કેપ કેનેવરલ: સ્પેસસૂટના સાઈઝિંગ ઈશ્યુને કારણે પહેલી ‘ઓલ ફિમેલ’ સ્પેસવોક ગુમાવનારી અંતરિક્ષપ્રવાસી એન. મેક્કલેનને છ વર્ષ બાદ ગયા ગુરુવારે ફરી આ મહામૂલો અવસર મળ્યો હતો. મેક્કલેન અને નિકોલ એયર્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માંથી સાથે બહાર નીકળ્યા હતા અને તેમણે મિશન પૂર્ણ કર્યું હતું.
રિપોર્ટ મુજબ, બહાર નીકળતી વખતે મિનિટો પહેલા મેક્કલેનને તેના જમણા હાથના ગ્લવમાં દોરા જોવા મળ્યા હતા. આ પછી મિશન કંટ્રોલે સ્પેસવોકને થોડી વાર માટે મોકૂફ રાખી હતી. ગ્લવ સુરક્ષિત હોવાની ખાત્રી થયા બાદ તેમણે મિશન ફરી શરૂ કર્યું હતું. સ્પેસવોક દરમિયાન આ જોડીના મિશનમાં સ્પેસ સ્ટેશનને સોલર પેનલ્સના બીજા નવા સેટ માટે તૈયાર કરવાની સાથે 420 કિમી ઊંચા કોમ્પ્લેક્સ પર એન્ટેના ખસેડવાની કામગીરી સામેલ હતી.
ઉલ્લેખનીય છે કે સ્પેસ સ્ટેશનને આગલા દિવસે એટલે કે બુધવારે સાંજે 20 વર્ષ જૂના ચાઈનીઝ રોકેટના અંતરિક્ષમાં તરતા ભાગથી બચાવવા માટે થોડા ઊંચા ઓર્બિટમાં લઈ જવું પડ્યું હતું.
આર્મી કર્નલ અને હેલિકોપ્ટર પાયલટ મેક્કલેન 2019માં પહેલી મહિલાઓની સ્પેસવોકમાં ભાગ લેવાની હતી. પરંતુ, પૂરતા મીડ-સાઈઝના સૂટ્સ ન હોવાથી તેણે તક ગુમાવી હતી. પહેલી ‘ઓલ ફિમેલ’ સ્પેસવોક ક્રિસ્ટીના કોચ અને જેસિકા મેઈર દ્વારા કરવામાં આવી હતી. ‘નાસા’ના 47 સક્રિય એસ્ટ્રોનોટ્સમાંથી 20 મહિલાઓ છે.