હેવિ ડ્રેસ સાથે કેવી રીતે પહેરશો દુપટ્ટા?

Monday 04th February 2019 05:01 EST
 
 

લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે દરેક લગ્ન પ્રસંગે નવું શું પહેરવું એ અંગે મહિલાઓમાં ખાસ ગૂંચવણ રહે છે. તેનું સોલ્યુશન એ છે કે બ્રાઇડલ લહેંગા સાથે અલગ અલગ રીતે દુપટ્ટા પહેરવા માટેની કેટલીક રીત અહીં આપવામાં આવી છે. ભારતીય પારંપારિક ડ્રેસની સુંદરતા એની વિવિધતામાં રહેલી છે પછી એ સાડી હોય કે તમારાં મોંઘાં ચણિયા-ચોળી. તમારી પર્સનાલાઇઝ્‌ડ ફેશન સ્ટાઇલ માટે તમે એ અલગ - અલગ રીતે પહેરી શકો. તમારા લગ્ન હોય કે તમારી નિકટની કોઇ વ્યકિતના તમે ખૂબસૂરત અને આકર્ષક દેખાવાનું પસંદ કરો. તમારા લહેંગા સાથે દુપટ્ટાને સહેલાઇથી જુદી જુદી રીતે કઇ રીતે ડ્રેપ કરી શકાય તે આવો જાણીએ.

ફ્રન્ટ ફ્લો સ્ટાઈલ

ફ્રન્ટ ફલો દુપટ્ટો નાંખવો એ કલાસી અને એલિગન્ટ લાગે છે. દુપટ્ટાને આ સ્ટાઇલમાં ડ્રેપ કરવા માટે પાટલી (પ્લિટ્સ) વાળી તમારા ડાબા ખભા પર પિન મારી રાખો. તેથી એ તમારી પાછળ ઘૂંટણ સુધી રહે. આગળના ભાગ માટે દુપટ્ટાને જમીન પર રાખો પછી એને વાળી તમારા ફોરઆર્મ (કોણી અને કાંડાની વચ્ચે) રાખો. આ સ્ટાઇલ હેન્ડલ કરવા માટે તમારે સાવધ રહેવું પડશે. એ હાથ પરથી સરકી ન જાય એનું ધ્યાન રાખો. તમારા લગ્નની વિધિ વખતે આ બેસ્ટ ચોઇસ નથી, પરંતુ રિસેપ્શન માટે પરપેક્ટ છે.

ડ્રેપ સ્ટાઈલ

આ એકદમ કોમન છતાં સહેલી અને સદાબહાર સ્ટાઇલ છે. લગ્ન હોય કે રિસેપ્શન, મહેંદી ફંકશન હોય કે સંગીત - દરેક પ્રસંગે સારી લાગે છે. દુપટ્ટાના એક છેડાને તમારી કમરની જમણી બાજુ ખોંસો. પછી તમારા ડાબા હાથની નીચેથી (અન્ડર આર્મ) લઇ તમારા જમણા ખભા પર સાડીના પાલવની જેમ રાખો. તમે લહેંગા-સાડી માટે તૈયાર છો.

કેઝ્યુઅલી નાંખો

હેવિ એમ્બ્રોઇડરીવાળા બ્લાઉઝ સાથેના લહેંગા માટે કેઝયુઅલ ડ્રેપ સ્ટાઇલ પરફેકટ છે કારણ કે આ સ્ટાઇલમાં ચોળી કવર થતી નથી. દુપટ્ટાનો એક છેડો કમરની ડાબી બાજુ ખોંસો એને ઢીલો કરી દુપટ્ટાને તમારા ડાબા હાથ પરથી માથા પર રાખો. તમે જમણા ખભા પર દુપટ્ટાને લટકતો પણ રાખી શકો. આ જ સ્ટાઇલમાં બીજો વિકલ્પ છે દુપટ્ટાને પાછળ લુઝ રાખવાને બદલે તમે એને આગળની બાજુ છુટ્ટો રાખી શકો. આગળની બાજુ તમે છુટ્ટો છેડો તમારા કાંડા પર વીંટી શકો. ટ્રેડિશનલ અને સુંદર દેખાવા ઇચ્છતી ઇન્ડિયન બ્રાઇડ માટે આ પરફેક્ટ સ્ટાઈલ છે.

ડબલ સાઇડેડ ડ્રેપ

આ સ્ટાઇલ એકદમ એલિગન્ટ લાગે છે. એ આગળ તેમ જ પાછળ બંને જગ્યાએ રહે છે. દુપટ્ટાના એક છેડાને લઇને એને તમારી કમરની કોઇ પણ એક બાજુ ખોંસો. પછી પાછળની બાજુ પ્રમાણમાં વધારે રહે એ રીતે આગળ લાવો. એક વાર દુપટ્ટો આગળ આવી જાય એટલે એને ચોળી પર રહેવા દઈ ખભા પર પિન-અપ કરી દો. આ રોયલ લુક માટે પ્લિટ્સ બરાબર વાળવાનું ધ્યાન રાખો.

બેક ‘યુ’ સ્ટાઈલ

હેવિ એમ્બ્રોઇડરી દુપટ્ટા માટે આ એક કલાસી અને ગ્રેટ સ્ટાઇલ છે કારણ કે એ તમને ડિઝાઇન બરાબર બતાવવાની તક આપે છે. દુપટ્ટાના એક છેડા પર બરાબર પાટલી વાળી તમારા ડાબા ખભા પર પિન કરો જેથી દુપટ્ટો આગળ તમારી કમર નીચે છુટ્ટો રહે. દુપટ્ટાના બીજા છેડાને જમણી બાજુ આગળ લાવો હવે તમે એને કયાં તો તમારા જમણા હાથના કાંડા પર વીંટી શકો અથવા લહેંગામાં ખોંસી શકો જેથી પાછળ સરસ ‘યુ’ શેપ બને. વેડિંગ સેરેમનીમાં તમે દુપટ્ટાને માથા પર પણ રાખી શકો.

ડબલ દુપટ્ટા સ્ટાઈલ

બ્રાઇડલ લહેંગા સાથે ડબલ દુપટ્ટા તમારા ઓવરઓલ લુકને નિખારશે. ભારતીય ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખરજીએ આ ડબલ દુપટ્ટાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. બોલિવૂડની ઘણી બ્રાઇડ્‌સ આ સ્ટાઈલમાં ખૂબસૂરત જોવા મળી હતી.

બે દુપટ્ટાનો ઉપયોગ - એક ડ્રેપિંગ માટે અને બીજો તમારું માથું ઢાંકવા માટે. આ સ્ટાઇલમાં તમે રોયલ બ્રાઇડ જેવાં લાગશો. સામાન્ય રીતે અત્યારે દરેક દુલ્હન આ પ્રકારે જ માછે ઓઢણી રાખે છે. એક બ્રાઇડ તરીકે બધાંથી અલગ તરી આવવા તમે કલર્સ, સ્ટાઇલ અને ફેબ્રિકસમાં એકસપરિમેન્ટ કરી શકો. ડબલ દુપટ્ટા સ્ટાઇલ ડ્રેપ કરતી વખતે હંમેશાં લાંબો દુપટ્ટો માથું કવર કરવા અને નાનો દુપટ્ટો ડ્રેપ માટે રાખો.

રોયલ બ્રાઈડ લુક માટે આ ટ્રેન્ડ અપનાવી શકાય છે. ડબલ દુપટ્ટા સ્ટાઇલ પ્લસ સાઇઝની બ્રાઇડને વધુ શોભે છે. કારણ કે તેઓ આ દુપટ્ટાથી પોતાના પ્રોબ્લેમ એરિયાને સહેલાઇથી છુપાવી શકે છે. હેવિ એમ્બ્રોઇડરીવાળો દુપટ્ટો પેટ ઢાંકવા માટે ડ્રેપ કરી શકાય. તમે સિલ્ક અથવા વેલ્વેટનો દુપટ્ટો ડ્રેપિંગ માટે અને નેટના દુપટ્ટાનો માથું કવર કરવા ઉપયોગ કરી શકો કારણ કે તેનો ફોલ સારો રહે છે. તમે આછા રંગના ચણિયા ચોળી કે સાડી પહેરતાં હો અને એમાં થોડો કલર ઉમેરવા ઇચ્છતાં હો તો તમારા આઉટફિટને નિખારવા એક કોન્ટ્રાસ્ટિંગ કલરનો હેવિ અમ્બ્રોઈરી જેવી કે ગોટા વર્કનો દુપટ્ટો પસંદ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter