સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યોઃ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી

Thursday 14th October 2021 07:19 EDT
 
 

ગોલ્ડકોસ્ટ: ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી અને ડ્રોમાં પરિણમેલી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે પહેલી મહિલા ખેલાડી બની છે તો મેન્સ ક્રિકેટર વિરાટ કોહલી બાદ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર બીજી ભારતીય ખેલાડી બની છે. મંધાનાએ ચોથી જ ટેસ્ટમાં પ્રથમ સદી નોંધાવી છે. કોહલીએ ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે કોલકતા ટેસ્ટમાં ૧૩૬ રનની આકર્ષક ઇનિંગ રમી હતી. ૧૮ વર્ષની વયે ડેબ્યૂ કરનાર મંધાનાએ ૨૦૧૪માં ઇંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ ટેસ્ટમાં જ અડધી સદી ફટકારી હતી.
• ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર મંધાના પ્રથમ મહિલા ભારતીય ખેલાડી છે. આ પહેલાં સંધ્યા અગ્રવાલે મુંબઇ ખાતે ૧૯૮૪માં ઓસ્ટ્રેલિયા સામે ૧૩૪ રનની ઇનિંગ રમી હતી.
• સ્મૃતિ સહિત માત્ર ચાર મહિલા ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને વન-ડેમાં સદી ફટકારી છે. મંધાના હવે ઇનિડ બ્લેકવેલ, ડેબી હોકલે, ક્લેર ટેલરની એલિટ ક્લબમાં જોડાઈ છે. સ્મૃતિ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વન-ડેમાં સદી નોંધાવનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી છે.
• સ્મૃતિએ સદી દરમિયાન ૭૪ ટકા જેટલા રન તો બાઉન્ડ્રી વડે જ ફટકાર્યા હતા, જે વિમેન્સ ટેસ્ટ ક્રિકેટમાં બીજી સર્વશ્રેષ્ઠ ટકાવારી છે. આ પહેલાં ચાર્લોટ એડવર્ડે ૨૦૦૬માં ટોનટોન ખાતે ભારત સામે ૧૦૫ રન બનાવ્યા હતા, જેમાં ૮૦ ટકા રન બાઉન્ડ્રી દ્વારા નોંધાયા હતા.
• સ્મૃતિએ ૫૧ બોલમાં જ અડધી સદી પૂરી કરી. વિમેન્સ ટેસ્ટમાં આ બીજા ક્રમની ઝડપી અડધી સદી છે. આ પૂર્વે ભારત માટે સંગીતા ડાબિરે ૧૯૯૫માં ઇંગ્લેન્ડ સામે ૪૦ બોલમાં અણનમ ૫૦ રન ફટકાર્યા હતા.
• પ્રવાસી ઓપનર્સ તરીકે સદી ફટકારનાર સ્મૃતિ આઠમી ક્રિકેટર છે. આ પહેલાં માત્ર ઇંગ્લેન્ડની સાત ખેલાડીઓએ સદી ફટકારી હતી. ઓપનર તરીકે મંધાનાની ૧૨૭ રનની ઇનિંગ હાઇએસ્ટ રહી છે. આ પહેલાં ૧૯૪૯માં મોલી હાઇડે સિડની ખાતે અણનમ ૧૨૪ રનની ઇનિંગ રમી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter