બેંગકોકઃ બાળપણમાં થયેલા એક ગમખ્વાર વીજ અકસ્માતમાં બંને હાથ અને બંને પગ ગુમાવી દેનારી ઓડિશાની 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પાયલે મેજર અપસેટ સર્જતાં બન્ને હાથ ન હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની જ શીતલ દેવીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અસાધારણ પ્રતિભા અને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને વૈશ્વિક પેરા તીરંદાજીમાં ભારતને ગૌરવ અપાવનારી પાયલ નાગ દુનિયાની એવી પ્રથમ તીરંદાજ છે કે, જેને બન્ને હાથ અને બન્ને પગ નથી. આમ છતાં તેણે દૃઢ ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસને સહારે પેરા તીરંદાજીમાં આગવી નામના મેળવી છે. 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીની કમ્પાઉન્ડ ઈવેન્ટની ફાઈનલમાં 139-136ના સ્કોરથી શીતલ દેવીને હરાવી હતી. ભારતીય પેરા તીરંદાજોએ બેંગકોકની સ્પર્ધામાં શાનદાર દેખાવ કરતાં સાત ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. નોંધપાત્ર છે કે, જાન્યુઆરી2025ની પેરા નેશનલ્સમાં પણ પાયલ નાગે શીતલ દેવીને હરાવી હતી.
અનાથાશ્રમમાં ઉછેર
નાનકડી પાયલને કુમળી વયે બંને હાથ અને બંને પગ ગુમાવવા પડયા હતા. આ સમયે તેના માતા-પિતાને આસપાસના લોકોના મેણાં-ટોણાં સાભળવા પડતા. વળી, તેમની આર્થિક સ્થિતિ પણ સારી નહતી. આ કારણે તેમને નાછુટકે પાયલને અનાથાશ્રમમાં મુકવાની ફરજ પડી હતી, જ્યાં તેની જિંદગી વધુ બહેતર બની.
પેઈન્ટિંગના શોખથી તીરંદાજી સુધી
પાયલને બાળપણમાં પેઈન્ટિંગનો બહુ શોખ હતો. તે પીંછી મોંમાં મુકીને પેઈન્ટિંગ કરતી હતી. તેનો આ પ્રકારે પેઈન્ટિંગ કરતો એક વીડિયો બહુ વાઈરલ બન્યો અને તે વીડિયો પેરા તીરંદાજ શીતલ દેવીના કોચ કુલદીપ વેદવાને જોયો અને તેમણે પાયલને પેરા તીરંદાજીને સહારે મદદ કરવાનું નક્કી કર્યું.
બાળપણમાં દુર્ઘટનાનો શિકાર
ઓડિશાની 18 વર્ષની પાયલ નાગ જન્મના સમયે તો સાધારણ બાળકો જેવી જ હતી. જોકે તે પાંચ વર્ષની હતી, ત્યારે એક પાવર સપ્લાય સાથે સંકળાયેલી દુર્ઘટનાનો ભોગ બની અને આ કારણે તેને બંને હાથ અને પગ ગુમાવવા પડ્યા હતા. આ સાથે પાયલ અને તેના અત્યંત ગરીબ પરિવારની જિંદગી દુષ્કર બની ગઈ હતી.
જમ્મુ-કાશ્મીરમાં તાલીમ લીધી
કુલદીપ વેદવાનના માર્ગદર્શનમાં પાયલ નાગે જમ્મુ-કાશ્મીરમાં આવેલી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ આર્ચરી એકેડમીમાં તાલીમ મેળવી. આ જ એકેડેમીમાં શીતલ દેવી પણ તૈયાર થઈ છે. આ પછી તેણે 2025ની પેરા નેશનલ આર્ચરીમાં શીતલ દેવીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોચ વેદવાન કહે છે કે, પાયલની બહેન વર્ષા પણ તીરંદાજ છે અને તે પાયલને મદદ કરતી રહે છે.


