માત્ર નામનું નહિ, અટકનું પણ મહત્ત્વઃ યુકેમાં ૫૦,૦૦૦ અટકનું મૂળ શોધાયું

Tuesday 22nd November 2016 14:03 EST
 
 

લંડનઃ વિલિયમ શેક્સપિયરના રોમિયો એન્ડ જુલિયેટ ડ્રામામાં જૂલિયેટ પ્રેમી રોમિયોને પ્રશ્ન કરે છે કે ‘What’s in a name?’ એક રીતે વાત સાચી છે કે ગુલાબને બીજા નામે ઓળખો તો પણ તેની સુગંધ એ જ રહેવાની છે. જોકે,માનવીની ઓળખ માટે નામ અને અટક મહત્ત્વની રહી છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડ, બ્રિસ્ટોલના સંશોધકોએ ચાર વર્ષની ભારે મહેનત પછી યુકે અને આયર્લેન્ડમાં છેક ૧૧મી સદીથી વપરાશમાં આવતી આશરે ૫૦,૦૦૦ અટકના અર્થ અને મૂળ શોધી કાઢ્યા છે. હજુ પણ વધુ ૧૫,૦૦૦ અટક વિશે સંશોધન આગળ ચલાવાશે.

‘ઓક્સફર્ડ ડિક્શનરી ઓફ ફેમિલી નેમ્સ ઈન બ્રિટન એન્ડ આયર્લેન્ડ’માં સદીઓથી વપરાશમાં રહેલી અને તાજેતરમાં ઉમેરાયેલી અટકો વિશે ચાર ગંજાવર ગ્રંથમાં ખુલાસા કરાયા છે. ધંધા, સ્થળ કે ઉપનામ સાથે સંકળાયેલી સંખ્યાબંધ અટક છે. પાંચ લાખથી વધુ બ્રિટિશ અને આઈરિશ લોકો ધંધાકીય અટક સ્મિથ ધરાવે છે તો લેસ્ટર, સટન કે ગ્રીન જેવા સ્થળો સાથે સંકળાયેલી અટક પણ છે. બીજી તરફ, લોન્ગબોન્સ કે ગુડફેલો ઉપનામો પણ અટક બની ગયા છે. કેમ્પબેલ જેવી કેટલીક અટક ક્યાંથી આવી તે કોઈ કહી શકતું નથી. લેટિન ડોક્યુમેન્ટ્સમાં ડી કેમ્પો બેલો (સુંદર ખેતર) પરથી અટકનું મૂળ ગણાવાયું હતું, જ્યારે નવી ડિક્શનેરીમાં ગેલિક ભાષામાં વાંકા મોઢા શબ્દ પરથી આ અટક આવી હોવાનું કહેવાયું છે. સૌથી સામાન્ય ૨૦,૦૦૦ અટકમાંથી અડધી તો સ્થળ સંબંધિત છે, જ્યારે ૨૫ ટકા સંબંધોને આધારિત અને ૨૦ ટકા ઉપનામ સંબંધિત છે. બીડલ (ચર્ચના અધિકારી), રૂટર ( સંગીતકાર) અને બેક્સટર (બેકરી) જેવી ઓછી પ્રચલિત અટકો સહિત આઠ ટકા અટક ધંધા આધારિત છે.

આ સંશોધનને આર્ટ્સ એન્ડ હ્યુમનિટિઝ રિસર્ચ કાઉન્સિલ (AHRC) દ્વારા ભંડોળ ફાળવાયું હતું. યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડના ભાષાવિજ્ઞાનના પ્રોફેસર રિચાર્ડ કોટ્સના વડપણ હેઠળની ટીમમાં ઐતિહાસિક ભાષાવિદો, મધ્યકાલીન ઇતિહાસકારો, કોશકારો અને આઇરીશ, સ્કોટિશ, વેલ્સ અને હાલના પ્રવાસીઓ મુદ્દે માહિતી રાખનાર નિષ્ણાતોનો સમાવેશ થયો હતો. તેઓએ ૧૧મી સદીથી લઇને ૧૯મી સદી સુધીના આંકડા તેમજ ટેક્સ રેકોર્ડ્સ, ચર્ચના રજિસ્ટર અને વસ્તીગણત્રીના રિટર્ન્સ પરથી પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણ કર્યું હતું. નિષ્ણાતો દ્વારા ચાર વર્ષ સુધી હાથ ધરાયેલા સંશોધનના આંકડા અનુસાર ૪૫,૬૦૦ પરિવારના નામો એક સરખા જ છે અને ૧૦૦,૦૦૦ કરતા વધુ પારિવારિક નામ (અટક) મળતા આવે છે તેમાં ‘પટેલ’નો પણ ઉલ્લેખ મોટા પ્રમાણ છે.

આ અભ્યાસ અનુસાર આશરે ૪૦,૦૦૦ પારિવારિક નામ (અટક) મૂળ બ્રિટન અને આયર્લેન્ડના છે, જ્યારે બાકીના ૧૬મી સદી પછી સ્થાયી થયેલા ફ્રેન્ચ હગનોટ, ડચ. જ્યુઈશ, ભારતીય, અરેબિક, કોરિયન, જાપાનીઝ, ચાઈનીઝ અને આફ્રિકન ઈમિગ્રન્ટ્સની વિવિધ ભાષા અને સંસ્કૃતિમાંથી આવેલાં છે. આશરે ૮,૦૦૦ અટકના ખુલાસા સૌપ્રથમ વખત કરાયા છે. ફરાહનું મૂળ ઈંગ્લિશ અને મુસ્લિમ પણ છે. ૧૮૮૧ના સેન્સસમાં મિડલસેક્સ અને ઉત્તર ઈંગ્લેન્ડમાં પાંચ વ્યક્તિની અટક ફરાહ હતી. ૨૦૧૧ના સેન્સસમાં ૧,૫૦૨ ફરાહ હતા, જે બધા મુખ્યત્વે મુસ્લિમ મૂળના હતા અને અરેબિકમાં તેનો અર્થ આનંદ, ખુશી અને મઝા થાય છે..

બ્રિટન અને આયર્લેન્ડમાં ‘પટેલ’ અટક પણ સૌથી સામાન્ય છે અને લગભગ એક લાખ કરતા પણ વધુ લોકો આ અટક ધરાવે છે. આ અટકનું મૂળ હિન્દુ અને પારસી ભાષામાં ગામના મુખી કે અગ્રણીના અર્થમાં છે. યુકેમાં લિ ચાઈનીઝ અટક સામાન્ય છે અને ૨૦૧૧માં આ અટક ધરાવતા લોકોની સંખ્યા ૯,૦૦૦થી વધુ હતી, જેમાં લી (Lee) અટકનો સમાવેશ થતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter