સ્ત્રીઓ શાથી અલ્ઝાઈમર રોગનો વધુ શિકાર બને છે?

Wednesday 10th September 2025 08:07 EDT
 
 

અલ્ઝાઈમરનો રોગ બ્રેઈન ડિસઓર્ડર છે, જે યાદશક્તિ અને વિચારવાની કુશળતાને અસર કરે છે. આ રોગ વધતો જાય છે અને મૃત્યુ સુધી દોરી જતાં કોમ્પ્લીકેશન્સ પણ ઉભાં કરી શકે છે. યુનાઈટેડ કિંગ્ડમના સંશોધકો દ્વારા તાજેતરમાં ‘અલ્ઝાઈમર્સ એન્ડ ડિમેન્શીઆઃ ધ જર્નલ ઓફ અલ્ઝાઈમર્સ એસોસિયેશન’માં પ્રકાશિત અભ્યાસના તારણો અનુસાર સ્ત્રીઓનાં મગજમાં ખરાબ અથવા તો બિનતંદુરસ્ત લિપિડ્સ એટલે કે ખરાબ ચરબીનું પ્રમાણ વધુ હોવાના કારણે તેઓ અલ્ઝાઈમર્સનો વધુ શિકાર બને છે.
સામાન્યપણે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં અલ્ઝાઈમરનું વધુ નિદાન થતું જોવા મળવાથી સંશોધકોને આમ શા માટે થતું હશે તેની જિજ્ઞાસા થવાથી તાજેતરમાં સ્ત્રીઓ અને પુરુષોમાં લિપિડ (ચરબી) બાયોમાર્કર્સના મૂલ્યાંકનનો અભ્યાસ હાથ ધરાયો હતો. આ સંશોધનમાં અલ્ઝાઈમરના રોગ અથવા હળવા સ્મૃતિભંશ ધરાવતા સ્ત્રી અને પુરુષોના લિપિડના લેવલ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અલ્ઝાઈમર રોગ ધરાવતી સ્ત્રીઓમાં તંદુરસ્ત ચરબીનું ઓછું અને ખરાબ ચરબીનું વધુ પ્રમાણ જોવાં મળ્યું હતું.
બીજી તરફ, અલ્ઝાઈમર રોગ સાથેના અને વિનાના પુરુષોમાં લિપિડ્સમાં કોઈ તફાવત જોવા મળ્યો ન હતો. આના પરિણામે, સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે ઓમેગા-3 ચરબી વધુ પ્રમાણમાં લેવાથી સ્ત્રીઓને સકારાત્મક લાભ મળી શકે છે. ઓમેગા-3 ચરબી સપ્લીમેન્ટ તરીકે તેમજ અળસી (flax seed), સોયાબીનની ફળી અથવા સાલમોન માછલી જેવાં ખાદ્યપદાર્થોમાં તે કુદરતી મળી શકે છે.
માનવશરીરમાં લિપિડ્સની ભૂમિકા
શરીરના કોષોના અત્યંત પાતળાં આવરણની રચના માટે લિપિડ્સ આવશ્યક છે અને ખાસ કરીને ચેતાતંત્રની કામગીરી અને ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સીસના ટ્રાન્સમિશનને મદદરૂપ હોવાથી મગજમાં તેનું મહત્ત્વ વધુ રહે છે. કેટલાક પ્રકારના લિપિડ્સમાં કોલેસ્ટેરોલ, ટ્રાઈગ્લિસરાઈડ્સ અને ફેટી એસિડ્સ હોય છે. અસંતૃપ્ત ચરબી જેવાં કેટલાક લિપિડ્સ લાભકારી હોય છે, જ્યારે સંતૃપ્ત અને ટ્રાન્સ ફેટ્સ હાનિકારક LDL (લો ડેન્સિટી લિપિડ્સ) અથવા ખરાબ કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે છે.
સંશોધકોએ લિપિડ પ્રોફાઈલ્સ નિર્ધારિત કરવા AddNeuroMed જૂથ અને Dementia Case Registerમાંથી 841 પાર્ટિસિપેન્ટ્સના સેમ્પલ્સનું વિશ્લેષણ કર્યું હતું. આ અભ્યાસમાં 491 સ્ત્રી અને 350 પુરુષ સાથેના પાર્ટિસિપેન્ટ્સમાં અલ્ઝાઈમર રોગ સાથેના 306 લોકો, જ્ઞાનેન્દ્રિયો સંબંધિત હળવી તકલીફો સાથેના 165 લોકો અને તંદુરસ્ત જ્ઞાનેન્દ્રિયો સાથેના 370 લોકોનો સમાવેશ થયો હતો. અન્ય સાઈકિઆટ્રિક અથવા ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર ધરાવતી કોઈ વ્યક્તિનો સમાવેશ કરાયો ન હતો. લિપિડ લેવલ નિર્ધારિત કરવા સેંકડો લિપિડ્સનું પ્રમાણ માપવા લિપિડોમિક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરાયો હતો અને ક્વોલિટી કન્ટ્રોલમાં પસાર થયેલા 268 લિપિડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
 અલ્ઝાઈમર્સ સાથેની સ્ત્રીઓનાં લિપિડ્સમાં ફેરફારનું વધુ પ્રમાણ
તંદુરસ્ત વ્યક્તિઓની સરખામણીએ સ્ત્રીઓમાં ફેરફારોનું પ્રમાણ વધુ જણાયું હતું. અલ્ઝાઈમર્સ સાથેની સ્ત્રીઓમાં DHA અને EPA પ્રકારના ઓમેગા-3 ફેટી એસિડ્સ ધરાવતાં ઉચ્ચ અનસેચ્યુરેટેડ લિપિડ્સનું પ્રમાણ ઓછું હતું. આ સ્ત્રીઓમાં બિનતંદુરસ્ત લિપિડ્સનું પ્રમાણ પણ ઊંચું હતું. સંશોધકોને જણાયું હતું કે સ્ત્રીઓમાં અલ્ઝાઈમર સાથે નોંધપાત્રપણે સંકળાયેલા 32 લિપિડ્સ હતાં જ્યારે પુરુષોમાં આ લિપિડ્સ જોવાં મળ્યાં નહિ. જ્ઞાનેન્દ્રિયો સંબંધિત પરીક્ષણોના માર્ક્સમાં બિનતંદુરસ્ત લિપિડ્સમાં ફેરફારોથી અલ્ઝાઈમર્સ સાથેની સ્ત્રીઓમાં ખરાબ સ્કોર રહ્યો હતો જ્યારે અલ્ઝાઈમર્સ સાથેના પુરુષોમાં આમ જણાયું ન હતું.
સંશોધકોના કહેવા અનુસાર તંદુરસ્ત ચરબીઓને પ્રોસેસ કરતા એન્ઝાઈમ્સમાં ફેરફારો અથવા મગજનાં કોષોની જાળવણીમાં મદદરૂપ માર્ગોમાં અવરોધો કારણબૂત હોઈ સકે છે. પ્લાઝમાલોગેન્સ (plasmalogens) તરીકે ઓળખાતા ચરબીસમૂહ ઈન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે અને મગજને રક્ષણ આપે છે, પરંતુ અલ્ઝાઈમર રોગ ધરાવતી સ્ત્રીઓમાં આ ચરબીસમૂહનું સ્તર ખોટકાયેલું જણાયું હતું.
યુકેમાં 982,000 લોકો અલ્ઝાઈમરથી પીડાય છે અને 2040 સુધીમાં આ સંખ્યા વધીને 1. 4 મિલિયન થવાની શક્યતા છે. યુએસએમાં 7 મિલિયનથી વધુ લોકો અલ્ઝાઈમરના રોગથી પીડાય છે અને અલ્ઝાઈમર્સ એસોસિયેશન અનુસાર 2050 સુધીમાં આ સંખ્યા બમણી થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter