લંડનઃ થિન્કટેન્ક નેશનલ ઈનસ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ (NIESR) દ્વારા ચેતવણી અપાઈ છે કે 2023માં યુકેના 250,000થી વધુ પરિવારો ગરીબીના ખપ્પરમાં સપડાશે. થિન્કટેન્કે ગરીબોને ફુગાવાના મારથી બચાવવા યુનિવર્સલ ક્રેડિટમાં પ્રતિ સપ્તાહ 25 પાઉન્ડના વધારા તેમજ એક વખતના 250 પાઉન્ડની ચૂકવણી કરવા હાકલ કરી છે.
એનર્જી પ્રાઈસમાં અસહ્ય વધારાનો આઘાત અનુભવતા ગરીબ લોકોને મદદ કરવા સરકાર તત્કાળ પગલાં નહિ ભરે તો સૌથી ગરીબ લોકોની સંખ્યા વધીને લગભગ 1.2 મિલિયન સુધી પહોંચી જશે તેવી ચેતવણી પણ થિન્ક ટેન્કે આપી છે.
ફૂડ અને એનર્જી બિલ્સમાં વધારાના લીધે 1.5 મિલિયનથી વધુ પરિવારોની હાથ પરની ખર્ચી શકાય તેવી આવક ઘટી જવાના પરિણામે તેમણે ખર્ચા સરભર કરવા બચતો વાપરવી પડશે અથવા વધારાનું કરજ લેવાની ફરજ પડશે. NIESRએ જણાવ્યું છે કે 2016ના બ્રેક્ઝિટ પછી વેલ્ફેર ખર્ચામાં મૂકાયેલા કાપના કારણે લાખો પરિવારો અસુરક્ષિત નાણાકીય હાલતમાં મૂકાયા છે.
NIESR ની આગાહી છે કે આ વર્ષે ઓટમમાં ફુગાવો 8.5 ટકાની ટોચે પહોંચ્યા પછી ઘટી સરેરાશ 7.8 ટકાએ પહોંચશે પરંતુ, ગરીબોને સપોર્ટ કરવા લોન્સ પર સરકારની નિર્ભરતાનો અર્થ એ જ છે કે ગરીબીનું સ્તર વધતું જ રહેશે.
ગરીબીના સ્તરમાં ઉછાળાને રોકવા સરકારે સૌથી ઓછી આવક ધરાવતા 11.3 મિલિયન પરિવારોને એક સમયની 250 પાઉન્ડની રોકડ ચુકવણી કરવા સાથે યુનિવર્સલ ક્રેડિટમાં પ્રતિ સપ્તાહ 25 પાઉન્ડનો તત્કાળ વધારો કરવો જોઈએ તેમ પણ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું. મે અને ઓક્ટોબરની વચ્ચે યુનિવર્સલ ક્રેડિટમાં પ્રતિ સપ્તાહ 25 પાઉન્ડના વધારાથી આશરે 5.6 મિલિયન પરિવારોને લાભ થશે અને આશરે 1.35બિલિયન પાઉન્ડ ખર્ચ થશે જ્યારે 2022-23માં પ્રતિ પરિવાર એક સમયની 250 પાઉન્ડની રોકડ ચુકવણીમાં આશરે 2.85બિલિયન પાઉન્ડ ખર્ચાશે તેમNIESRએ જણાવ્યું છે

