હેરને કલર કરતાં આટલું ધ્યાનમાં રાખો

Wednesday 05th April 2017 09:26 EDT
 
 

ટેન્શન, વધતી ઉંમર અને પ્રદૂષિત વાતાવરણના લીધે વાળ સફેદ થવાની સમસ્યા દરેક મહિલામાં સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ વાળના રંગ માટેની કોશિકાઓ મેલેનોસાઈટ્સ ઓછી થઈ જાય છે. જેનાથી વાળ સફેદ થવા માંડે છે. વળી, સફેદ વાળ વારે તહેવારે કે રોજિંદી જિંદગીમાં પણ સ્ત્રીઓને ગમતા નથી તેથી જ વાળને હેરકલર સફેદ વાળની સમસ્યા માટે ઉત્તમ ઉપાય ગણવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે વાળને રંગવાના પણ ત્રણ પ્રકાર છે. એક તો ટેમ્પરરી બીજું સેમીપરમેનેન્ટ અને ત્રીજું પરમેનેન્ટ. ટેમ્પરરી વાળને કલર કરવો એટલે વાળની ઉપર રંગનું માત્ર આવરણ કરી દેવું. સામાન્ય રીતે મોડલ અને કલાકારો આ પદ્ધતિ અપનાવે છે. કારણ કે તેમના પાત્ર મુજબ વાળને રંગ કરવો પડે છે. ટેમ્પરરી હેરકલર્સ માત્ર એક જ વાર શેમ્પુ કરવાથી સાફ થઈ જાય છે. જો સેમી પરમેનેન્ટ કલરનો ઉપયોગ તમે કર્યો હોય તો થોડા લાંબા સમય માટે તે કલર રહે છે. આશરે દસથી બાર વખત શેમ્પુ કર્યા પછી જ તે નીકળે છે. સાધારણ ભૂરા રંગના વાળ માટે સેમી પરમેનેન્ટ હેરકલર વપરાય છે.

વાળને કાયમ માટે કલર કરવાનો મતલબ છે, લાંબા સમય સુધી વાળમાં કૃત્રિમ કલર ટકી રહે. આ પ્રકારે હેરકલર કરતી વખતે વાળ પર પેરોક્સાઈડ અને એમોનિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના હેરકલરનો ઉપયોગ દર ત્રણથી ચાર મહિને કરવો પડશે. ખાસ કરીને મૂળિયમાંથી ઊગતા વાળને કલર કરવો પડશે. કારણ કે જેમ જેમ વાળ વધશે તેમ તેમ વાળનો ખરો રંગ દેખાવા માંડે છે. વાળને રંગતી વખતે સાવધાની રાખવી જોઈએ કારણકે એનાથી તમને એલર્જી થઈ શકે છે. હેરકલર કરતી વખતે નીચેની બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

  • હેરકલર ગમે તે જગ્યાએ કરાવવાને બદલે એક જ બ્યુટી પાર્લરમાં કરાવો
  • વાળની ગુણવત્તા ટકાવી રાખવા અને સુટેબલ હેરકલર માટે બ્રાન્ડેડ બ્યુટી પાર્લર સિલેક્ટ કરો.
  • જો તમને કોઈ પ્રકારની વાળની એલર્જી, વાલમાં ખોળો અથવા અન્ય વાળની તકલીફ હોય તો હેરકલર કરાવતાં પહેલાં હેર સ્પેશ્યાલિસ્ટની સલાહ લો.
  • હંમેશા હેરકલર સારી ક્વોલિટીનો જ પસંદ કરો. સસ્તા હેરકલરના ચક્કરમાં વાળની તંદુરસ્તીને નુક્સાન ન પહોંચાડો.
  • ઘણી વખત સ્ત્રીઓ માત્ર એકબીજાના અનુકરણથી હેરકલરની પસંદગી કરે છે તેના બદલે કેશ વિશેષજ્ઞની સલાહ લઈને તમારા વાળ માટે હેરકલર પસંદ કરો. કલર એવો હોવો જોઈએ જે તમારા વાળ અને વ્યક્તિત્વ સાથે મેચ થતો હોય.
  • સમજી-વિચારીને વાળમાં રંગ કરાવો. એકવાર રંગ ચઢ્યા પછી તેને ઉતારવામાં વાળ તૂટે અને ખરે નહીં તેનું ધ્યાન રાખો.
  • કલર કરેલા વાળ માટે તેને અનુરૂપ શેમ્પુ વાપરો
  • ઘરની બહાર નીકળતી વખતે વાળને બની શકે તો બાંધીને રાખો અને સ્કાર્ફ પણ બાંધેલો રાખો. કારણકે આનાથી વાળ શુષ્ક અને સફેદ જલદી થાય છે. હેરકલર પણ જલદીથી ઉતરી જાય છે.
  • વાળને મહિનામાં ઓછામાં ઓછા એક વખત ડીપ કંડીશનિંગ કરો અને દરેક શેમ્પુ પછી સ્યુટેબલ કંડીશનરનો ઉપયોગ કરો.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter