યુકેના કિશોર વિશ્વમાં સૌથી હતાશ

Wednesday 15th February 2017 08:22 EST
 
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં માનસિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ બ્રિટિશ કિશોરો સૌથી નીચલી કક્ષામાં સ્થાન ધરાવે છે. શિક્ષણ ચેરિટી વાર્કે ફાઉન્ડેશન દ્વારા ૨૦ દેશના કિશોરોનો અભ્યાસ હાથ ધરાયો હતો, જેમાં ભારત, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ, જર્મની અને સાઉથ કોરિયાના બાળકોની સરખામણીએ બ્રિટિશ તરુણો ઓછાં આશાવાદી, આત્મવિશ્વાસી અને સંતોષી જણાયા હતા. બ્રિટિશ કિશોરો માને છે કે તેમને પૂરતો આરામ અને કસરત કરવા મળતા નથી. ભવિષ્યની ચિંતાની વાત કરીએ તો તેમને સૌથી વધુ ચિંતા કટ્ટરવાદ અને વૈશ્વિક ત્રાસવાદની રહે છે. અન્ય ૧૩ દેશના કિશોરો માટે પણ આ મુખ્ય ચિંતા હતી.

વાર્કે ફાઉન્ડેશન દ્વારા ૨૦ દેશમાં ૧૯૯૫થી ૨૦૦૧ના ગાળામાં જન્મેલા ૨૦,૦૦૦થી વધુ કિશોરોનો અભ્યાસ હાથ ધરાયો હતો. માનસિક સ્વાસ્થ્યના મુદ્દે બ્રિટન ૪૭.૩ ટકાના સ્કોર સાથે ૨૦ દેશોમાંથી ૧૯મા સ્થાને રહ્યું હતું. જાપાનનો ૨૦મો ક્રમ હતો. પ્રથમ ક્રમે ઈન્ડોનિશિયા અને તે પછીના ક્રમોએ ભારત, નાઈજિરિયા, ઈઝરાયેલ અને ચીન આવ્યા હતા.

અભ્યાસનો સ્કોર ભાવિ સંબંધે આશાવાદ, પ્રેમની પ્રાપ્તિ, પોતાના વિશેની લાગણી, આત્મવિશ્વાસ અને ઉત્સાહ સહિત ૧૪ અલગ અલગ ક્ષેત્રોમાં કિશોરોના મંતવ્યો પર આધારિત હતો. અભ્યાસના ભાગ લેનારા યુકેના કિશોરોમાંથી માત્ર ૧૫ ટકાએ પૂરતી ઊંઘ, નિયમિત કસરત તેમજ આરામ અને ચિંતન માટે પૂરતા સમય સહિત તેમનું શારીરિક સ્વાસ્થ્ય સારું હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે નાઈજિરિયાનો સૌથી વધુ સ્કોર ૪૧ હતો જ્યારે ૨૪ના સ્કોર સાથે ભારત બીજા ક્રમે રહ્યું હતું.

રિપોર્ટ અનુસાર યુકેના ૬૭ ટકા બાળકોએ દેશ રહેવા માટે સૌથી સારું સ્થળ જણાવ્યું હતું, જે પ્રમાણ ફ્રાન્સ, ઈઝરાયેલ અને યુએસ કરતા ઊંચુ હતું. આ માટે એવું કારણ દર્સાવાયું હતું કે યુકે મુક્ત દેશ છે, જ્યાં ઈચ્છિત જીવન જીવવાની આઝાદી છે. ઈમિગ્રેશન મુદ્દે ૩૧ ટકાએ બ્રિટનમાં ઈમિગ્રન્ટ્સ માટે કાયદેસર રહેવા અને કાર્ય કરવાનું સરળ હોવું જોઈએ તેમ જણાવ્યું હતું, જ્યારે ૨૬ ટકાએ સરકારે કઠોર પગલાં લેવા જોઈએનો મત દર્શાવ્યો હતો. આની સરખામણીએ, ઈટાલી (૩૮ ટકા), જર્મની (૩૭ ટકા) અને ફ્રાન્સ (૨૭ ટકા)ના કિશોરોએ કાનૂની ઈમિગ્રેશન સરળ હોવું જોઈએ તેમ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter