‘ટેસ્લા બેબી’ઃ ચાલતી કારની ફ્રન્ટ સીટ પર ડિલીવરી

Friday 07th January 2022 08:07 EST
 
 

વોશિંગ્ટનઃ ચાલતી કારની ફ્રન્ટ સીટ પર મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો છે. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બની છે. મહિલા ટેસ્લા કારમાં પ્રવાસ કરતી હતી અને તેને લેબર પેઇન શરૂ થયું હતું. ત્યારબાદ મહિલાના પતિએ કારને ઓટોપાઇલટ મોડમાં મૂકી અને ચાલતી કારમાં જ તેની ડિલીવરી થઈ ગઈ. દુનિયાનો આ પ્રકારનો પહેલો મામલો મનાય છે. મહિલાએ બાળકીને ચાલતી ટેસ્લા કારમાં જન્મ આપ્યો હોવાથી લોકો તેને ‘ટેસ્લા બેબી’ના નામે ઓળખાવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલાડેલ્ફિયાની રહેવાસી આ મહિલાનું નામ યિરાન છે. તે પોતાના પતિ કીટિંગ સાથે ત્રણ વર્ષના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહી હતી. આ દરમિયાન કારની ફ્રન્ટ સીટ પર બેઠેલી યિરાનને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ. આ જોઇને મહિલાના પતિએ કારને હોસ્પિટલ તરફ હંકારી દીધી. રસ્તામાં ખૂબ જ ટ્રાફિક હતો જેના કારણે હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ ગયું. આ દરમિયાન કીટિંગે કારને ઓટોપાઇલોટ મોડ પર મૂકીને યિરાનની મદદ કરવા લાગ્યો. કપલને ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચવામાં અડધો કલાક લાગ્યો હતો પરંતુ આ દરમિયાન જ યિરાને કારની અંદર જ બાળકને જન્મ આપી દીધો. સોશિયલ મીડિયા યૂઝર્સ બાળકીને પહેલી ‘ટેસ્લા બેબી’નું નામ આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter