લંડનઃ કોવિડ -૧૯ મહામારીના કારણે વિશ્વ અને યુકેના લોકોના જીવનમાં ભારે પરિવર્તનો સાથે ઉથલપાથલ સર્જાયેલી છે. યુનિવર્સિટી કોલેજ લંડન (UCL) દ્વારા યુકેમાં ૭૦,૦૦૦થી વધુ લોકોની મોજણી કરવામાં આવી હતી જેમાંથી, માત્ર અડધા લોકોએ કોવિડ અગાઉના જીવનમાં પાછા ફરવા થોડુંઘણું એડજસ્ટમેન્ટ કરવાની શક્યતા દર્શાવી હતી. પાંચમા ભાગ કરતા વધુ લોકોએ ઘરમાંથી કામ કરવા તરફ પસંદગી જણાવી હતી. જોકે, માત્ર ૧૦ ટકા લોકોએ રોગચાળા અગાઉ હતી તેવી જ જિંદગી જીવશે તેમ જણાવ્યું હતું.
યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા યુકેમાં સામાજિક અભ્યાસ હાથ ધરાયો છે તેમાં ૭૦,૦૦૦થી વધુ લોકોની કોવિડ-૧૯ મહામારી પછીના જીવન વિશે પૂછપરછ કરવામાં આવી હતી. તેમને માનસિક આરોગ્ય અને સ્વાસ્થ્ય તેમજ સરકારી ગાઈડલાઈન્સના પાલન સહિતના પ્રશ્નો પૂછાયા હતા. અડધોઅડધ લોકોએ કોરોના વાઈરસ ભારે ફેરફારો સાથે અગાઉના જીવનમાં પાછા ફરવાની સંભાવના જણાવી હતી. બાકીના લોકોએ અલગ અલગ એડજસ્ટમેન્ટ સાથેના જીવનની શક્યતા દર્શાવી હતી અને બે ટકા લોકોએ તેમના જીવનમાં સંપૂર્ણ ફેરફાર લાવવાનું જણાવ્યું હતું. લોકોએ સ્થાનિક બિઝનેસીસ અને કોમ્યુનિટીને સપોર્ટ, વધુ નાણાકીય બચત અને ઘરમાં રહી કામ કરવા, પરિવાર સાથે વધુ સમય ફાળવવા સહિતના ફેરફારો સાથેના જીવનની વાત કરી હતી. જોકે, કોવિડ પછીના જીવનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ અને રજાઓ ગાળવા વિદેશ જવા બાબતે કોઈ ઉત્સાહ જણાયો ન હતો.
એકથી સાત પરના સ્કેલમાં ૨૨ ટકાએ કોવિડ-૧૯ પછી લાઈફસ્ટાઈલ બદલવાની શક્યતા જણાવી હતી. આ શક્યતા ૩૦-૫૯ વયજૂથ માટે (૨૫ ટકા) તેમજ માનસિક બીમારીનું નિદાન કરાયેલા માટે (૨૬ ટકા) રહી હતી. ૬૦થી વધુ વર્ષના આશરે ૧૬ ટકા લોકોએ અગાઉની માફક જ જીવન જીવવાનું જણાવ્યું હતું. આશરે ૪૦ ટકા લોકોએ સ્થાનિક બિઝનેસીસને સપોર્ટ વધારવા જણાવ્યું હતું જ્યારે, ૩૩ ટકાએ ઓનલાઈન શોપિંગના વધુ ઉપયોગની તરફેણ કરી હતી. વધુ નાણાકીય બચત (૩૩ ટકા) અને વધુ કસરતની (૩૫ ટકા) તરફેણ થઈ હતી.
કુલ ૨૫ ટકા વયસ્કો ઘરમાંથી કામ કરવાનું આયોજન ધરાવે છે. આ પ્રમાણ ૧૮-૨૯ વયજૂથમાં (૨૯ ટકા) અને ૩૦-૫૯ વયજૂથ માટે (૩૨ ટકા) રહ્યું હતું. કોરોના વાઈરસના બીજા મોજાંના ભયથી યુરોપમાં સૌથી વધુ બ્રિટિશ વર્કર્સ કામે જવામાં ખચકાટ ધરાવે છે. UCLના સંશોધકોને એ પણ જણાયું હતું કે તમામ વયજૂથના ૨૬ ટકા લોકો ઘરની બહાર અથવા યુકેમાં જ પરિવાર સાથે રજાઓ સહિત સમય ગાળવા ઈચ્છે છે. બીજી તરફ, ૧૮-૨૯ વયજૂથમાંથી માત્ર ૧૮ ટકાએ મહામારીના અંત પછી નવી રોમાન્ટિક રિલેશનશિપ શોધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.