હોમ ડેકોરઃ ઇન્ટિરિયરમાં આગવું સ્થાન ધરાવતા સોફા

Saturday 03rd September 2022 06:36 EDT
 
 

ઘરના સમગ્ર લુકમાં સોફાનું મહત્ત્વ બહુ વધારે છે. સોફાનો ઘરના ઇન્ટિરિયરમાં અગત્યનો રોલ છે. એ સુંદર હોવાની સાથે સાથે આરામદાયક હોય એ પણ બહુ જરૂરી છે. આથી જ ઘર માટે સોફાની પસંદગી બહુ સમજીવિચારીને કરવી જોઇએ.
સૌપ્રથમ તો સોફાના મટીરિયલની પસંદગીમાં બહુ કાળજી રાખવી જોઇએ. સોફા ખરીદતા પહેલા એક વાર તેના પર બેસીને એ કેટલા કમ્ફર્ટેબલ છે એ તપાસી લેવું જોઇએ. સોફામાં સારી ક્વોલિટીનું ફોમ વપરાયેલું હોવું જોઇએ. સારી ક્વોલિટીનું ફોમ મજબૂત અને ટકાઉ હોય તે ખૂબ જ જરૂરી છે. જો ફોમ સારું હશે તો સોફા લાંબા સમય સુધી ટકશે. માર્કેટમાં આવા અનેક પ્રકારના સોફા ઉપલબ્ધ છે.
સોફા માટે એવું મટીરિયલ પસંદ કરવું જોઇએ, જે તમને અનુકૂળ હોય તેમજ રૂમની સાજસજાવટને મેચ થતું હોય. સિલ્ક મટીરિયલ ક્લાસી લુક આપે છે જ્યારે સિન્થેટીક લેધર સોફ્ટ અને ટકાઉ હોય છે. મોટાભાગના લોકો સોફા માટે સિન્થેટીક લેધરની પસંદગી કરતા હોય છે. કોટન કમ્ફર્ટેબલ હોય છે પણ એની નિયમિત જાળવણી સમય માગી લે છે.
દરેક વ્યક્તિ પોતાની ચોઇસ પ્રમાણે સોફા માટે ફેબ્રિક કે લેધરની પસંદગી કરતી હોય છે. આ બંને વિકલ્પો સારા લાગે છે પણ સોફાનો કઇ રીતે ઉપયોગ થવાનો છે એના આધારે પસંદગી કરવી યોગ્ય છે. જો સોફાનો સતત ઉપયોગ થવાનો હોય તો એવા મટિરિયલની પસંદગી કરવી યોગ્ય છે જે મજબૂત હોય. ફેબ્રિકમાં નેચરલ અને સિન્થેટીક એમ બંને પ્રકારના ફાઇબર ધરાવતા મટિરિયલનો વિકલ્પ મળે છે. ફેબ્રિક કમ્ફર્ટેબલ હોય અને અલગ અલગ પ્રિન્ટ અને પેટર્નમાં ઉપલબ્ધ છે.
જોકે ફેબ્રિકવાળા સોફા ખરીદતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે એની નિયમિત સાફસફાઇ કરવી બહુ જરૂરી છે નહીંતર એનો લુક ખરાબ થઇ જાય છે. જો તમે સોફાને બારીની નજીક રાખવાના હોય તો ફેબ્રિક મટિરિયલની જ પસંદગી કરો કારણ કે એના પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર નથી થતી અને તડકાથી એનો રંગ બદલાતો નથી.
ઘર માટે તમે જ્યારે સોફાની પસંદગી કરો છો ત્યારે સોફાની સાઇઝનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો તમારા ઘરનો હોલ થોડો નાનો હોય તો અને તમે મોટો સોફા ખરીદી લેશો તો ઘરમાં બહુ ખરાબ લાગશે. એટલું જ નહીં, રૂમમાં સંકડાશ વધી જશે. આવી જ રીતે બહુ મોટા હોલમાં પણ નાનો સોફા સારો નહીં લાગે. આમ, સોફાની પસંદગી કરતી વખતે એ જે જગ્યાએ મૂકવાનો હોય એ રૂમની સાઇઝ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter