‘વોકિંગ લાઇબ્રેરિયન’ રાધામણીની અનોખી પુસ્તકસેવા

Thursday 08th July 2021 04:58 EDT
 
 

વાયનાડઃ કેરળના વાયનાડ અને તેની આસપાસના વિસ્તારના લોકો ૬૪ વર્ષીય કે.પી. રાધામણીને ‘વોકિંગ લાઇબ્રેરિયન’ નામે ઓળખે છે. આ ઉપનામને એકદમ સાર્થક કરતું કામ કરતાં રાધામણી જીવનના છ દસકા વીતાવી ચૂક્યા છે, પરંતુ આ ઉંમરેય તેમની ઊર્જામાં જરા પણ ઓટ આવી નથી.
રાધામણી દરરોજ ઘરેથી થેલામાં પુસ્તકો ભરીને નીકળી પડે છે અને પોતાના વિસ્તારની મહિલાઓને ઘરે બેઠાં પુસ્તકો પહોંચાડે છે, એ પણ માત્ર ૫ રૂપિયાના નજીવા દરે. આમ કરવા પાછળનો તેમનો આશય માત્ર એટલો કે ઘરકામમાં વ્યસ્ત મહિલાઓ થોડોક સમય કાઢીને વાચન કરી શકે અને આગળ આવી શકે. રાધામણી ૨૦૧૨થી આ પ્રકારે વાંચન અભિયાન ચલાવે છે. જોકે તેમને એ વાતનો ખટકો છે કે કોરોના મહામારીના કારણે તેઓ છૂટથી હરીફરી શકતાં નથી.
રાધામણીને કેરળ સરકારની શિક્ષણ પરિષદના એક કાર્યક્રમ હેઠળ આ કામ શરૂ કર્યું હતું, જોકે હવે તેઓ વ્યક્તિગત ધોરણે આ ઝૂંબેશ આગળ વધારી રહ્યા છે. તેઓ રોજ ૨૦-૨૫ મલયાલમ પુસ્તકો લઇને નીકળે છે. જેમાં મોટાભાગે નવલકથા તથા સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત પુસ્તકો હોય છે. બાળકો માટેના પુસ્તકો પણ તેઓ રાખે છે. રાધામણી પોતે ૧૦મા ધોરણ સુધી ભણ્યાં છે. તેમની સેવાનો લાભ લઇને ઘણી મહિલાઓએ પરીક્ષા પણ પાસ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter