હેરને હેલ્ધી રાખશે નિયમિત તેલ માલિશ

Wednesday 22nd February 2023 11:41 EST
 
 

વાળમાં નિયમિત રીતે તેલથી મસાજ કરવાથી કેમિકલ અને અન્ય હેર ટ્રીટમેન્ટથી વાળને થતાં નુકસાનની અસર ઘટાડી શકાય છે. હેર ઓઇલ અલગ અલગ પ્રકારનાં હોય છે એ હંમેશા યાદ રાખો. અમુક ઓઇલ લૂબ્રિકેશન માટે તો, કોઇ ઓવરઓલ હેલ્થ માટે, તો વળી કોઇ નરિશમેન્ટ કરવા તો કોઇ સ્કિન અને વાળમાં સ્કેલ્પ માટે પરફેક્ટ હોય છે.
વાળને નિયમત હેર ઓઇલ કરવાનો સૌથી મોટો લાભ એ છે કે તે હેલ્ધી રહે છે. જો વાળની યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો સ્કેલ્પમાં ખોડો, ખંજવાળ, ડ્રાઇનેસ જેવી સમસ્યાઓ થઇ શકે છે. ઘણી વખત આપણને એવું લાગે છે કે વાળ હંમેશાં ઓઇલી જ રહે છે. જે દિવસે શેમ્પૂ કરીએ છીએ એ દિવસે સાંજે ફરીથી ઓઇલી થઇ જાય છે. તો આનાથી વિપરીત ક્યારેક ક્યારેક વાળ રફ અને ડ્રાય થઇ જાય છે, પણ સ્કેલ્પ ઓઇલી રહે છે. આ સમસ્યા દર્શાવે છે કે એક જ જગ્યા ઉપર બે અલગ અલગ પ્રકારનાં ટેક્સચર છે અને પીએચ બેલેન્સ નથી તો આપણે પીએચનું બેલેન્સિંગ કરવું પડે છે. એ માટે ઓઇલમાં કપૂર, લીંબુ વગેરે નાંખીને સ્કેલ્પમાં માલિશ કરવામાં આવે છે. ઘણી વખત પીએચ બેલેન્સિંગ કેપ્સ્યૂલ, આલ્ફા હાઇડ્રોક્સી વગેરે પણ મસાજ ઓઇલમાં મિક્સ કરવામાં આવે છે. વાળ અને સ્કેલ્પની હેલ્થ સાથે સંકળાયેલી આ જરૂરી જાણકારી મેળવીને તમે પણ વાળને સુંદર - સ્વસ્થ અને ટકાઉ બનાવી શકો છો.
• માનસિક તણાવથી તૂટતા વાળઃ આપણામાંથી મોટા ભાગના લોકો હંમેશાં મન પર બોજો લઇને ફરતાં હોઇએ છીએ. આનું કારણ છે ભાગદોડભરી લાઇફસ્ટાઇલ. નાની નાની વાતોથી પરેશાન થઇ જવું, મગજમાં સતત નકારાત્મક ભાવના જેવા કારણસર સીધી અસર વાળ અને સ્કેલ્પની હેલ્થ પર પડે છે. આથી જ મનને શાંત રાખવું અને ખુશ રહેવું જરૂરી છે. તમારી ખુશમિજાજ જીવનશૈલીની અસર વાળ ઉપર જોવા મળશે. તમારા વાળનો ગ્રોથ પણ વધશે અને વધુ ચમકદાર થશે. ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થશે.
• ગંદા વાળમાં ઓઇલ મસાજઃ આપણે જ્યારે બહાર ફરીને આવીએ છીએ ત્યારે વાળમાં પ્રદૂષણની અસર હોય છે. ચીકાશ અને ધૂળમાટી જામી જાય છે. આવા ગંદા વાળમાં આપણે ઓઇલિંગ કરીએ છીએ. એનાથી ક્યૂટિકલ અને સ્કેલ્પનાં રોમછિદ્રની ઉપર એક્સટર્નલ મટીરિયલ એટલે કે પ્રદૂષણ અને ગંદકી જમા રહે છે અને રોમછિદ્ર ભરેલા હોય છે. આવી સ્થિતિમાં ઓઇલિંગથી ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. તેથી આવા ગંદા વાળમાં ક્યારેય ઓઇલિંગ ન કરવું જોઇએ. સ્વચ્છ વાળમાં ઓઇલિંગ કરશો તો જ ફાયદો થશે.
• વાળના ગ્રોથમાં મદદરૂપઃ વાળ પ્રોટીનમાંથી બને છે અને તેના ગ્રોથ માટે પૂરતા પ્રમાણમાં વિટામિન અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સની જરૂર પડે છે. ઓઇલ મસાજથી એની પૂર્તિ થાય છે. સ્કેલ્પમાં તેલ માલિશ કરવાથી રોમછિદ્ર ખૂલી જાય છે. એનાથી વાળની ત્વચા તેલને સારી રીતે શોષે છે. માથામાં થતાં રક્તસંચારમાં વધારો થાય છે. વાળનાં મૂળ મજબૂત થાય છે. નિયમિત રીતે ઓઇલ મસાજ કરવાથી વાળમાં કેમિકલ અને અન્ય હેર ટ્રીટમેન્ટથી થતા નુકસાનની અસર પણ ઓછી થાય છે.
વળી, હેર ઓઇલ વાળમાં ચમક વધારે છે. ગરમીને કારણે વાળ નિર્જિવ થઇ જતા હોય છે. તેલ માલિશ કરવાથી વાળની આ સમસ્યા દૂર થઇ જાય છે અને વાળને પોષણ મળે છે. સ્કેલ્પમાં રોમછિદ્ર (પોર્સ) બંધ થઇ જવાને કારણે ઘણી વખત વાળમાં બળતરા, ખંજવાળ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન વગેરે થઇ શકે છે.
વાળમાં માલિશ કરવાથી સ્કેલ્પને પોષણ મળે છે અને ઇન્ફેક્શન થતું નથી.
મોટા ભાગના કિસ્સામાં હેર ફોલ થવા પાછળનું મુખ્ય કારણ હોય છે ખોડો. હેર ઓઇલ કરવાથી ખોડો દૂર થાય છે અને હેર ફોલને અટકાવી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter