બદલાતા વાતાવરણની અસર જેમ આપણી ત્વચા ઉપર વિપરિત અસર પડતી હોય છે એવી જ રીતે વાળ ઉપર પણ પડતી હોય છે. આ સંજોગોમાં જો પૂરતી કાળજી લેવામાં ન આવે તો વાળ ખરવા, ખોડો (ડેન્ડ્રફ) થવો વગેરે જેવી વાળને લગતી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. તબીબી જગતમાં કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર - મતલબ કે સારવાર કરતાં સાવચેતી સારી. કોઇ પણ પ્રકારની સમસ્યાઓ સર્જાય એ પહેલાં જ જો તમે વાળની પૂરી કેર કરશો તો અનેક પ્રકારની હેરાનગતિથી બચી જશો. તો આવો, આજે આપણે વાળની સારસંભાળ રાખતા પાંચ ગોલ્ડન મંત્ર વિશે જાણકારી મેળવીએ...
વાળને સ્વચ્છ રાખવા
તમારા વાળ સિલ્કી હોય, સ્ટ્રેટ હોય કે કર્લી હોય, જો તમે તેની સ્વચ્છતાની પૂરતી કાળજી લેશો તો વાળને લગતી ભાગ્યે જ કોઇ સમસ્યા સર્જાશે. વાળને નિયમિત રીતે ધોવામાં આવે તો વાળમાં પરસેવો અને ધૂળ જમા થતા નથી અને વાળ સ્વચ્છ રહે છે. બીજું, વાળ ધોવા માટે ગમે તે પ્રકારનાં શેમ્પૂનો ઉપયોગ કરવાને બદલે વાળના પ્રકારને ધ્યાનમાં રાખીને શેમ્પૂની પસંદગી કરો. એનાથી વાળ વધુ હેલ્ધી રહેશે. વધારે પડતી ગરમી અને બાફ વાતાવરણમાં રહેતા હોય એવા સમયે અઠવાડિયામાં બેથી ત્રણ વખત વાળ ધોવાનું રાખો, જેથી વાળ સ્વચ્છ રહે - સ્વસ્થ રહે.
કન્ડિશનર અચૂક લગાવો
વાળને ધોયા પછી કન્ડિશનર લગાવવાનું ભૂલશો નહીં. હાઈડ્રેટેડ અને મોઈશ્ચરાઈઝ્ડ કરવા માટે હંમેશાં શેમ્પૂ પછી કન્ડિશનરનો ઉપયોગ કરવામાં આવે છે. વાળ વધારે ડિહાઈડ્રેટેડ થઈ ગયા હોય તો તમે સારું હેર માસ્ક લગાવો અને ધોતા પહેલાં ઓછામાં ઓછી પાંચ મિનિટ માટે રહેવા દો. અને હા, વાળમાંથી શેમ્પૂ, કન્ડિશનર કે હેર માસ્ક કાઢવા માટે હંમેશાં ઠંડા પાણીનો ઉપયોગ કરો.
હેર સ્પા અવશ્ય કરો
કેમિકલ ટ્રીટેડ અને ડેમેજ્ડ વાળ નિર્જીવ લાગે છે. આવા વાળને ચેતનવંતા બનાવવા માટે દર 15 દિવસે અથવા મહિનામાં એકાદ વખત સારી કંપનીનું હેર સ્પા અવશ્ય કરાવો. હેર સ્પા એક ડીપ કન્ડિશનિંગ સર્વિસ હોય છે, જે વાળમાં ફરી નમીને રિસ્ટોર કરવામાં મદદ કરે છે. હેર સ્પા ક્રીમમાં મોઈશ્ચરાઈઝિંગ ઈન્ગ્રીડિઅન્ટ્સ હોય છે, જે વાળને મુલાયમ અને હેલ્ધી બનાવે છે.
હિટ સ્ટાઈલિંગથી દૂર રહો
વાળની સારસંભાળમાં બેઝિક નિયમોમાંનો એક છે વાળને ગરમીથી બચાવવાનો. કોઇ પણ પ્રકારની ગરમી વાળ માટે નુકસાનકારક છે - પછી તે કુદરતી સૂર્યતાપની હોય કે હેર ડ્રાયરની હોય. તમને હેર સ્ટાઈલિંગ પસંદ હોય તેમાં કંઇ ખોટું નથી, પણ આ માટે તેને હિટનો ઉપયોગ કરવાનું ટાળો. વાળને સૂકવવા માટે દર વખતે આયર્ન કે ડ્રાયર મશીનનો ઉપયોગ કરવાનું ટાળો. ખાસ કરીને ગરમીના દિવસોમાં તો જરા પણ નહીં. વાળને કુદરતી રીતે સુકાવા દો. ધોયેલાં વાળને સુકાતાં અડધોથી પોણો કલાક લાગશે એટલું જ, પણ આનાથી વાળને નુકસાન થતું બચાવી શકશો.
નિયમિત પૌષ્ટિક આહાર
વાળની સંભાળ આપણે બહારથી કરીએ છીએ એટલું પૂરતું નથી. વાળને બહારથી જેટલું પોષણ આપીએ છીએ એટલું જ પોષણ શરીરમાંથી પણ મળવું જોઇએ. અને આ પોષણ પૌષ્ટિક ભોજન વડે જ મળવાનું છે. નિયમિત પૌષ્ટિક ભોજનનું સેવન કરો. ખાસ તો શરીરમાં પાણીની ઊણપ ન સર્જાય એનું ખાસ ધ્યાન રાખો. શરીરને હાઇડ્રેટ રાખશો તો વાળને જ નહીં, સમગ્ર સ્વાસ્થ્યને તેના અનેક લાભ થશે. તમારા ડેઇલી ડાયટ રુટિનમાં જ્યુસને અચૂક સ્થાન આપો.


