સ્થૂળ શરીર ધરાવતી યુવતીઓને પણ ગ્લેમરસ લુક આપે કફ્તાન

Monday 04th March 2019 04:28 EST
 
 

દરેક યુવતી કે સ્ત્રીને હંમેશા ફિગર પ્રમાણે કપડાંની પસંદગીમાં મૂંઝવણ રહેતી હોય છે. ગ્લેમરસ દેખાવ મેળવવા જતાં ક્યાંક એ કપડું પોતાના અંગ પર સૂટ નહીં કરે તો પહેર્યાં પછી તે બેહૂદુ લાગશે તો? આવા કેટલાય પ્રશ્નો મહિલાઓને સતાવતા હોય છે. એમાંય હેવિ ફિગર ધરાવતી મહિલાઓ ફેશનની વાત આવે ત્યારે હંમેશાં દુવિધામાં રહે છે કે શું પહેરવું ને શું છોડવું?

જોકે મોલ કે બ્રાન્ડેડ સ્ટોર્સમાં એવા આઉટફિટ્સ મળી જ રહે છે કે જે તમારા ફિગર પ્રમાણે બનાવાયા હોય અને તમને સુંદર દેખાવ પણ આપે. વળી, પ્રખ્યાત ફેશન ડિઝાઈનર્સ દ્વારા વસ્ત્રની ડિઝાઈન તૈયાર થઈ હોય એટલે તેનું કાપડ, પ્રિન્ટ અને અમ્બ્રોઇડરી પણ મોટેભાગે મહિલાઓને પસંદ આવે. વળી, તેનો એક ફાયદો એ હોય છે કે ગમે તે એજગ્રુપની પસંદગીના સર્વે અને એજ ગ્રુપની પસંદગી ધ્યાનમાં રાખીને બનાવાય છે તેથી તે સામાન્ય રીતે એ જ એજગ્રપના લોકો અને ચોક્કસ ફિગર ધરાવતા લોકો પર ફિટ પણ બેસે છે. એમાંય સ્થૂળ કાયા ધરાવતા લોકો માટે આ પ્રકારના ડિઝાઈનર કુર્તીમાં સૌથી સારો વિકલ્પ છે કફતાન. જે તમે કોઈ પણ પ્રસંગે પહેરી શકો છો.

કોઈ પણ પ્રસંગે પહેરાય

અખાતના દેશોમાં સ્ત્રીઓ રોજિંદા પહેરવેશ તરીકે જે કફ્તાન પહેરે છે તે આપણે ત્યાં યુવતીઓમાં અલગ પ્રકારના ટોપ અને કુર્તી તરીકે ફેશનજગતમાં લોકપ્રિય થઈ પડી છે. ખાસ કરીને જાણીતી વિદેશી સેલિબ્રિટી ઓપરા વિનફ્રે મોટાભાગે ફંક્શનમાં સ્ટાઇલિશ કફ્તાન કુર્તીમાં જોવા મળે છે. કફ્તાન સ્થૂળ અથવા તો પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કફ્તાન કુર્તી ફુલ કફતાન ગાઉનનું નવું વર્ઝન છે. જેને ઓફિસ વેર તેમજ પાર્ટી વેર તરીકે કોઈ પણ એજગ્રુપની કે કોઈ પણ ફિગરની યુવતીઓ કે મહિલાઓ સરળતાથી પહેરી શકે છે.

પહેરવામાં થોડા ફ્રી કફ્તાનની ખાસિયત એ છે કે તે વધારે ફિટિંગમાં સારું નથી લાગતું. આથી સ્થૂળ શરીરની યુવતીઓ તેને ડેનિમ કે કેપ્રી સાથે જરૂર પહેરી શકે. કફ્તાન સ્ટાઇલ પહેલાં માત્ર ગાઉનમાં જ જોવા મળતી હતી ત્યારે આટલી લોકપ્રિય નહોતી, પરંતુ હવે કફ્તાન સ્ટાઇલ કુર્તી અને ટોપ્સમાં પણ જોવા મળે છે. કફ્તાન કુર્તી અને ટોપમાં ઘણાખરાં હળવા એટલે કે ફ્લોઇંગ ફેબ્રિક્સ જ વાપરવામાં આવે છે. જેમ કે શિફોન, જ્યોર્જેટ અને નેટ ફ્લોઇ ફેબ્રિકમાં મળતાં હોવાથી પસંદગી માટેના ઘણા વિકલ્પ મળી રહે છે. કુર્તી અને ટોપ્સમાં પણ ઘણી વરાઇટી આવે છે. જેમ કે વન શોલ્ડર, બટરફ્લાય સ્લીવ, કફ્તાન વિથ યોક, કફ્તાન વિથ આઉટ યોક વગેરે વગેરે.

બનાવટનો જાદુ

કફ્તાન મોટા એક લંબચોરસ કપડાના ટુકડામાંથી બનાવવામાં આવે છે અખાતના દેશોમાં મુસ્લિમ સ્ત્રીઓ જ કફતાન પહેરે છે તેમાં બાંય પહોળી હોય છે અને કફતાનની લંબાઈ બુરખાની જેમ છેક પગ સુધીની હોય છે, પરંતુ ભારતના ફેશન જગતમાં કફ્તાનની સ્લીવ ઘણી લોકપ્રિય છે જેને બટરફ્લાય સ્લીવ પણ કહેવામાં આવે છે અને કફ્તાનની સંબાઈ છેક પગની પાની સુધીની નથી હોતી. જેમાં સાઇડ પર સાઇઝ પ્રમાણે સિલાઈ હોય છે. અત્યારની કુર્તી સાઇઝ પ્રમાણે જ કફ્તાન કુર્તી બને છે. જેમાં નેકલાઇનમાં પણ ઘણાં વેરિએશન હોય છે અને સાથે વર્ક પણ આપવામાં આવે છે. આ કુર્તી લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પણ સારી લાગશે. કફ્તાનમાં સાઇડમાં સિલાઈ માર્યા પછી જે ફેબ્રિક બચે છે એને કાપવામાં નથી આવતું એટલે પહેર્યા પછી એ સાઇડ પરથી નીચે ઝૂલતાં એ ઝૂલ જેવું લાગે છે.

બટરફ્લાય સ્લીવ્સમાં કફતાનને કેડ સુધી જ કફ્તાન સ્ટાઇલિંગ આપવામાં આવે છે. આવાં ટોપ્સ કોલેજ ગોઈંગ ગર્લ્સ, કિશોરીઓ તેમજ યુવતીઓમાં લોકપ્રિય બની રહે છે. આવાં ટોપ્સ કોઈ પણ ડેનિમ સાથે સારાં લાગી શકે અથવા થ્રી ફોર્થ લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પણ પહેરી શકાય. ખરેખર તો કફ્તાન સ્થૂળ શરીરવાળા પર વધારે શોભે છે કારણ કે કફ્તાનમાં કોઈ શોલ્ડર સ્ટિચલાઇન નથી હોતી. સ્થૂળ શરીરવાળાનો બાંધો થોડો પહોળો હોય છે કફતાનમાં તમે ઋતુ પ્રમાણેના મટિરિયલની પસંદગી કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter