બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ બાળપણમાં નિહાળેલું સપનું મોટી વયે સાકાર કરી શકે છે. એન્હ ડુઓંગનો સમાવેશ આવાં બહુ ઓછાં લોકોમાં થાય છે. આજે દુનિયાભરના ડિફેન્સ સેક્ટરમાં ‘બોમ્બ લેડી’ તરીકે પ્રખ્યાત એન્હ ડુઓંગને વિયેતનામ યુદ્ધ વખતે માત્ર સાત વર્ષની વયે પરિવાર સાથે ભાગીને અમેરિકા આવવા ફરજ પડી હતી. યુદ્ધના માહોલમાં જવાનોએ તેમના પરિવારને જાનની બાજી લગાવીને બચાવ્યો હતો. બસ, તે સમયથી દૃઢ નિર્ધાર કર્યો હતો યુદ્ધના મેદાનમાં જાનની બાજી લગાવી દેતાં લશ્કરી જવાનો માટે કંઈક કરી છૂટવું. 9/11 પછી જ્યારે અમેરિકાને આતંકી સંગઠન અલ-કાયદાના ઠેકાણાંઓને ધ્વસ્ત કરવા ખાસ બોમ્બની જરૂર હતી ત્યારે ડુઓંગે બંકર બસ્ટર બોમ્બ વિકસાવ્યો. અમેરિકાએ આ જ બોમ્બનો ઉપયોગ કરીને ઈરાનના અણુમથકોને પણ નિશાન બનાવ્યા હતા.
બાળપણ યુદ્ધમાં વીત્યું
1960ના દાયકામાં ડુઓંગનું બાળપણ વિયેતનામ યુદ્ધના બોમ્બ અને ગોળીઓ વચ્ચે વીત્યું હતું. તેમના પિતા વિયેતનામમાં એક ઉચ્ચ કૃષિ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને ભાઈ ફાઇટર જેટનો પાઇલટ હતો. ભાઈ જ્યારે પણ યુદ્ધ મિશન પર જતો ત્યારે ડુઓંગ તેના સુરક્ષિત પરત ફરવા માટે પ્રાર્થના કરતી હતી. 1975માં જ્યારે વિયેતનામી સૈન્યએ સેંગોન શહેર પર કબજો જમાવ્યો ત્યારે પરિવારે દેશ છોડવાનો નિર્ણય કર્યો અને બધા વાયા ફિલિપાઇન્સ થઈને અમેરિકા પહોંચ્યા.
માત્ર 67 દિવસમાં બોમ્બ બનાવ્યો
અમેરિકા 9/11ના આતંકી હુમલા પછી અફઘાનિસ્તાનમાં અલ કાયદાના ઠેકાણાંઓને તબાહ કરવા માંગતું હતું. આ પડકાર માટે ડુઓંગની પસંદગી કરાઈ હતી. તે વેળા તેઓ નેવલ સરફેસ વોરફેર સેન્ટરના ઇન્સેન્સિટિવ મ્યુનિશન્સ યુનિટના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં. ડુઓંગે પણ પડકાર ઝીલી લીધો અને 100 લોકોની ટીમ સાથે દિવસ-રાત કામ કરીને પાંચ વર્ષમાં બનતો બોમ્બ માત્ર 67 દિવસમાં તૈયાર કરી દેખાડ્યો. આ બોમ્બને ‘બીએલયુ-118/બી’ નામ અપાયું. સાત પાતાળ ભેદીને પણ અંદર પ્રવેશી પ્રચંડ વિસ્ફોટ કરતાં આ બોમ્બને બંકર બસ્ટર તરીકે પણ ઓળખવામાં છે. આ બોમ્બ તૈયાર થઇ ગયા પછી અમેરિકી સૈન્યને ઘુસીને લડવાની જરૂર રહી નહીં. દુશ્મનોનો સફાયો કરવાનું આસાન બન્યું તો સાથે સાથે જ સૈનિકોની જાનહાનિમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો.
એક સૈન્યએ આપ્યું ‘બોમ્બ લેડી’નું બિરુદ
એક સૈન્યએ ડુઓંગને ‘બોમ્બ લેડી’ ઉપનામ આપ્યું, જે સમયના વહેવા સાથે તેમની ઓળખ બની ગયું. બંકર બસ્ટર બોમ્બ વિકસાવનાર ટીમને વર્ષ 2002માં મરેટોરિયસ યુનિટ કમેન્ડેશન એનાયત કરવામાં આવ્યું હતું, જે સામાન્ય રીતે લશ્કરી સૈનિકોને આપવામાં આવે છે. 2008માં એન્હ ડુઓન્ગ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીમાં મહત્ત્વની જવાબદારી સોંપાઇ. 2020માં નિવૃતિ બાદ બાદ પણ તેઓ યુવા વૈજ્ઞાનિક અને શરણાર્થીઓ માટે પ્રેરણાસમાન બની રહ્યાં છે. અમેરિકાએ તેને અને તેના પરિવારને બીજું જીવન આપ્યું છે તો તેમણે પણ અમેરિકા માટે પોતાનું યોગદાન આપવામાં કોઇ કસર છોડી નથી.