હેર એક્સ્ટેન્શન છે ટ્રેન્ડિંગ...

Wednesday 11th March 2026 08:15 EDT
 
 

એક સમય હતો જ્યારે વાળ ઓછા હોય, ટાલ દેખાતી હોય અથવા ઝડપથી વાળ વધતા ન હોય ત્યારે ‘હેર એક્સ્ટેન્શન’ કે વિગ સચોટ સમાધાન ગણાતું હતું. જોકે આજે વાત માત્ર જરૂરિયાત સુધી સીમિત નથી રહી. હવે હેર એક્સ્ટેન્શન ફેશન વર્લ્ડમાં એક હોટ ટ્રેન્ડ બની ચૂક્યું છે. આજની યુવતીઓ લાંબા વાળનો લુક, કર્લી સ્ટાઇલ કે રંગબેરંગી હાઈલાઈટ લુક મેળવવા માટે એક્સ્ટેન્શનનો ઉપયોગ કરે છે. એ પણ કેમિકલ કે હીટિંગ વિના!

હેર એક્સ્ટેન્શનના ફાયદા

• લાંબા વાળનો લુક: હેરકટ કર્યા પછી પસ્તાવો થાય તો હેર એક્સ્ટેન્શન તમને ઈન્સ્ટન્ટ લાંબા વાળનો લુક પરત આપે છે. એ સિવાય એકના એક લુકથી બોર થઈ જવાતું હોય તો પણ તેની મદદથી વિવિધ હેર સ્ટાઈલ કરી દરરોજ નવો દેખાવ મેળવી શકાય છે. વોલ્યુમ વધારવા માટે જેમના વાળ પાતળા હોય તેમના માટે એક્સ્ટેન્શન વાળનો જથ્થો વધુ બતાવવા માટે આદર્શ ઉપાય છે.

• નવા હેર એક્સપેરિમેન્ટ માટે: કર્લી, વેવી કે હાઈલાઈટ લુકના એક્સપેરિમેન્ટ માટે તે પરફેક્ટ ચોઈસ છે, અને એ પણ વાળને કોઈ નુકસાન કર્યા વિના!

• કેમિકલના ઉપયોગ વગર કલર હેર લુક: વાળને કલર કરવાની ઈચ્છા હોય પરંતુ સાથે નુકસાન થવાની પણ ચિંતા હોય તો રંગીન હેર એક્સ્ટેન્શન અજમાવી શકાય.

• આત્મવિશ્વાસ મેળવવા: ઘણી યુવતીઓને વાળ ઓછા હોય કે ટાલ હોય ત્યારે કોન્ફિડન્સ ઘટે છે. હેર એક્સ્ટેન્શનથી એ આત્મવિશ્વાસ પાછો આવે છે.

હેર એક્સ્ટેન્શનના પ્રકાર

• ક્લિપ-ઈન તાત્કાલિક લગાવી શકાય અને હટાવી શકાય. પાર્ટી કે ફોટોશૂટ માટે શ્રેષ્ઠ.

• ટેપ-ઈન 10-15 દિવસ સુધી રહે. આછા વાળ માટે યોગ્ય.

• ગ્લૂ-ઈન લાંબો સમય રહે. સલૂનમાં જઈને લગાવડાવું સારું.

• વીવ-ઈન વાળ ઘાટા બતાવવા માટે વાળ સાથે ગૂંથે છે.

• ક્રાઉન પીસ ટોપ પર વાળ ઓછા હોય તેના માટે ઉપયોગી.

કઇ રીતે લગાવી શકાય?

• હોમ યુઝ માટે: ક્લિપ-ઈન એક્સ્ટેન્શન સૌથી સરળ છે. વાળના વિવિધ વિભાગોમાં ક્લિપ વડે લગાવી શકાય છે.

• સલૂન દ્વારા: ગ્લૂ-ઈન, વીવિંગ કે ટેપ ઈન જેવી ટેક્નિ માટે એક્સપર્ટની મદદ લેવી સારી. તે લાંબા સમય સુધી ચાલે છે અને કુદરતી લુક આપે છે.

કાળજી કેવી રીતે રાખવી?

• સૂતા પહેલાં વાળની ઢીલી પોની બાંધવી.

• કોઈ હીટિંગ ટુલ્સનો ઉપયોગ ન કરવો.

• શેમ્પૂ કે હર પ્રોડક્ટનો ઉપયોગ કરવો જે સલ્ફેટ ફ્રી હોય.

• અઠવાડિયામાં એકવાર માઈલ્ડ ઓઈલિંગ કરો.

• એક્સ્ટેન્શનને હળવા હાથે ઓળો. વધુ ખેંચીને ઓળવા નહીં.

• સમયાંતરે સફાઈ અને રિપ્લેસમેન્ટ કરો.

હવે વાળ ઓછા હોય કે ડિફરન્ટ લુક મેળવવો હોય તો કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ અને હીટિંગ પ્રોડક્ટ વાપરવાની જરૂર નથી. હેર એક્સ્ટેન્શન તમારી સુંદરતાનું સશક્ત સાધન છે. ફેશન વિશ્વમાં આજની યુવા પેઢી માટે એક્સ્ટેન્શન એ પોતાની ઓળખ, પોતાનો લુક અને આત્મવિશ્વાસ બતાવવા માટેનો સુરક્ષિત અને સહેલો રસ્તો છે. પણ યાદ રાખો, ફેશન સાથે કાળજી પણ એટલી જ મહત્ત્વની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter