૧૩ વર્ષથી પથારીવશ છતાં પુત્રના ભાવિ માટે એકલા હાથે ઝઝૂમતી માતા

Saturday 04th September 2021 08:09 EDT
 
 

મહેસાણા: આ સાથે રજૂ કરેલી તસવીર પર નજર ફેરવી? આ કોઇ સામાન્ય તસવીર નથી, પણ ભાવનાબહેનના જીવનની સંઘર્ષગાથા છે. મહેસાણાના આઝાદ ચોકમાં આવેલા સોનીવાડામાં રહેતાં ૩૬ વર્ષીય ભાવનાબહેન રમણજી ઠાકોર ૨૦૦૭માં અકસ્માતે ધાબાની છત પરથી પડી જતાં કમરના બે મણકા તુટી ગયા હતા. કમરથી નીચેનું અડધું શરીર કામ કરતું બંધ થઇ ગયું. પરિવારમાં કામ કરનાર બીજું કોઇ નહોતું. અને આર્થિક મજબૂરી તો ખરી જ. આવી કપરી સ્થિતિમાં હિંમત હારવાના બદલે જાતે જ રસોઇ બનાવવાની લઇ કપડાં ધોવા સહિતના કામ શરૂ કર્યા. હિંમતે મર્દા તો મદદે ખુદા. છેલ્લા ૧૩-૧૩ વર્ષથી તેઓ નાની ખાટલીમાં સૂતાં સૂતાં તમામ કામ કરી લે છે.
ભાવનાબહેન ૨૦૦૭નો એ દિવસ યાદ કરતા કહે છે. ત્યાં હું માલ ગોડાઉન રોડ પર પ્રભુદાસના ડેલામાં પતિ અને દોઢ વર્ષના પુત્ર વિપુલ સાથે એક જર્જરિત મકાનમાં રહેતી હતી. દુર્ઘટના બની એ દિવસે મકાનની ગેલેરીમાં ઊભી હતી ત્યારે તે ધડાકાભેર તુટી પડી. હું પણ જમીન પર પટકાઇ, જેમાં મારી કમરના બે મણકા તુટી ગયા. મહેસાણા અને અમદાવાદ સુધી આર્થિક રીતે પહોંચી શકાય તેમ હતું ત્યાં સુધી સારવાર કરવી, પણ કોઇ ફરક ન પડ્યો. આ ઓછું હોય તેમ અને કુદરત કસોટી કરતી હોય તેમ આ ઘટનાના ૬ મહિના બાદ પતિએ પણ સાથ છોડ્યો. પુત્રના ઉછેરની સંપૂર્ણ જવાબદારી મારા પર આવી પડી.
આ પછી ભાવનાબહેનને માલ ગોડાઉનના વેપારીઓએ આર્થિક સધિયારો પૂરો પાડ્યો. દોઢેક વર્ષ અગાઉ કોરોના મહામારીમાં રાશનકીટનું વિતરણ કરવા આવેલા સામાજિક કાર્યકર વિષ્ણુભાઇ બારોટે અમારી કરુણ સ્થિતિ જોઇને સોનીવાડામાં મકાન ભાડે અપાવ્યું. આજે ઘરભાડા સહિતનો આર્થિક ખર્ચ તેઓ જ ઉઠાવી રહ્યા છે. તેઓ અમારા માટે તો ભગવાન બનીને મદદે આવ્યા છે. પુત્ર વિપુલ આજે ૧૬ વર્ષનો થઇ ગયો છે અને આઇટીઆઇ કરે છે. સાથે સાથે જ ઘરકામમાં પણ મદદરૂપ બને છે.
જોકે આટઆટલી યાતનાઓ છતાં ભાવનાબહેનને બીજી કોઇ ફરિયાદ નથી, પણ મનમાં એક ખટકો જરૂર છે. વિધવાસહાય તો મળે છે, પરંતુ આટલી શારીરિક અક્ષમતા છતાં તેમની પાસે વિકલાંગ સર્ટિફિકેટ નથી. તેઓ ઇચ્છે છે કે તંત્રે સંવેદનશીલતા દાખવીને વિકલાંગ સર્ટિફિકેટ કાઢી આપવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter