મુસ્લિમ લેખિકાના ‘હલાલ સેક્સ’ અંગે પુસ્તકથી વિવાદ સર્જાયો

Saturday 22nd July 2017 05:50 EDT
 
 

લંડનઃ મુસ્લિમ લેખિકા દ્વારા લખાયેલાં ‘ધ મુસ્લિમાહ સેક્સ મેન્યુઅલ: હલાલ ગાઇડ ટુ માઇન્ડ બ્લોઇંગ સેક્સ’ પુસ્તકે વિવાદ સર્જ્યો છે. લેખિકાએ આ પુસ્તકને 'હલાલ સેક્સ' ગાઇડ તરીકે ઓળખાવ્યું છે, જેનાથી ખાસ કરીને મુસ્લિમ સમાજમાં સેક્સ અંગે ચર્ચા છેડાઇ છે. ‘ઉમ મુલાધાત’ ઉપનામથી લખાયેલા પુસ્તકની લેખિકાએ વિષયની સંવેદનશીલતાના લીધે પોતાનું સાચું નામ જાહેર કર્યું નથી. જોકે, આ પુસ્તક પરિણીત મુસ્લિમ મહિલાને સેક્સનું જ્ઞાન આપતું પહેલું પુસ્તક હોવાનું કહેવાય છે.

બ્રિટિશ અખબારોમાં તેનાં ઈન્ટરવ્યુ પ્રસિદ્ધ થયા છે પરંતુ, તેનું નામ જાહેર નહિ કરવા વિનંતી કરાઈ છે. લેખિકાએ ‘ધ ઓબ્ઝર્વર’ સાથેની વાતચીતમાં કહ્યું કે તેને પુસ્તક અંગે પોઝિટિવ ફીડબેક મળ્યા છે. પુરુષોએ પણ તેનો સંપર્ક સાધીને પત્નીને સંતુષ્ટ કેવી રીતે કરવી તે જાણવાનો પ્રયાસ કર્યો છે. એક મસ્જિદના ઈમામે પણ લગ્નથી જોડાતાં નવા દંપતીઓને આ પુસ્તકની એક નકલ આપવાનો ઈરાદો પણ જાહેર કર્યો છે. મુસ્લિમ લેખિકા શેલીના જાનમોહમ્મદે કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓને તોડવામાં અને તેમને વિશ્વાસ આપવામાં મદદ મળતી હોય તો પુસ્તકને આવકાર આપવો જોઈએ.

લેખિકાએ ‘હલાલ સેક્સ ગાઈડ’ લખવાનું કારણ દર્શાવતાં જણાવ્યું છે કે મોટા ભાગની મુસ્લિમ મહિલાઓ અને ખાસ કરીને, પરંપરાગત મહિલાઓને સેક્સ બાબતે ખાસ જાણકારી છે જ નહિ. આવી મુસ્લિમ મહિલાઓના જીવનમાં ખુશી લાવવાની ઈચ્છાથી પુસ્તક લખ્યું હોવાનો દાવો તેણે કર્યો છે. જોકે, પુસ્તકમાં પુરુષોને નજરઅંદાજ કરાયાની પણ ટીકા થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter