સુંદર અને ચમકદાર વાળ યુવતીઓના આકર્ષક દેખાવનું ઘરેણું છે એવું કહેવામાં કંઇ ખોટું નથી, કારણ કે સિલ્કી-શાઈની વાળ વ્યક્તિનો આખો લુક ચેન્જ કરી નાંખે છે. જોકે અત્યારની ભાગદોડભરી અને તણાવપૂર્ણ લાઇફ સ્ટાઈલને કારણે હેર ફોલ, હેરમાં ડ્રાયનેસ જેવી સમસ્યાઓ વધી રહી છે અને હેર ગ્રોથ નબળો પડી રહ્યો છે. જોકે સમસ્યા છે તો તેનું નિવારણ પણ છે. વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા વિવિધ પ્રકારની હેર કેર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. વાળ ચમકદાર - ભરાવદાર અને સુંદર દેખાય દેખાય તે માટે કેરાટીન, બોટોક્સ, એબ્સોલ્યુટ રિપેર, પ્રો-લોન્ગર જેવી ટ્રીટમેન્ટ કરાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ મોટાભાગે પ્રોફેશનલ સલૂન્સમાં યોગ્ય રીતે થાય. છે, તો આજે આ તમામ ટ્રીટમેન્ટ વિશે જાણીએ.
કેરાટીન ટ્રીટમેન્ટ
કેરાટીન ટ્રીટમેન્ટ એ વાળ માટે એક કોસ્મેટિક સારવાર છે, જે કેરાટીન નામના પ્રોટીનનો ઉપયોગ કરીને વાળને સ્મૂધ, સ્ટ્રેટ અને ફિઝ ઘટાડવાનું કામ કરે છે. આ પ્રોટીન વાળમાં કુદરતી રીતે હાજર હોય છે. તે હેરમાં થયેલ ડેમેજને સુધારે છે અને વાળને વધુ વ્યવસ્થિત અને ચમકદાર બનાવે છે. આ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ ત્રણ મહિના સુધી તેની અસર રહે છે અને તે વાળને સુંદર - મુલાયમ રાખે છે. અલબત્ત, આ ટ્રીટમેન્ટ પછી વાળની યોગ્ય માવજત કરવામાં આવે તો વધારે સમય સુધી વાળ મુલાયમ રહે છે.
બોટોક્સ ટ્રીટમેન્ટ
બોટોક્સ એ એક ડીપ કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ છે, જે વાળને રિવાઈટલાઈઝ અને રિજુવેનેટ કરે છે. તે વાળને શાઈની અને વધુ મેનેજેબલ બનાવે છે. ખાસ યાદ રાખશો કે હેર બોટોક્સ એ સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટ નથી. તે હેરને સોફ્ટ, સ્મુધ અને સિલ્કી લુક આપે છે. તે હેરને નેચરલ લુક આપે છે. જ્યારે કેરાટીન, સ્ટ્રેટનિંગમાં હેર એકદમ સ્ટ્રેટ દેખાવ આપે છે.
નેનોપ્લાસ્ટિયા ટ્રીટમેન્ટ
નેનો પ્લાસ્ટિયા એ એક એવી હેર કેર ટ્રીટમેન્ટ છે, જેમાં વાળને સ્ટ્રેટ અને શાઈની બનાવવા માટે તેના નામ પ્રમાણે જ નેનો ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેરાટીન ટ્રીટમેન્ટનો એક ભાગ છે, પરંતુ આ ટ્રીટમેન્ટ લોન્ગ લાસ્ટિંગ ટ્રીટમેન્ટ છે એવું કહી શકાય.
એબ્સોલ્યુટ રિપેર ટ્રીટમેન્ટ
એબ્સોલ્યુટ રિપેર મોલેક્યુલર ટ્રીટમેન્ટ એ પ્રોફેશનલ દ્વારા કરવામાં આવતી હેર-કેર રેન્જ છે. આ ટ્રીટમેન્ટ થકી હીટથી ડેમેજ થયેલા, બળી ગયેલા હેરને સરખા કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં વપરાતી પ્રોડક્ટમાં પેપ્ટાઈડ બોન્ડર અને એમિનો એસિડ હોય છે, જે વાળની સંરચનાને ફરીથી ભરવામાં મદદ કરે છે. આ ટ્રીટમેન્ટમાં વપરાતું શેમ્પૂ સલ્ફેટ ફ્રી હોય છે, જે બગડેલા, કલર કરેલા હેર માટે વધુ સારું છે.
મેટલ ડિટોકસ ટ્રીટમેન્ટ
આ એક પ્રોફેશનલ હેર ટ્રીટમેન્ટ છે, જે પાણી અને પર્યાવરણીય પોલ્યુશનમાંથી ભેગા થતા ધાતુના કણોની હાનિકારક અસરોથી વાળને સુરક્ષિત અને મજબૂત કરવાનું કામ કરે છે. તે કલર કરેલ બ્લીચિંગ હાઈલાઈટને લાંબો સમય ટકાવવાનું કામ કરે છે. તે કલરની શાઈન અને હેરના ફાઈબરને વધુ મજબૂત કરવાનું કામ કરે છે.
એમિનો એસિડ હેર ટ્રીટમેન્ટ
આ પણ એક પ્રકારની હેર કેર ટ્રીટમેન્ટ છે, જે તમારા વાળને રિપેર અને સ્ટ્રોંગ બનાવવામાં ઉપયોગી છે. આ ટ્રીટમેન્ટ હેરને નેચરલ લુક પાછો મેળવવામાં અને વાળને સોફ્ટ બનાવવામાં બહુ ઉપયોગી છે. સાથેસાથે જ આ ટ્રીટમેન્ટ વાળની ચમક પણ વધારે છે. ડ્રાય અને ડેમેજ થયેલા વાળ માટે આ ટ્રીટમેન્ટ ઉપયોગી છે.
પ્રો લોન્ગર
આ ટ્રીટમેન્ટ લાંબા વાળના પાતળા થયેલા છેડાની સમસ્યા દૂર કરવાનું કામ કરે છે. આ ટ્રીટમેન્ટ ખાસ કરીને હેરના સ્પ્લિટ એન્ડ્સને સ્ટ્રોંગ અને થિક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી વાળ લાંબા થાય અને વાળ એકંદરે સ્વસ્થ રહે. તેનો મુખ્ય ઘટક વાળના ફાઈબરમાં ઊંડે સુધી પ્રવેશીને સ્પ્લિટ એન્ડ્સને ભરે છે અને થિક બનાવે છે, જ્યારે એમિનો એસિડ ટ્રીટમેન્ટ વાળને સ્ટ્રોંગ બનાવે છે.
સ્કાલ્પ એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ
સ્કાલ્પ એડવાન્સ્ડ હેર ટ્રીટમેન્ટ સ્કાલ્પની સમસ્યાને દૂર કરે છે. તે વાળના વિકાસ માટે સ્વસ્થ પાયાને પ્રોત્સાહ આપવા માટે રચાયેલ છે. તેમાં નિયાસિન માઈડ AHA, પિરોક્ટોન ઓલામાઈન જેવા ઘટકોનો ઉપયોગ કરીને સ્કાલ્પમાં જોવા મળતી ઓઈલીનેસ અને ડેન્ડ્રફ જેવા સમસ્યા દૂર કરે છે. આ ટ્રીટમેન્ટ સ્કાલ્પ પરથી ધૂળના રજકણો સહિતનો કચરો દૂર કરે છે.
ઓલેપ્લેક્સ હેર ટ્રીટમેન્ટ
ઓલેપ્લેક્સ એ તૂટેલા હેરને રિપેર, રિબિલ્ડ અને રિસ્ટોર કરવાનું કમ્પલીટ સોલ્યુશન છે. આ બધું એક જ મોલેક્યુલને આભારી છે: BISAminopropy Diglycol Dimaleate. પેટન્ટ થયેલું આ ઘટક ક્લાયન્ટના વાળમાં ગરમી, કેમિકલ ડેમેજ, હીટ ડેમેજ અને કલર ડેમેજને કારણે તૂટેલા હેર મેનેજ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ ખૂબ જ અસરકારક ટ્રીટમેન્ટ છે.
બહેનો, અહીં રજૂ કરેલી હેર-કેર ટ્રીટમેન્ટ તો એક અછડતો આઇડિયા માત્ર છે, તમે તમારા વાળ અને સ્કાલ્પની ત્વચાને માફક આવે તેવી ટ્રીટમેન્ટ કરાવીને વાળને લાંબા સમય સુધી સ્વસ્થ અને સિલ્કી રાખી શકો છો.