લંડનઃ માનવીની ખુશીનું રહસ્ય શું છે, તે સૌથી વધુ ખુશ ક્યારે હોય છે?નો પ્રશ્ર અનંતકાળથી ફિલસૂફોને સતત મૂંઝવી રહ્યો છે. જોકે, હવે તેનો ઉત્તર પોતાની પાસે હોવાનો સંશોધકોએ ‘Happy Now?’ રિપોર્ટમાં દાવો કર્યો છે. માનવી ૧૬ અથવા ૭૦ની વયનો હોય ત્યારે તે ખૂબ ખુશ હોય છે. ૧૬મા વર્ષે તે ચિંતારહિત હોય છે, નવી નવી જિંદગી માણવાનો આરંભ હોય જ્યારે ૭૦મા વર્ષે તે લગભગ પરવારી ગયો હોય અને ખાસ ચિંતા પણ રહી ન હોય.
વ્યક્તિ સૌથી વધુ સંતુષ્ટ અને સૌથી દુઃખી ક્યારે હોય તે શોધવા ધ રેઝોલ્યુશન ફાઉન્ડેશન થિન્કટેન્કના સંશોધકોએ એક મિલિયનથી વધુ બ્રિટિશ નાગરિકોને તેમના હેપ્પીનેસ લેવલ વિશે પૂછપરછ કરી હતી. ફાઉન્ડેશનના સંશોધકોએ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા કરાયેલા સાત વર્ષના સર્વેનું વિશ્લેષણ કર્યું હતું. વ્યક્તિના આનંદ કે ખુશીનું સ્તર તેની વય, આવકનું પ્રમાણ, હાઉસિંગનો સમયગાળો અને તે ક્યાં રહે છે તેના પર વધુ હોય છે. સુરક્ષિત નોકરી હોય, પોતાનું ઘર હોય અને પાસે નાણાકોથળી હોય તો ખુશી બેવડાતી રહે છે.
સર્વેમાં લોકોએ તેમના જીવનમાં સંતોષ, સ્વમૂલ્ય, ખુશી, સુખ અને એન્ક્ઝાઈટીને એકથી દસની વચ્ચે પોઈન્ટ આપ્યા હતા. ખરાબ સમાચાર એ છે કે માનવી વયસ્ક બને ત્યારથી તેના જીવનમાં ખુશી ઘટતી જાય છે. સારા સમાચાર એ છે કે વ્યક્તિ ૫૧ની વયે પહોંચે ત્યારે આ પરિસ્થિતિમાં સુધારો થવા લાગે છે. જો માત્ર વયને આધાર ગણવામાં આવે તો તેની ખુશીની ચાવી ૧૬ વર્ષ અથવા ૭૦મા વર્ષે જડે છે.


