હેરને હેલ્ધી રાખવા નિયમિત ડિટોક્સ કરો

Wednesday 17th May 2017 05:29 EDT
 
 

રેશમી, ચમકતા અને જથ્થામાં હોય એવા વાળ કઈ સ્ત્રીને ન ગમે? આ દરેક ગુણ ધઘરાવતાં વાળ મેળવવા જોકે વાળની સંભાળ ખૂબ જ જરૂરી છે. વાળને ખરતા અટકાવવા માટે એની માવજત આવશ્યક છે. વાળની માવજત માટે હેર ડિટોક્સની પદ્ધતિ પ્રચલિત છે. આ રીત એટલે વાળને ઝેરી તત્ત્વોથી દૂર રાખવા. સામાન્ય રીતે બે-ત્રણ કલાક માટે પણ ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે વાળની સ્થિતિ ખરાબ થઈ જાય છે. વાતાવરણમાંનું પ્રદૂષણ, ધૂળ, પરસેવો વગેરેથી વાળ મેલા થઈ જાય છે અને હેરવોશ કરવા પડે છે. વાતાવરણમાં રહેલાં આ ઝેરી તત્ત્વો માત્ર આપણી હેલ્થને જ નહીં, વાળની હેલ્થને પણ ભારે નુકસાન પહોંચાડે છે. એથી જ વાળને હેલ્ધી રાખવા એને ડિટોક્સ કરવા જરૂરી છે.

હેર ડિટોક્સ એટલે...

વાળમાં મેલ, ગંદકી, પ્રદૂષણ, પરસેવો, ધૂળ અને સ્કેલ્પની કોઈ બીમારીને કારણે વાળમાં જમા થયેલા ઝેરી તત્ત્વોને સાફ કરીને વાળનાં મૂળને મજબૂત બનાવવા માટે જે ટ્રીટમેન્ટ થાય છે તેને હેર ડિટોક્સિફિકેશન કહેવાય છે. માત્ર હેર શેમ્પુ કરવાથી, વાળમાં ઓઈલ મસાજ કરવાથી કે કોમ્બ કરવાથી વાળ ડિટોક્સ થતા નથી, પણ વાળનાં પ્રકાર પ્રમાણે તેને સાફ કરવા જરૂરી હોય છે. વાળ અનહેલ્ધી થઈ ગયા હોય, ખરતા હોય, ડેમેજ થયા હોય કે ડ્રાય થઈ ગયા હોય ત્યારે એને ડિટોક્સ કરવા જરૂરી છે. વાળને બે રીતે ડિટોક્સ કરી શકાય છે. એક રીત ઘરે જ અપનાવી શકાય છે અને બીજી રીત વાળને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવાની છે. આમાં વાળને ડિટોક્સ કરવા માટે સિસ્ટિન અને કેરાટિન એ બે કેમિકલની ટ્રીટમેન્ટ થાય છે.

પ્રદૂષણના કારણે વાળની મજબૂતી ઓછી થઈ જાય છે. વાળને પાછા મજબૂત બનાવવા માટે વાળના મૂળમાં સિસ્ટિન નામના કેમિકલ બ્રશનો ઉપયોગ થાય છે. આ કેમિકલ વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. આ ઉપરાંત વાળના મૂળમાં કેરાટિન નામનું કેમિકલ લગાવવામાં આવે છે, જે વાળને મોઇસ્ચર આપે છે. વાળને કેમિકલ સારવાર આપવામાં બે કલાક જેટલો સમય જાય છે અને આ બે કલાકના બદલામાં વાળ બે મહિના સુધી હેલ્ધી રહે છે.

ઘરેલુ પદ્ધતિ

પહેલાં ઉલ્લેખ કરાયો તેમ વાળને ઘરેલુ ઉપચારથી પણ હેલ્ધી રાખી શકાય છે. જેના માટે એક ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી તજનો પાઉડર, બે ચમચી ઓલિવ ઓઇલને મિક્સ કરવા. આ પેસ્ટને એકેએક લટ પર લગાવવી. એ પછી સ્કેલ્પ પર હળવા હાથે મસાજ કરો. એ પછી વાળ પર પંદરેક મિનિટ શાવર-કેપ લગાવી રાખો. વાળને અનુરૂપ શેમ્પુથી વાળ ધોઈ લો. તમે વધુ મુસાફરી કરતા હો, ડસ્ટ અને પરસેવો વાળમાં વધુ જમા થતો હોય તો ક્લેરિફાઇંગ શેમ્પુ વાપરો. વાળ જો ડેમેજ હોય, ડ્રાય હોય તો મોઇસ્ચરાઝિંગ શેમ્પુ વાપરો.

હેર ડિટોક્સ માટેની ટિપ્સ

  • વાળને શેમ્પુ કરતાં પહેલાં તેમાં તલ, ઓલિવ, નારિયેળ અથવા બદામના તેલનો મસાજ કરો. આમ કરવાથી માથામાં લોહીનું પરિભ્રમણ બરાબર થશે. વાળનાં છિદ્ર પહોળાં થશે. કચરો અને ઝેરી તત્ત્વો બહાર નીકળી આવશે.
  • ગ્રીન ટીની બે બેગને એક કપ પાણીમાં નાંખી આ પાણી વાળમાં એક કલાક રાખો. પછી વાળ ધોઈ લો. વાળ સુંવાળા, મજબૂત અને ચમકતા થઈ જશે.
  • વાળમાં લીલાં શાકભાજીનો જ્યુસ, લીંબુનો રસ, ટામેટાંનો રસ, આદુનો રસ અથવા ડુંગળીનો રસ લગાવી અડધો કલાક રાખીને ધોઈ લેવાથી પણ વાળ ડિટોક્સ થશે.
  • ખોરાકમાં લીલાં શાકભાજી, ફ્રૂટ્સ ભોજનમાં પૂરતા પ્રમાણમાં લેવાથી અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પણ વાળ ડિટોક્સ કરી શકાય.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter