હંમેશાં ઇનટ્રેન્ડ રહેતાં ટી શર્ટ

Wednesday 12th April 2017 08:31 EDT
 
 

ટી શર્ટની ફેશન ક્યારેય જૂની થવાની નથી. વળી, કોઈ પણ સિઝનમાં તમે ટી શર્ટ પહેરી શકો છો. છતાં તમે પહેરેલી ટી શર્ટ કે જર્સી એવી હોવી જોઈએ કે જે તમને બધા કરતાં અલગ તારવી જાય. ટી શર્ટ પર ઋતુ પ્રમાણે શ્રગ પહેરીને કે ઓવર ક્લોથ પહેરીને તમે યુનિક બની શકો છો.

સમયની સાથે સાથે ટી શર્ટનાં રંગરૂપમાં પણ બદલાવ આવ્યો છે. જોકે તેની ચાહના ક્યારેય ઓછી થવાની નથી. માર્કેટમાં આમ તો ઘણા પ્રકારનાં ટી શર્ટ તમને ઉપલબ્ધ થશે. જેની ડિઝાઈન, વર્ક અને સ્ટાઈલ તેમજ કલર્સ વગેરેને લીધે તે પહેલી જ નજરમાં ફેવરિટ બની જશે.

હવે તો ટી શર્ટની સ્લિવ્ઝ ડિઝાઈનર અને પહેરનારા પર આધારિત ડિમાન્ડના હિસાબે નક્કી થાય છે, પણ ખરેખર ટી શર્ટના ઇતિહાસ પ્રમાણે આ પરિધાનનું નામ ટી શર્ટ એટલે પડ્યું કે તેને હેંગર પર જોતાં તેનો આકાર અંગ્રેજીના ટી જેવો લાગે.

ટી શર્ટની મૂળ વ્યાખ્યા એવી હતી કે આપણે જેને મેગિયા બાંય કહીએ છીએ તેવી કે તેનાથી બે ઇંચ વધારે આ પહેરવેશની સ્લિવ્ઝ રહેતી. બંને બાજુ નાની નાની બાંય હોવાને લીધે તેનો આકાર અંગ્રેજીના ટી જેવો લાગતો. આથી જ અમેરિકામાં તેને ટી શર્ટથી ઓળખવામાં આવે. જ્યારે આ શબ્દનો ૧૯૨૦માં મરીયમ-વેબસ્ટર ડિક્શનરીમાં સમાવેશ થયો ત્યારે ટી શર્ટને અમેરિકન ભાષામાં સ્થાન મળ્યું હતું. એ પછી ૧૯૬૦ સુધીમાં કાપડ પર પ્રિન્ટિંગ અને ડાઈંગમાં થયેલી નવી નવી શોધને લીધે ટી શર્ટમાં પણ નવી વેરાઈટી આવતી ગઈ.

અત્યારે તો મસલ-ટી શર્ટ, સ્ક્રૂપ નેક, વી નેક, બોટ નેક, ડીપ રાઉન્ડ નેક, ચુસ્ત કે ઢીલાં, લાંબા કે શોર્ટ ટી શર્ટ પહેરવાનું લોકો પસંદ કરે છે. વેસ્ટર્ન કન્ટ્રીઝની જેમ જ હવે ભારતમાં પણ ટી શર્ટ લોકોની પહેલી પસંદ છે. નાના બાળકોથી લઈને વડીલો માટે ટી શર્ટ કમ્ફર્ટેબલ વસ્ત્ર છે.

ડિઝાઈનર પ્રાચી શાહ કહે છે કે, આજે ફિલ્મોમાં પણ વિવિધ ફેશનેબલ ડિઝાઈનનાં ટી શર્ટ એક્ટર્સ પહેરે છે. જેમાં કોલ્ડ શોલ્ડર ટોપ અને ઓફ શોલ્ડર ટોપ્સ લોકોને સૌથી વધુ પસંદ છે. ટી શર્ટ જિન્સ, સિગાર પેન્ટ્સ, સેક્લી સ્કર્ટ, લોંગ સ્કર્ટ કે શોર્ટ વગેરે સાથે પહેરી શકાય છે. ટી શર્ટ પહેરવાથી ટ્રેન્ડી ને કેઝ્યુઅલ લુક મળે છે.

ફેશન ડિઝાઈનર મેઘના રંગપરિયા મિસ્ત્રી કહે છે કે, ટી શર્ટમાં કેલેન્ડર આર્ટ કે પછી દેવી-દેવતા, બોલિવૂડના કલાકારોના ફોટા છાપેલા હોય તેવા ટી શર્ટ ઇનટ્રેન્ડ છે. મેઘના કહે છે કે, યંગસ્ટર્સમાં એ ટ્રેન્ડ જોવા મળે છે કે તેમના મિત્રોના કોઈ સ્પેશ્યલ ઓકેઝન વખતે તેઓ ટી શર્ટ પર એ ખાસ પ્રસંગને લગતા ફોટોગ્રાફ્સ પ્રિન્ટ કરાવે છે.

ફંકી ટી શર્ટની વાત કરીએ તો તેમાં પણ વિવિધ ગ્રાફિક ઇમેજ, હોરર ચિત્રો, વિક્ટોરિયા પ્રિન્ટ યુવાનોમાં પ્રિય હોય છે.

ટ્રેડિશનલ લુક માટે કેટલાંક ટી શર્ટ પર વિવિધ રંગની બ્લોકપ્રિન્ટ પણ કરવામાં આવે છે. આ સિવાય કોલેજિયન્સ જરીવાળી બાંધણી, સ્ટોન તેમજ એમ્બ્રોઇડરી ટી શર્ટ પણ પહેરે છે.

આ ઉપરાંત સોશિયલ મેસેજિસથી માંડીને ફની મેસેજિસ પ્રિન્ટ કરાયેલાં હોય તેવાં અને સ્લોગનવાળાં ટી શર્ટ પણ ઇનટ્રેન્ડ છે. આજકાલ કેટલીક કંપનીઓના કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવક, કોઈ સ્પેશ્યલ પ્રોજેક્ટ પર કામ કરતા લોકો કે સ્ટુડન્ટ્સ, ચોક્કસ લોગો ધરાવતી ટી શર્ટ પહેરે છે.

આજના ઘણા યુવાનો તો ફેબ્રિક કલર્સથી જાતે જ ટી શર્ટ પર પેઈન્ટિંગ કરતા થયા છે. મોટાભાગે સ્લોગનવાળાં ટી શર્ટ હોઝિયરી કે કોટન મટીરિયલનાં હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter