૧૫ જ મિનિટમાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન, અત્યાર સુધી ૨૫૦૦૦ મહિલાઓની તપાસ

Wednesday 04th March 2020 06:10 EST
 
 

બેંગલુરુઃ આરોગ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં દર વર્ષે ૧ લાખ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે. તે દેશમાં સૌથી વધુ ઝડપથી વધતું કેન્સર છે. લેન્સેટનો રિપોર્ટ પણ કહે છે કે, ભારતમાં ૬૦ ટકા કેસમાં કેન્સરનું સમયસર નિદાન નથી થતું. આ જ કારણસર ૬૬ ટકા મહિલાઓ કમોતે મરે છે, જ્યારે વિકસિત દેશોમાં ૯૦ ટકા મહિલાઓ આ કેન્સરનો ભોગ બન્યા પછી સ્વસ્થ થઈ જાય છે. આ સ્થિતિમાં બદલવા માટે બેંગલુરુની એક આઈટી પ્રોફેશનલ છેલ્લાં ઘણાં સમયથી સંઘર્ષ કરી રહી છે.
ગીતા મંજુનાથના હેલ્થ સ્ટાર્ટઅપ ‘નિરામય’એ આવું એઆઈ બેઝ્ડ થર્મલ સેન્સર ડિવાઈસ બનાવ્યું છે, જે બ્રેસ્ટ કેન્સરની ઓળખ શરૂઆતના સ્ટેજમાં જ કરી લે છે. એટલું જ નહીં, આ ડિવાઈસ બ્રેસ્ટ કેન્સરના લક્ષણો ના દેખાતા હોય ત્યારે તેની ઓળખ કરી લે છે. ગીતાના પરિવારમાં બ્રેસ્ટ કેન્સરથી થયેલા મોત જોઈને તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. તેઓ કહે છે કે, થોડા વર્ષ પહેલા મારી બે પિત્રાઈ બહેનોનાં મોત થઈ ગયા. જો તેમના કેન્સરનું નિદાન સમયસર થયું હોત, તો તે બંને બચી જાત! આ માટે હું કંઈક કરવા માંગતી હતી. જેથી મેં મારા એક મિત્ર સાથે થર્મોગ્રાફીની વાત કરી. તે ઈન્ફ્રારેડ ઈમેજના આધારે વિશ્લેષણ કરવાની ટેકનિક છે. મેં એક નાની રિસર્ચ ટીમ તૈયાર કરી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કેન્સરની ઓળખ કરવા સક્ષમ ડિવાઈસ બનાવ્યું. તેની તપાસના સારા પરિણામ મળ્યા અને એ જ ટીમ સાથે મેં ‘નિરામય’નો પાયો નાંખ્યો. અમારું ડિવાઈસ અત્યાર સુધી ૨૫ હજાર મહિલાના બ્રેસ્ટ કેન્સરનું સમયસર નિદાન કરી ચૂક્યું છે.
આ ડિવાઈસનો ઉપયોગ બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હી સહિત ૧૨ શહેરની ૩૦થી વધુ હોસ્પિટલમાં થઈ રહ્યો છે. ગીતાની સંસ્થાને રોકાણકારોનું રૂ. ૫૦ કરોડનું દાન પણ મળ્યું છે. હાલમાં જ ગેટ્સ ફાઉન્ડેશને ‘નિરામય’ને રિવર બ્લાઈન્ડનેસ રોકવા માટે સોફ્ટવેર બનાવવાનું કામ સોંપ્યું છે.
આ ડિવાઈસ ૫ એમએમ સુધીના નાના ટ્યૂમરની પણ ઓળખ કરી લે છે
ગીતા કહે છે કે, હજુ દેશમાં મેમોગ્રાફીથી બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ કરાય છે. ૪૫ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં આ પદ્ધતિ એટલી સફળ નથી, પરંતુ થર્મલ સેન્સર ડિવાઈસ છાતીના વધતા-ઘટતા તાપમાન પર નજર રાખે છે અને તસવીરો લે છે. તેનું વિશ્લેષણ કરીને ઓળખ કરે છે. આ કામમાં ફક્ત ૧૫ મિનિટ લાગે છે. આ ડિવાઈસથી ૫ એમએમના નાના ટ્યુમરની ઓળખ પણ સરળતાથી થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter