સ્વતંત્ર ભારતનાં પ્રથમ મહિલા મંત્રી : રાજકુમારી અમૃતકૌર

પ્રથમ ભારતીય નારી

ટીના દોશી Saturday 29th July 2023 09:31 EDT
 
 

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ... એઈમ્સ તરીકે જાણીતી આ સંસ્થાની સ્થાપના કોણે કરેલી એ જાણો છો ?
એમનું નામ રાજકુમારી અમૃતકૌર... આઝાદી પહેલાં મહાત્મા ગાંધીનાં સચિવ રહ્યાં અને આઝાદી પછી સ્વતંત્ર ભારતનાં પ્રથમ મહિલા મંત્રી અને પ્રથમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બન્યાં. આજીવન અપરિણિત રહીને દેશસેવા કરતાં રહ્યાં. ૧૬ ઓગસ્ટ ૧૯૪૭થી ૧૬ એપ્રિલ ૧૯૫૭ સુધી તેઓ મંત્રીપદે કાર્યરત રહ્યાં. સ્વાસ્થ્ય મંત્રી તરીકે રાજકુમારી કૌરનું સૌથી મહત્વનું યોગદાન એટલે ૧૯૫૬માં એઈમ્સની સ્થાપના. એ એઈમ્સના પાયાનાં પથ્થર હતાં. રાજકુમારીએ એઈમ્સની સ્થાપના માટે નાણાંકીય ભંડોળ ઊભું કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવેલી. તેમણે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પશ્ચિમ જર્મની, સ્વીડન અને અમેરિકાથી નાણાંકીય સહાય પ્રાપ્ત કરીને એઈમ્સનું નિર્માણ કરેલું. એઈમ્સનાં પહેલાં અધ્યક્ષ પણ રાજકુમારી કૌર જ હતાં.
એઈમ્સ ઉપરાંત પણ કેટલીક સંસ્થાઓનું અધ્યક્ષપદ રાજકુમારી કૌરે શોભાવ્યું હતું. ટ્યુબરક્લોસીસ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને હિંદ કુષ્ઠ નિવારણ સંઘનાં આરંભથી અધ્યક્ષા રહ્યાં. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલફેરનાં સંસ્થાપક અધ્યક્ષા રહ્યાં. ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સનાં અધ્યક્ષા રહ્યાં. નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયાનાં સંસ્થાપકોમાંનાં એક અને પ્રથમ અધ્યક્ષ બન્યાં. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનાં અધ્યક્ષા રહ્યાં. દિલ્હી મ્યુઝિક સોસાયટીનાં અધ્યક્ષા પણ રહ્યાં. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં ઉપાધ્યક્ષ રહ્યાં. ગાંધી સ્મારક નિધિ અને જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી રહ્યાં. બંધારણસભાનાં સભ્ય અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક તથા ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચની ગવર્નિંગ બોડીનાં સભ્ય પણ રહ્યાં... ભારતીય ટપાલ ખાતાએ ૧૩ એપ્રિલ ૧૯૮૯ના રોજ રાજકુમારી અમૃતકૌરની સ્મૃતિમાં સાઠ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી.
આ રાજકુમારી કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૮૮૯ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં બાદશાહ બાગમાં થયેલો. માતા પ્રિસિલા ગોકલનાથ. પિતા હરનામ સિંહ આહલુવાલિયા. હરનામ સિંહ કપૂરથલાના રાજા રણધીર સિંહના દીકરા હતા. ગોકલનાથની દીકરી પ્રિસિલા સાથે હરનામ સિંહે લગ્ન કરી લીધાં. પ્રિસિલા અને હરનામ સિંહના સંસારની ડાળી પર ઊગેલું ફૂલ એટલે રાજકુમારી અમૃતકૌર. રાજકુમારી માત્ર નામ નહોતું. એ રાજકુમારી જ હતી. પ્રિસિલાએ રાજકુમારીનું લાલનપાલન એક રાજકુંવરીની માફક જ કર્યું.
અમૃતકૌરનું પ્રાથમિક શિક્ષણ ઇંગ્લેન્ડના ડોરસેટમાં શેરબોર્ન સ્કૂલ ફોર ગર્લ્સમાં થયું. કોલેજનું શિક્ષણ ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં થયું. શાળા અને કોલેજના દિવસોમાં રાજકુમારી અચ્છાં ખેલાડી રહ્યાં. હોકી, ક્રિકેટ અને ટેનિસ એમની મનપસંદ રમતો હતી. ખેલક્ષેત્રે કપ્તાની કર્યા પછી ભારત પાછાં ફરેલાં રાજકુમારીએ ગાંધીજીનું કપ્તાનપદ સ્વીકાર્યું. વર્ષ ૧૯૧૫. દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફરેલા ગાંધીજીનું કોંગ્રેસના મુંબઈના અધિવેશનનું ભાષણ સાંભળીને રાજકુમારી પ્રભાવિત થયાં. દરમિયાન હરનામ સિંહનો ગોપાલ કૃષ્ણ ગોખલે સહિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ થયેલો. આ નેતાઓ અવારનવાર હરનામ સિંહને ઘેર મળવા આવતા. પરિણામે કૌર પણ એમના પરિચયમાં આવ્યાં. ૧૯૧૯માં ગાંધીજી સાથે વ્યક્તિગત સંપર્ક થયો. ગાંધીજીના વ્યક્તિત્વે રાજકુમારી પર જાદુઈ પ્રભાવ પાથર્યો. કૌર ગાંધીજીના સચિવ તરીકે કામગીરી કરવા લાગ્યાં.
આ ગાળામાં રાજકુમારી અમૃતકૌરે જેલવાસ પણ વેઠવો પડ્યો. ૧૯૩૦માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દાંડીકૂચમાં ભાગ લેવા બદલ બ્રિટિશ સરકારે એમની ધરપકડ કરી. જેલમાંથી બહાર આવ્યા બાદ ૧૯૩૬માં એક અંગત સેવકને સાથે લઈને ગાંધીજીના સેવાગ્રામ આશ્રમ જઈ પહોંચ્યાં. ગાંધીજી કુશળ ઝવેરી હતા. રાજકુમારીનું હીર એમણે પારખી લીધેલું. એથી જ ભારત દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજકુમારીને સ્વાસ્થ્ય મંત્રી બનાવવાની ભલામણ કરેલી.
રાજકુમારી સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરવામાં સો ટચનું સોનું સાબિત થયાં. સ્વાસ્થ્ય ક્ષેત્રે અત્યંત મહત્વનાં કાર્યો કર્યાં. ૬ ફેબ્રુઆરી ૧૯૬૪ના એમનું મૃત્યુ થયું. રાજકુમારી ઈસાઈ હોવા છતાં એમની ઈચ્છા અનુસાર એમને દફન ન કરાયાં, પણ શીખ પરંપરા પ્રમાણે એમને અગ્નિદાહ દેવાયો. રાજકુમારીનો દેહવિલય થયો, પરંતુ એઈમ્સના સ્વરૂપમાં કાયમ જીવંત રહેશે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter