આ યાત્રા વોઇસ ઓફ રિબેલિયન નહીં, પણ લાઇફ એક્સપ્લોરેશનની યાત્રા છે
એટલે આજે આપણે મનુના કાયદાઓની સામે વિરોધ કે આક્રોશ ઊભો કરવા કરતાં સમજ અને સંતુલનથી જોઈએ છીએ.
વેદો, ઉપનિષદો, પુરાણો પ્રમાણે જોઈએ તો ‘નારી તું નારાયણી’, ‘કાર્યેષુ મંત્રિણી’, ઋગ્વેદમાં સહધર્મચારિણી, એકલી ચાલનાર નહીં, સાથે ચાલનાર. ત્યારે ભારતીય પરંપરાઓમાં રિજિડ રુલ્સ નહીં, પરંતુ જીવનભરની સહયાત્રા તરીકે ઓળખાતા.
હવે સવાલ ઊભો થાય છે કે આજે શું નારી નારાયણી છે? કાર્યેષુ મંત્રિણી - તો શું નિર્ણયમાં સમાનતાની ભાવના આપણા વ્યવહારમાં જીવંત છે? કે માત્ર પુસ્તકો સુધી જ સીમિત રહી ગઈ છે.
ત્યારે - પરંપરા, પ્રશ્નો અને વ્યવસ્થા હતી. આજે - પરિવર્તન, પ્રશ્નો અને ઓપિનિયન એટલે કે અવાજ છે. આ બંન્ને વચ્ચે પોતાને ઓળખવાની આ યાત્રા છે.
વેદોના સમયની વાત કરીએ તો, ત્યારે ગાર્ગી (જે બ્રહ્મવિદ્યાના જાણકાર હતા) પ્રશ્નો પૂછતી. મૈત્રેયી જ્ઞાન માંગતી અને લોપામુદ્રા સંવાદ કરતી, એટલે સ્ત્રી માત્ર સહનશીલ નહોતી, સહભાગી હતી.
ચાલો, આપણે જોઈએ કે આજે આપણે એને એ સ્થાન આપ્યું છે?
આજની સ્ત્રી માટે કહી શકાય કે આજે સ્ત્રીમાત્ર વિદ્યાર્થિની નથી. આજે સ્ત્રી એક પ્રોફેસર, રિસર્ચ, સ્પેસ, શિક્ષિકા, કલા... આ બધા દ્વારા આજની સ્ત્રીઓ એ પ્રશ્નોના જવાબ શોધે છે. તો એનો અર્થ એ કે ગાર્ગીની પરંપરા આજે ક્લાસરૂમમાં અને રિસર્ચમાં જીવંત છે. આજની સ્ત્રીઓ કવિતા, સાહિત્ય, સંગીત, ચિત્રકલા વિગેરે જુદા જુદા માધ્યમો દ્વારા પોતાનો અવાજ શોધી રહી છે.
આ સ્ત્રીઓની મૌનમાંથી શબ્દો તરફની યાત્રા છે.
અહીંયા હું મારી એક કવિતા ટૂંકમાં કહું છું, જે આ ભાવ પ્રગટ કરવા માટે યોગ્ય છે. તેનું ટાઇટલ છે - ‘અમે અમારા કાજી’.
સ્ત્રી પુરુષને કહે છે કે...
આજ સુધી ફરજના નામે, પરંપરાના નામે, ફરિયાદ વિના, અંતરના સાદ વિના, કલેશ કે વિવાદ વિના, કોઈને રાજી કરવા કહી પડાતું, હાજી હાજી,
મનમાં નારાજી તોયે હોઠો ગાતું હાજી હાજી... હવે આ ભાવ બદલાય છે...
આજની સ્ત્રી કહે છે:
બહું થયું હાજી હાજી, હવે હાજીની કરો હરાજી...
હવે અમે અમારા કર્તાહર્તા, અમે અમારા કાજી,
આજે ખુલ્લી રહ્યાં છે, નવા સમયના પડદાજી...
ડો. પ્રોફેસર અદમ ટંકારવી લખે છે કે આ કવિતા હાજી હાજી...માંથી હું છું એ તરફનું પગલું છે. એટલે કે ‘I am’ પોએમ્સ છે. હું કોણ એ તરફની શોધ છે.
તેથી આપણે કહી શકીએ કે સ્ત્રી પુરુષ સામે નથી, સ્ત્રી અન્યાય સામે છે. તેથી જ આ સત્ય સાહસથી બોલે છે.
આપ સૌને ખબર છે કે ડો. જી. માધવી લતા જેઓએ જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઉંચો ચેનાબ બ્રીજ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી - જ્યાં પર્વતો કંપે, પવન તોફાન કરે ત્યાં એક ભારતીય સ્ત્રીએ જ્ઞાન અને ધૈર્યથી પુલ ઉભો કર્યો. આજની સ્ત્રી પુલ પાર નથી કરતી, પણ પુલ બાંધે છે. ત્યારે ગાર્ગી વેદોમાં બ્રહ્મને જોડતી હતી, આજે માધવી લતા પર્વતોને જોડે છે. ત્યારે શબ્દોથી સેતુ બનતા આજે વિજ્ઞાનથી પુલ ઉભા થાય છે.
હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે તો પછી સમાજમાં સંકોચની દિવાલો કેમ ઉભી છે. કદાચ પ્રશ્ન ક્ષમતાનો નથી પણ સ્વીકારનો છે. બરાબરને? ગાર્ગીનો સમય વિચારનો, પ્રશ્નોનો હતો. પણ ત્યાર પછી સમાજ લાંબા સમય સુધી અસુરક્ષિત અને અસ્થિર રહ્યો. જ્યારે સમાજ ડરે છે ત્યારે સ્ત્રી માટે કઠોર બને છે.
લોર્ડ ભીખુ પારેખ લખે છે કે આ સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા એક પઝલ છે, જ્યાં પરસ્પર આધાર છે ત્યાં દબાણ કેમ? સ્ત્રી પુરુષ બનવા માંગતી નથી, એ પોતે બનવા માંગે છે. પણ આપણાં સમાજમાં, આ આધાર નિયંત્રણમાં ફેરવાઈ ગયો. સ્ત્રીને નારાયણી, ઘરની લક્ષ્મી કહી સાથે સાથે એ પણ કહ્યું કે પરવાનગી વગર ઘરનો ઉંબરો ન ઓળંગાય.
હવે જે મુદ્દો ઉઠાવું છું તે સત્યની કઠોર વાસ્તવિકતા છે કારણ કે આ સદીઓથી ચાલતી પ્રણાલીનો આજે પણ હિસ્સો છે. મને લાગે છે અહીંયા સહન કરતાં શીખવ્યું એ શક્તિ નથી, પણ એ માત્ર દુઃખની નકલ હતી.
સાસુ પણ એક દિવસ વહુ હતી, નણંદ પણ એક દિવસ વહુ બનવાની છે, પણ સહન કરેલું દુઃખ સમજમાં ન ફેરવાતાં એ અધિકારમાં ફેરવાઈ ગયું. જો સ્ત્રીઓ એકબીજાને સમજી હોત તો ઓથોરિટી નહીં, પણ એ સાથી બની હોત. ત્યારે વહુ ચૂપ હતી, આજે પણ ઘણી વહુ ચૂપ છે. ફર્ક માત્ર એટલો છે... ત્યારે પરંપરા તૂટવાનો ડર હતો, આજે સંબંધ તૂટવાનો ડર હોય છે.
હવે આપણે એ વિચારવાનું છે કે દુઃખ આપણને કઠોર બનાવે છે કે દયાળું. એ પસંદગી હવે આપણી છે. આજે હું થોડી કહેવતોનો ઉલ્લેખ કરું છું, અને પછી ત્યારે અને અત્યારેમાં જોઈએ.
સમાજમાં ક્યારેક એવી કહેવત હતી કે ‘સ્ત્રી પુરુષના જુતા સમાન છે’ અને ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’. મને લાગે છે કે સમાજના ઠેકેદારોએ પોતાની સત્તા જમાવવા માટે સ્ત્રીને બુદ્ધિથી નહીં, પણ ઉપયોગથી માપી. શબ્દોએ સ્ત્રીને નાની બનાવી, પણ જીવને સાબિત કર્યું કે સ્ત્રી ક્યારેય નાની નહોતી - પુરુષોની નજર નાની/ટૂંકી હતી.
વચ્ચે એક વાત કહું...
સીતા, દ્રૌપદી, કુંતિ, શકુંતલા, જાબાલા... આ પાત્રો નહીં, પણ અનુભવો છે. ગઈકાલે શાસ્ત્રોમાં હતાં આજે આપણી આસપાસ રહેતી બહેનોમાં જીવંત છે.
આજની સિદ્ધિઓ વચ્ચે પણ કેટલાક સવાલો હજુ પણ જીવંત છે. આપણે આજની યુવા પેઢીને સમજીએ. આપણે અહીંયા કોઇ નિર્ણય નથી આપવાનો.
અત્યારે આપણી પાસે એક નવો પ્રશ્ન ઉભો થયો છે. આજે યુવાનો લગ્નને બંધન માને છે. એમને લાગે છે કે લગ્નમાં સ્વતંત્રતા ખોવાઇ જાય છે. ત્યારે સ્ત્રીને બંધનમાં રાખી આજે યુવાન બહેનો બંધનથી ડરે છે. લાગે છે કે આ બંને વચ્ચે કૈંક અધૂરું રહી ગયું છે. કદાચ સંબંધોમાં સમાનતા નથી એ સમસ્યા છે. સાથે સાથે જ સ્ત્રીઓ માટે નવી તનાવભરી અપક્ષાઓ આવી છે. કેરિયર પણ સંભાળો, ઘર પણ નિભાવો, સંસ્કાર પણ જાળવો અને હંમેશા પ્રસન્ન રહો. આ સમસ્યા સાથે એક પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે લગ્નને ટાળીયે, સંતાનને ભાર માની લઈએ તો સમાજ કઈ રીતે જોડાયેલો રહેશે.
પ્રશ્ન લગ્ન અને બંધનનો કરતાં ઇક્વાલિટી, આઇડેન્ટિટી એટલે સ્વ ઓળખ ગુમાવવાનો છે. આજની મોટી સમસ્યા એ છે કે, એક તરફ સદીઓથી ચાલતાં બંધનો છે અને બીજી તરફ બંધનથી ભાગવાની ઈચ્છા. આપણે આનો દોષ એક પેઢી પર ન મૂકી શકીએ. આ તો લાંબી સામાજિક વ્યવસ્થાનું પરિણામ છે...
તો છેલ્લે એ તારણ પર આવીએ છીએ કે લગ્નને બાંધી રાખવાનું સાધન નહીં, પણ સાથે આગળ વધવાનો પ્રસંગ બનાવીએ. સ્ત્રીને દેવી બનાવવાની જરૂર નથી કે ન તો બોજ. એને માત્ર માનવી તરીકે સ્વીકારો. અને પુરુષને પણ સંપૂર્ણ માનવી બનવાની જગ્યા આપો.
જો આપણે આ કરી શકીએ તો ગાર્ગી અને માધવી લતા બન્ને એક જ પ્રવાહમાં દેખાશે. ત્યારે અને આજે એકબીજાના વિરોધી નહીં, પણ એકબીજાના પૂરક બનશે. અને કદાચ આપણાં ઘરોમાં ફરીથી અવાજરૂપી મધુર સંગીત, સંવાદોનું શબ્દોનું અને ભવિષ્યનું સંભળાશે અને સાથે સાથે ઘર ફરીથી સંવાદ અને સમાનતાનું સ્થળ બની જશે.
પ્રણામ, આશા છે કે આપ સૌએ આ વિચાર યાત્રાને સાથ આપ્યો હશે...


