વય વધવા સાથે દરેક સ્ત્રીને રજોનિવૃત્તિ અથવા મેનોપોઝની સમસ્યા સતાવે છે, જેમાં તેમના મિજાજ એટલે કે મૂડ, સ્મૃતિ, વિચારો અને સમગ્રતયા આરોગ્યને અસરો થતી હોય છે. યુએસના કેરેબિયન ટાપુ પ્યુર્ટો રિકોની સંશોધક ટીમે 2020થી 2025ના સમયગાળામાં કરાયેલા અભ્યાસોની વિશદ સમીક્ષા કરી મેનોપોઝકાળમાં સ્ત્રીના મગજના બંધારણમાં કેવાં ન્યૂરોએનેટોમિકલ પરિવર્તનો થાય છે તેને સમજાવવા પ્રયાસ કર્યો છે.
મેનોપોઝમાં શરીરમાં અચાનક ગરમી વધારી દેતી હોટ ફ્લેશીઝ સમસ્યા સામાન્ય લક્ષણ છે, પરંતુ હોર્મોન્સમાં ફેરફારોની અસર ઘણી ઊંડી અને રોજબરોજના જીવનને હચમચાવી દે તેવી હોય છે. સેન્ટ લુઈસ, મિસુરીની પોન્સ હેલ્થ સાયન્સીસ યુનિવર્સિટીની BRAVE Lab સાથે સંકળાયેલા સંશોધકોની ટીમે હોર્મોન્સના કારણે મગજમાં થતાં ફેરફારોની પેટર્ન્સ નોંધી છે જે મેનોપોઝ સંબંધિત લક્ષણોને સમજવામાં કરી શકે છે. અભ્યાસના તારણો ધ મેનોપોઝ સોસાયટીની 2025ની વાર્ષિક સભામાં રજૂ કરાયા છે.
સ્ત્રીઓનાં જીવનમાં મેનોપોઝકાળની અસર લગભગ એક દાયકા અથવા વધુ સમય સુધી જોવા મળે છે. મેનોપોઝ અને મગજના બંધારણમાં થતાં ફેરફારોને સમજવા સંશોધકોએ મનોપોઝના લક્ષણો અને બ્રેઈન સ્ટ્રક્ચર સંબંધિત પાંચ વર્ષના અભ્યાસોને ધ્યાનમાં લીધાં છે. આ સમીક્ષામાં તેમને મગજના ભૂખરા રંગના ચેતાતંતુઓમાં ઘટાડો થતો હોવાની પેટર્ન જોવા મળી હતી. આપણી રોજબરોજની કામગીરીમાં ગ્રે મેટરનું ખાસ મહત્ત્વ છે અને તેમાં થતા ઘટાડાથી જ્ઞાનેન્દ્રિયોની કામગીરીને અસર થાય છે. જોકે, કેટલાક અભ્યાસોમાં એમ પણ કહેવાયું છે કે મેનોપોઝ પછીના સમયગાળામાં ગ્રે મેટરના જથ્થામાં અંશતઃ સુધારો થાય છે. આનો અર્થ એ થાય છે કે સમયાંતરે મગજ અનુકૂલન સાધી પોતાને રીઓર્ગેનાઈઝ કરે છે.
સંશોધક ટીમના ધ્યાન પર મેનોપોઝ અને વ્હાઈટ મેટરની અતિસંવેદનશીલતા અથવા હાઈપરઈન્ટેન્સિટીઝ સંબંધિત તારણોમાં પણ પેટર્ન હોવાનું જણાયું છે, જે મગજના MRI સ્કેન્સમાં ચમકતા એરિયા થકી કોમ્યુનિકેશન્સ માર્ગોને નુકસાન અથવા તણાવ દર્શાવે છે. આ સ્પોટ્સ રોજિંદા વિચારો, સ્મૃતિ અને મિજાજને અસર કરી શકે છે અને સમયાંતરે ચોક્કસ પ્રકારની ન્યૂરોલોજિકલ સમસ્યા પ્રતિ નિર્બળતાની વૃદ્ધિનું સૂચન કરે છે. જે સ્ત્રીઓમાં રજોનિવૃત્તિ વહેલી આવી હોય તેમજ વારંવારના વાસોમોટર (હોટ ફ્લેશીઝ, રાતના સમયે ભારે પરસેવો સહિત)ના લક્ષણો જણાયા હોય તેમનામાં હાઈપરઈન્ટેન્સિટીઝ વધુ જણાય છે.
મગજ પર લાંબા ગાળાની અસરો ચિંતાજનક ખરી?
ધ મેનોપોઝ સોસાયટીના મેડિકલ ડાયરેક્ટર સ્ટેફાની ફૌબિયન MDએ આ સમીક્ષાના સંદર્ભે મેનોપોઝ અને ગ્રે મેટરમાં ઘટાડા વિશે તારણોની કેટલીક કડીઓ અંગે વધુપડતી ચિંતા કરવા સામે ચેતવણી આપી છે. તેઓ કહે છે કે,‘મેનોપોઝના કારણે મગજના બંધારણમાં કેટલાક ફેરફારો થાય છે, પરંતુ આ ફેરફારો કામગીરીમાં ફેરફારો કે જ્ઞાનેન્દ્રિયની શક્તિ ઘટવા લાગે છે તેના વિશે આપણી પાસે ચોક્કસ સમજણ નથી. ‘બ્રેઈન ફોગ’ (ભૂલી જવાના અનુભવો કે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી સહિત)ના લક્ષણો પાછોતરા ડિમેન્શીઆના જોખમ સાથે સંકળાયેલા હોવાની કોઈ સાબિતીઓ નથી.’ UCLA ખાતે પ્રોફેસર ઓફ ન્યૂરોલોજી અને CleopatraRXના શોધક રહોન્ડા આર. વોસ્કુલ MD મેનોપોઝકાળમાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT)ના મહત્ત્વ વિશે જણાવે છે કે મેનોપોઝ માટે ન્યૂરોપ્રોટેક્ટિવ એસ્ટ્રોજન (estrogen) સારવાર વહેલી કરાય તે હિતાવહ છે. સ્ત્રીઓ પાછળના વર્ષોમાં આવી સારવાર પ્રત્યે ઓછો પ્રતિસાદ આપે છે. એક બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે કે જે સ્ત્રીઓ ગર્ભાશય ધરાવતી હોય તેમને પ્રોજેસ્ટેરોન (progesterone)ની પણ જરૂર રહે છે. તેમના કહેવાં મુજબ મેનોપોઝમાં આવનારી બધી સ્ત્રીઓને અલ્ઝાઈમર રોગ થતો નથી, પરંતુ વધતાઓછાં અંશે અસર થાય છે.
મેનોપોઝના લક્ષણો શું છે?
જ્યારે સ્ત્રીને એસ સંપૂર્ણ વર્ષ સુધી માસિક સ્રાવ-પીરિયડ આવે નહિ તેને રજોનિવૃત્તિ અથવા મેનોપોઝ કહેવાય છે. સ્ત્રીનાં અંડાશયોએ તેમનામ મોટા ભાગના એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું ઉત્પાદન બંધ કરી દીધાનો આ સંકેત છે. મનોપોઝ થવા સુધીના સમયને પેરિમેનોપોઝ અથવા મેનોપોઝ ટ્રાન્ઝિશન કહેવાય છે. આ ગાળો એક દાયકા અથવા તે કરતાં વધુ પણ હોઈ શકે છે. મેનોપોઝની સરેરાશ વય 51થી 52 વર્ષની રહે છે. જોકે, ઘણી સ્ત્રીઓમાં મેનોપોઝ વહેલું પણ આવે છે અથવા ચોક્કસ કેન્સરની સારવાર અથવા ઓવરીઝ-અંડાશય કાઢી નાખવા પડ્યા હોય તેઓ પણ પેરિમેનોપોઝમાંથી પસાર થયા વિના જ મેડિકલ મેનોપોઝમાં પહોંચે છે.
આ સમયગાળામાં સ્ત્રીઓ હોર્મોન્સના સ્તરમાં પરિવર્તનોના કારણે શારીરિક અને સંવેદનાત્મક ફેરફારો અનુભવે છે, જે હળવાથી ભારે હોઈ શકે છે. સામાન્ય લક્ષણોમાં નીચે મુજબનો સમાવેશ થાય છેઃ • હોટ ફ્લેશીઝ • રાતના સમયે પરસેવો • પીરિયડ્સ સંપૂર્ણ બંધ થાય તે પહેલા અનિયમિત અથવા નહિ આવવા • મિજાજમાં અચાનક બદલાવ, જેમકે ચીડિયાપણું, ઉશ્કેરાટ વગેરે. • નબળાઈ અને ઓછી ઊર્જા
અન્ય લક્ષણ બ્રેઈન ફોગ અથવા જ્ઞાનાત્મક મુશ્કેલીઓના હોઈ શકે જેમાં, ચીજવસ્તુઓ યાદ કરવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. આના પરિણામે, હતાશા, ચિંતાતુરતા અને ડિપ્રેશનની લાગણી વધવા લાગે છે. મેનોપોઝથી સર્જાતા લક્ષણોની સારવાર શક્ય છે જેમાં, હોર્મોન થેરાપી તેમજ ચોક્કસ એન્ટિડિપ્રેસન્ટ દવાઓ આપવામાં આવે છે. જોકે, દરેક વ્યક્તિ માટે મેનોપોઝ ગાળામાં હોર્મોન થેરાપી યોગ્ય હોતી નથી. આ માટે ડોક્ટરની સલાહ મેળવવી આવશ્યક છે.


