સ્વિત્ઝર્લેન્ડની મિસ પિન્ક યાસ્મિનનો ગુલાબી પ્રેમ

Sunday 28th February 2021 00:55 EST
 
 

જિનિવા: સ્વિત્ઝર્લેન્ડની ૩૨ વર્ષીય યાસ્મિન શેર્લોટને ગુલાબી રંગ એટલો પ્રિય છે કે તેની દરકે વસ્તુ ગુલાબી હોય તેની તકેદારી રાખે છે. ૧૩ વર્ષથી તો યાસ્મિન માત્ર ગુલાબી રંગનાં જ કપડાં પહેરે છે. તેણે તેના એપાર્ટમેન્ટની દરેક વસ્તુ ગુલાબી રંગથી રંગી નાંખી છે. યાસ્મિન કહે છે કે, દરેક બાળકની જેમ તેને પણ ગુલાબી રંગ બાળપણની જ પસંદ હતો, પણ ૧૩ વર્ષ અગાઉ તેને ગુલાબી રંગ ખાસ પસંદ આવવા લાગ્યો હતો. તે તેના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી ત્યારે તેણે તેના એપાર્ટમેન્ટમાં પણ આ રંગ કરી નાંખ્યો હતો જોકે છેલ્લા દોઢેક વર્ષથી તે એકલી જ રહે છે. તેણે ઘરનો દરેક ખૂણો ગુલાબી કરી નાંખ્યો છે. તેના માટે તેનું આ ઘર ગુલાબી મહેલથી જરાય કમ નથી. વ્યવસાયે શિક્ષિકા યાસ્મિનના સ્ટુડન્ટ્સ પણ તને મિસ પિન્ક કહીને બોલાવે છે. ગુલાબી રંગ પ્રત્યેના તેના લગાવને કારણે તે પ્રખ્યાત બની રહી છે તો કેટલાકનું કહેવું છે કે તેણે આ ગાંડપણ છોડી દેવું જોઇએ અને બીજા રંગો પ્રત્યે પણ લગાવ ઊભો કરવો જોઈએ. જોકે યાસ્મિન આ માટે તૈયાર નથી.

૧૦૦થી વુધ જોડી શૂઝ, બેગ્સ અને લિપસ્ટિક્સ પણ ગુલાબી

યાસ્મિનનું કહેવું છે કે લગ્નના દિવસે પણ હું ગુલાબી રંગનો વેડિંગ ડ્રેસ પહેરીશ તેવું મેં ક્યારનું વિચારીને રાખ્યું છે. તેણે જણાવ્યું કે હું ૧૨-૧૩ વર્ષની હતી ત્યારે મારી માતાએ મને એક પિન્ક ડ્રેસ લાવી આપ્યો પણ ત્યારે મને લાગ્યું કે આ રંગ તો નાની છોકરીઓ માટે છે. ટીનેજર્સ માટે નહીં, પણ હું ૧૬ વર્ષની થઇ ત્યાં સુધીમાં મેં આ રંગ પહેરવાનું શરૂ કરી દીધું અને ૧૯ની થઇ ત્યારે વોર્ડરોબમાંથી બીજા બધા રંગ દૂર કરવા શરૂ કર્યાં ગુલાબી રંગે જ પછી તો જિંદગીમાં મહત્ત્વનું સ્થાન લઈ લીધું. આ રંગ ઉપરાંત મારા વોર્ડરોબમાં એક વાદળી રંગનું જીન્સ અને બ્લેક સ્કર્ટ હતા, પરંતુ હવે તે પણ નથી. શરૂમાં મારા પરિવારજનોને લાગતું હતું કે, ગુલાબી રંગ પ્રત્યેનો મારો લગાવ થોડો સમય જ રહેશે પણ હવે તેઓ માની ચૂક્યા છે કે હું આ રંગનો પીછો નહીં છોડું. અત્યારે યાસ્મિનના કલેક્શનમાં કપડાં અને ઘરની ચીજો ઉપરાંત ૧૦૦થી વધુ શૂઝ, બેગ્સ અને લિપસ્ટિક્સ પણ ગુલાબી છે.
યાસ્મિન કહે છે કે, હું નસીબદાર છું કે મારી સ્કૂલના લોકોને પણ મારા આ પિન્ક લવથી કોઇ તકલીફ નથી. આમ પણ હું એવી કોઇ નોકરી નહીં કરું કે જ્યાં મને ગુલાબી રંગ પહેરવાની મંજૂરી ન હોય, હું તો ઘરમાં એવી રીતે કોઇ વસ્તુ પણ નથી લાવતી કે જે ગુલાબી રંગની ન હોય. ગુલાબી રંગ સિવાયની કોઈ વસ્તુ આવી જાય તો સૌપ્રથમ હું તેને ગુલાબી રંગે રંગી નાખું છું ઘરની દીવાલોથી લઈને કારપેટ, ફર્નિચર, બેડ, બેડશીટ, બધું જ ગુલાબી છે જ્યારે લોકો એમ કહે કે, હું હિંમતવાળી છું કે મને ગમતો રંગ પહેરું છું ત્યારે મને સારું લાગે છે. મારો જેમ ગુલાબી રંગ પ્રત્યે પ્રેમ છે એવી જ રીતે અન્યોને અન્ય કોઈ ચીજ માટે લગાવ હોઈ શકે તો હું તેમને એ જ કહું છે કે મારા જેવી હિંમત તમારામાં પણ હોઈ જ શકે છે. તેમ જે કરવા માગો છો તે કરી શકો છો. બસ હિંમત રાખો અને લોકો શું કહેશે તેના પર ધ્યાન જ ન આપો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter