માન્ચેસ્ટરમાં વિશ્વની પ્રથમ હેર બેન્કમાં વાળનો નમૂનો ફ્રીઝ કરાવી શકાશે

બ્રિટનમાં અંદાજે ૬૫ લાખ પુરુષ ટાલિયાપણાનો શિકારઃ સારવાર માટે અનેક આડઅસર ધરાવતી મર્યાદિત દવાઓ

Wednesday 06th November 2019 02:18 EST
 
 

લંડનઃ દુનિયાની પ્રથમ કેશ (વાળ) બેન્ક માન્ચેસ્ટરમાં ખોલવામાં આવી છે. લોકો ૨૫૦૦ પાઉન્ડ આપીને યુવાવસ્થામાં જ પોતાના વાળનો નમૂનો ફ્રીઝ કરાવી શકે છે. બેંકનું કહેવું છે કે જો કોઇના વાળ ખરી જાય તો તેના વાળના નમૂનાથી મહત્ત્વના કોષો લઇને પ્રયોગશાળામાં ક્લોન બનાવી ફરીથી માથામાં ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. આ પ્રક્રિયાથી ઉગનારા વાળ યુવાવસ્થાના વાળની માફક જ મજબૂત હશે.

બ્રિટનમાં અંદાજે ૬૫ લાખ પુરુષ ટાલિયાપણાનો શિકાર છે. આ લોકોની સારવાર માટે અનેક આડઅસર ધરાવતી મર્યાદિત દવાઓ છે. વાળને ખરતાં અટકાવવાની દવા મિનોક્સિડિલથી માથા પર ખંજવાળ અથવા હૃદયની ધબકારા વધી જવાની સમસ્યા જ્યારે, અન્ય દવા ફિનાસ્ટે્રાઇડથી બેચેની અને નપુસંકતાનું જોખમ થઇ શકે છે. બીજી તરફ, હેર ટ્રાન્સપ્લાન્ટના પરિણામ એકસમાન નથી. આ ઉપરાંત, વાળની સારવાર માટે લાંબા સમય સુધી લેવી પડતી દવાઓની ઊંચી કિંમત પણ એક મુદ્દો છે. હેર ટ્રાન્સપ્લાન્ટ પણ મોંઘી સારવાર છે.

હાલ માથામાં રહેલા વાળને જ બાકીની જગ્યામાં ફેલાવવા માટે જ ૭,૦૦૦ પાઉન્ડ ખર્ચ થાય છે. જોકે, તેનું પરિણામ સારું જ મળે તે જરૂરી નથી. જો આ નવી ટેકનિક પર ભરોસો કરી શકાય તો ખરતા વાળ સામે સારી સારવાર મળી શકે છે. તાજેતરના અહેવાલ મુજબ પ્રદૂષણ સહિતના કારણોથી વાળ ખરવા સામાન્ય વાત બની છે અને લોકો ૨૦ વર્ષ પહેલા ટાલિયા બની રહ્યા છે. આ કેશ બેન્કમાં વ્યક્તિના માથાના ૧૦૦ વાળ મૂળસહિત કાઢયા પછી માઇનસ ૧૮૦ ડીગ્રીએ ફ્રીઝ કરાય છે. એક ઉંમર પછી નવા વાળ આવતા બંધ થઇ મૂળ નબળા પડવા લાગે ત્યારે મૂળ વાળના કોષના ક્લોન બનાવી માથામાં રોપવામાં આવે છે અને તેનાથી નવા તેમજ સ્વસ્થ વાળ ફરી ઉગી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter