‘પૂર્વગ્રહોને તોડી પાડો’- વિમેન્સ ડે ડિબેટનું આહ્વાન

લોર્ડ અને લેડી પોપટ દ્વારા આયોજિત વાર્ષિક ઈન્ટરનેશનલ વિમેન્સ ડે ડિબેટનું આ પાંચમું વર્ષઃ

Wednesday 09th March 2022 03:55 EST
 
 

લંડનઃ વાર્ષિક પાર્લામેન્ટરી ઈન્ટરનેશનલ વિમેન્સ ડે ડિબેટનું ગત સપ્તાહે આયોજન કરાયું હતું જેના કેન્દ્રસ્થાને ‘બ્રેક ધ બાયસ’ વિષય હતો. લોર્ડ અને લેડી પોપટ દ્વારા આયોજિત વાર્ષિક ચર્ચાસભાનું આ પાંચમું વર્ષ હતું અને ચર્ચાનો હેતુ નોન-પાર્લામેન્ટેરિયન્સને લૈંગિક સમાનતા વિશે પોતાનો અવાજ રજૂ કરવા વિશિષ્ટ મંચ આપવાનો છે. સામાન્યપણે પાર્લામેન્ટમાં યોજાતી આ ચર્ચાસભા કેટલાક નિયંત્રણોના કારણે વર્ચ્યુઅલ યોજાઈ હતી અને વિશ્વભરમાંથી 1000 કરતાં વધુ લોકોએ હાજરી આપી હતી.

આ ચર્ચાસભામાં 12 નોંધપાત્ર વક્તાઓમાં, બીના મહેતા (KPMGના યુકે ચેર), નાથન બોસ્ટોક (સેન્ટેન્ડરના CEO), બેરોનેસ હેલ ઓફ રિચમોન્ડ DBE (સુપ્રીમ કોર્ટના પૂર્વ પ્રેસિડેન્ટ), સિમી લિન્ડગ્રેન (Yuty ના સ્થાપક અને CEO), અમાન્ડા બ્લાન્ક (Avivaના ગ્રૂપ CEO), સોમા સારા (Everyone’s Invitedના સ્થાપક), હારિણી પીએન રાણા (ઈન્ડિયન બ્રોડકાસ્ટ જર્નાલિસ્ટ), ડો. શહઝાદી હાર્પર (મેનોપોઝ એન્ડ પેરીમેનોપોઝ ડોક્ટર, ધ હાર્પર ક્લિનિક), અન્જુલા અચારીઆ (A-Series મેનેજમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના CEO), એલાઈસ હેન્ડી (રિપલ સુસાઈડ પ્રીવેન્શનના સ્થાપક અને CEO), એન્જેલા ઘાયોર (હેરાત સ્કૂલના સ્થાપક) અને ઓલેના માલીન્સ્કા (યુક્રેનના રાજકીય નેતા)નો સમાવેશ થયો હતો.

ચર્ચાસભાનો આરંભ કરતા લોર્ડ પોપટે સ્ત્રીઓ પર કોરોના મહામારીની અપ્રમાણસર અસરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘ કમનસીબે તમામ ઈમર્જન્સીઓની માફક જ કોવિડ-19 મહામારીએ સ્ત્રીઓ અને બાળાઓ પર અસમાન અસરો કરી હતી. સ્ત્રીઓને હોમ સ્કૂલિંગ અને બાળસંભાળની સાથોસાથ પોતાના કામકાજની સમતુલા જાળવવાના દબાણોનો સામનો કરવો પડ્યો હતો. ડોમેસ્ટિક એબ્યુઝના કેસીસ પણ 83 ટકાની વૃદ્ધિ સાથે આસમાને પહોંચ્યા હતા. સ્ત્રીઓ પર નોકરી ગુમાવવાની પણ ખરાબ અસરો પડી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાને વર્ચસ્વ જમાવતા તે વિસ્તારમાં લૈંગિક સમાનતાને વિનાશક ફટકો પડ્યો હતો.’

આ વર્ષની ચર્ચામાં યુક્રેની વક્તા પણ હતાં જેમણે વર્તમાન સંઘર્ષના અનુભવો વિશે વાત કરી હતી. ઓલેના માલીન્સ્કા મહિલા રાજકારણીઓના ગ્લોબલ નેટવર્ક ‘વિમેન પોલિટિકલ લીડર્સ’ના સીઈઓ છે, જે સંસ્થાનું મિશન રાજકીય નેતાગીરી પોઝિશન્સમાં મહિલાઓની સંખ્યા અને પ્રભુત્વ વધારવાનું છે. ઓલેનાએ કહ્યું હતું કે,‘ OSCE અને NATO પાસે સ્પષ્ટ પુરાવા છે કે શાંતિ વાટાઘાટોમાં સ્ત્રીઓ સામેલ હોય ત્યારે સારા અને ટકાઉ પરિણામો સાંપડે છે. શાંતિમંત્રણાના મેજ પર સ્ત્રીઓની હાજરી સારી રીતે સ્વીકૃત બની રહે તેવા કરારો સર્જે છે. આમ છતાં, શાંતિ મંત્રણાકારોમાં મહિલાઓ માત્ર 6 ટકા છે. શું આ આંચકાજનક નથી?’

KPMGના યુકે ચેર બીના મહેતાએ અવરોધોને તોડી સફળતા હાંસલ કરવાના પોતાના અનુભવો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘આપણા સમાજમાં પૂર્વગ્રહો એટલી હદે વણાઈ ગયા છે કે તેમની સામે પ્રશ્ન પણ ઉઠાવાતો નથી. મને આપણી KPMG ઓફિસ સ્થાપવામાં મદદ કરવા ભારત જવાની તક લગભગ મળવાની જ ન હતી. તે સમયે મારા મેનેજરનું માનવું હતું કે અપરિણીત એશિયન મહિલા હોવાથી મારો પરિવાર મને જવાની પરવાનગી આપશે નહિ. તેમણે તો મને પૂછ્યું સુદ્ધાં નહિ! આજે ૩૦ વર્ષ પછી અમારી ફર્મમાં જોડાનાર કોઈ પણ વ્યક્તિ જોઈ શકશે કે અમારા પાર્ટનર્સમાં ચારમાંથી એકથી વધુ મહિલા છે. જો તેઓ વધુ વ્યાપકતાથી નિહાળશે તો તેમને જોવાં મળશે કે FTSE બોર્ડ પોઝિશન્સમાં 38 ટકા પદ મહિલા સંભાળે છે. પરંતુ, માત્ર ૧૮ મહિલા સીઈઓ છે. આ એક પ્રગતિ છે છતાં, પરિવર્તનની ગતિ હજુ પુરતી નથી.’

આ ચર્ચાસભાની સૌથી વેદનાસભર રજૂઆત રિપલ સુસાઈડ પ્રીવેન્શન સંસ્થાના સ્થાપક એલાઈસ હેન્ડીની રહી હતી. તેમણે પોતાના ભાઈની આત્મહત્યા પછી થયેલા અનુભવો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘ વર્ષ 2020માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આત્મહત્યાની 5,224 ઘટના ઘટી હતી જેમાંથી ત્રણ ચતુર્થાંશ (75ટકા) પુરુષ હતા. ઓનલાઈન વાતાવરણ વિશે Semrush નો રિપોર્ટ કહે છે કે ગત બે વર્ષમાં આત્મહત્યાની પદ્ધતિઓ વિશે શોધવાની પ્રવૃત્તિમાં 50 ટકાનો વધારો થયો છે. પરંતુ, આ માત્ર આંકડા નથી, આ માત્ર ચાર્ટ કે સંખ્યા નથી. આ દરેક નામ સાથેની વ્યક્તિ છે જેમની કોઈ કથા છે અને જેમની સાથે પરિવાર સંકળાયેલો છે.’

આ ચર્ચામાં ક્લાઈમેટ ચેન્જ, શૈક્ષણિક પૂર્વગ્રહ, મેનોપોઝ-રજોનિવૃત્તિ, મહિલા સ્થાપકોમાં રોકાણ અને જાતીય હિંસા સહિત વિવિધ વિષયોને આવરી લેવાયા હતા. આ ચર્ચામાં અફઘાન કર્મશીલે પણ ભાગ લીધો હતો જેમણે ગત ઉનાળામાં દેશ પર તાલિબાને વર્ચસ્વ જમાવ્યા પછી તેની વિનાશક અસર વિશે સૌપ્રથમ વખત જાહેરમાં બોલવાની હિંમત દર્શાવી હતી. એન્જેલા ઘાયોરે જણાવ્યું હતું કે,‘મને યુવાન અફઘાન છોકરીઓનાં મળતાં સેંકડો મેસેજીસમાં તેમની નિરાશા છલકાતી જોઈ છે. તેઓ કેવી રીતે તેમના રાજકારણીઓ, આંતરરાષ્ટ્રીય સમુદાય, તેમના પોતાના સમાજ સહિત તમામ દ્વારા છેતરાયા છે તે મને વેદનાસહ જણાવ્યું છે. દરેક પાસેથી તેમને નિષ્ફળતા જ સાંપડી છે.’

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ હારિણી રાણાએ ભારતમાં પુરુષપ્રધાન ક્ષેત્રમાં શ્રેષ્ઠતા દર્શાવવાના પોતાનાં અનુભવો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘ મને કહેતાં ગૌરવ થાય છે કે ભારત પરિવર્તનના શિખરે આવીને ઉભું છે. તેની ગતિ ધીમી છે પરંતુ, આ થઈ રહ્યું છે. સરકાર દ્વારા નારી સશક્તિકરણને અપાયેલા ઉત્તેજન સાથે ગત ઉનાળુ ઓલિમ્પિક્સ માટે ભારતીય સમૂહમાં મહિલાઓનું સૌથી વધુ પ્રતિનિધિત્વ હતું, તમામ પડકારો હોવાં છતાં વધુ ભારતીય મહિલાઓ મીડિયામાં નેતૃત્ત્વની ભૂમિકા હાથ લઈ રહી છે. વર્ષ 2023માં ઓલિમ્પિક સેશન યોજવાની ભારતીય સજ્જતાનું નેતૃત્ત્વ શ્રીમતી નીતા અંબાણીએ સંભાળ્યું હતું જેઓ, ભારતમાં સ્પોર્ટિંગ ક્રાંતિમાં અગ્રેસર બની રહ્યાં છે.’

ચર્ચાસભા પછી, ચર્ચાના આયોજકો રુપલ સચદેવ કંટારીઆ અને રુપા પોપટને ચર્ચાના સંચાલન તેમજ વૈવિધ્યપૂર્ણ વક્તા સમૂહને એકત્ર કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સભા પછી, રુપાબહેન અને રુપલબહેને જણાવ્યું હતું કે,‘અમે આ વર્ષે ઈરાદાપૂર્વક પાયારુપ પરિવર્તનકારોથી માંડી બિઝનેસ અગ્રણીઓનો અલાયદો વક્તાસમૂહ એકત્ર કર્યો હતો જેથી, ફાઈનાન્સ, મેનોપોઝ, સેક્સ્યુઅલ હિંસા, અફઘાનિસ્તાનમાં શિક્ષણ, યુક્રેનમાં યુદ્ધ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કારકિર્દીના પૂર્વગ્રહ, ઈન્વેસ્ટમેન્ટમાં લૈંગિક પૂર્વગ્રહ અને આત્મઘાતના અટકાવ જેવાં વિવિધ વિષયોને આવરી લેવાય.’

આ ઈવેન્ટ પછી, લોર્ડ પોપટે જણાવ્યું હતું કે,‘ વક્તાઓના આવા પ્રતિભાશાળી, વૈવિધ્યપૂર્ણ અને પ્રેરણાદાયી સમૂહની યજમાની કરવી ખરેખર ગૌરવની બાબત છે. યુકેએ લૈંગિક સમાનતાના ક્ષેત્રે ભારે પ્રગતિ સાધી છે પરંતુ, આપણે હજુ લાંબી મજલ કાપવાની છે અને આ પ્રકારના કાર્યક્રમો આ વાર્તાલાપને આગળ ધપાવવાની ચાવી બની રહેશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter