સ્વાતિ એલાવિયાઃ અમેરિકી પ્રજાને ભારતીય સ્વાદનો ચસકો લગાડનારાં ફૂડ ટેકનોલોજિસ્ટ

Saturday 23rd October 2021 11:05 EDT
 
 

આપણે ઘણી વાર અમુક લોકોની સફળતાથી અંજાઈ જતાં હોઈએ છીએ પણ તેમની આવી અપ્રતિમ સફળતામાંથી ખરેખર કંઈક શીખવા જેવું હોય તો એ છે વ્યક્તિએ સફળતા પામવા માટે કરેલી મહેનત. સફળતાના એવા અનેક કિસ્સાઓ છે જેમાં નાનામાં નાની જગ્યાએથી શરૂ કરીને વ્યક્તિ ટોચ ઉપર પહોંચે છે. પોતાના દેશમાં અને પોતાના લોકો વચ્ચે રહીને સફળતા મેળવવા કરતા અનેકગણું અઘરું છે બીજા દેશમાં જઈને સફળતાના શિખર સર કરવાનું. અમેરિકામાં આવી જ સિદ્ધિ મેળવી છે મૂળ ભારતીય અને હાલમાં અમેરિકામાં રહેતાં સ્વાતિ એલાવિયાએ.
ઉત્તર પ્રદેશના આગરામાં ૧૯૫૮માં જન્મેલા સ્વાતિ એલાવિયાએ પ્રાથમિક શિક્ષણ ભારતમાં જ પૂર્ણ કર્યું. તેમણે વડોદરાની એમ.એસ. યુનિ.માંથી ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં ડિગ્રી મેળવી અને લગ્ન કરી પોતાના પતિ સાથે ૧૯૮૨માં તેઓ અમેરિકા આવ્યાં. અમેરિકામાં તેમણે ન્યુટ્રિશનમાં પીએચ.ડી.ની પદવી મેળવી અને જનરલ મિલ્સમાં ન્યુટ્રિશન સ્પેશિયલિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. જનરલ મિલ્સની ઓફિસની બાજુમાં આવેલી હોટેલ તરફ સ્વાતિ સતત ખેંચાણ અનુભવતાં અને અંતે બોસ્ટન શિફ્ટ થયા બાદ તેમણે પોતાની ફૂડ કંપની શરૂ કરવાનું સપનું પૂરું કર્યું.
સ્વાતિ અમેરિકાની ભારતીય રેસ્ટોરામાં જતાં ત્યારે મોટા ભાગની રેસ્ટોરાનું મેનૂ જોઈને તેમને આંચકો લાગતો. આનું કારણ એ કે આ ભોજન વધારે પડતું મસાલેદાર, સોલ્ટી અને હેવી ક્રીમથી ભરપૂર રહેતું. તેમણે નક્કી કર્યું કે તેઓ અમેરિકન્સને અસ્સલ ભારતીય ભોજનનો સ્વાદ ચખાડશે. શરૂઆતના દિવસોમાં તેઓ ફક્ત ચટણી અને મસાલાઓ જ બનાવતા અને એ લઈને જાતે કોલેજ, યુનિવર્સિટીઝ અને મોલ્સમાં જઈને વેચાણ કરતાં. ધીરે ધીરે ૨૦૧૦માં તેમણે સ્વાદિષ્ટ ભારતીય ભોજનને ફ્રોઝન સ્વરૂપમાં અમેરિકાના માર્કેટમાં લઈ આવવાનો વિચાર કર્યો.
આ કામને પાર પાડવા માટે તેઓ જરૂરી લોન માટે પણ એક ભારતીયએ ઊભી કરેલી લીડર બેન્ક પાસે જ ગયા અને એક ભારતીયનો બીજા ભારતીયને ઉમદા સપોર્ટ પણ મળ્યો. જનરલ મિલ્સમાં કામ કરતી વખતે મળેલો ફૂડ ટેકનોલોજીનો અનુભવ સ્વાતિને આ સાહસમાં ખૂબ કામ લાગ્યો. તેઓએ બ્રાન્ડ અને ટેકનિક પોતાની રાખી પરંતુ મેન્યુફેક્ચર યુનિટ ઊભું કરવાની મથામણ ના કરી. એક રસપ્રદ વાત એ છે કે તેઓ સમોસા નોર્થ કેરોલિનામાં બનાવડાવે છે અને રાઈસની વસ્તુઓ પેન્સિલવેનિયામાં. તેઓ જ્યાં જે બનાવવાની ઉત્તમ સુવિધા છે એ વસ્તુ ત્યાં જ બનાવડાવે છે, પેકેજિંગ કરાવે છે. સ્વાતિએ પોતાના પેકેજિંગ પણ એકદમ બ્રાઈટ કલર્સના પસંદ કરીને તેને સંપૂર્ણ ભારતીય ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે.
સ્વાતિને અમેરિકન સરકાર તરફથી સ્મોલ બિઝનેસ કેટેગરીમાં બિઝનેસ વુમન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં ઈન્ડિયા ન્યુ ઈંગ્લેન્ડ ગ્રુપ દ્વારા આઉટસ્ટેન્ડિંગ ઈન્ડિયન બિઝનેસ વુમનની ખિતાબથી પણ નવાજવામાં આવ્યાં છે. ત્રણ દીકરીઓના ઉછેર સાથે સ્વાતિ અને એમનાં પતિ મેસેચ્યુસેટ્સમાં ખુશહાલ જીવન જીવી રહ્યાં છે. સ્વાતિ ભવિષ્યમાં હાઈસ્કૂલનાં બાળકો માટે ન્યુટ્રિશન લિટરસી પ્રોગ્રામ શરૂ કરવા માંગે છે જેથી બાળકોમાં આરોગ્યપ્રદ આહાર લેવાની ટેવનો પાયો ઘડી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter