રાંચીઃ ઝારખંડના રાંચીથી એક પ્રેરણાદાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં અગુસ્તીના સોરેંગ નામની મહિલા છેલ્લા 12 વર્ષથી માનવ તસ્કરો સામે એકલા હાથે મોટી લડત લડી રહી છે. ઝારખંડના પછાત વિસ્તારો જેવા કે સિમડેગા, ખૂંટી અને ગુમલામાં સક્રિય માનવ તસ્કરો ગરીબી અને બેરોજગારીનો ભોગ બનેલા માસૂમ બાળકો અને યુવતીઓને મહાનગરોમાં મોટી નોકરીઓ અપાવવાની લાલચ આપીને લઇ જતાં અને પછી તેને વેચી દેતા હતા.
અગુસ્તીના આ ગરીબ પરિવારો માટે એક મજબૂત સુરક્ષા ઢાલ બનીને ઉભરી આવ્યા છે અને તેમના અથાક પ્રયાસોથી આસપાસના 40 જેટલા ગામો સુરક્ષિત બન્યા છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના સહયોગથી અગુસ્તીનાએ અત્યાર સુધીમાં 55 જેટલા સગીરો અને યુવતીઓને માનવ તસ્કરોના ચુંગાલમાંથી સબળ રીતે મુક્ત કરાવ્યા છે. અગુસ્તીનાની આ પ્રશંસનીય બચાવ કામગીરીમાં 25 વર્ષ પહેલાં ગુમ થયેલી લીલી ખલખો નામની મહિલાનો કિસ્સો ચર્ચાસ્પદ રહ્યો છે, જેને 23 વર્ષની ઉંમરે પંજાબના એક દલાલને વેચી નાંખવામાં આવી હતી. અગુસ્તીનાએ કાનૂની મદદથી તેને શોધી કાઢી તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. આજે તેમનું આ સાહસિક અભિયાન દેશભરમાં માનવ તસ્કરી વિરુદ્ધ લડવા એક મિસાલ પૂરું પાડી રહ્યું છે.


