યુકેની પ્રથમ આઉટડોર પ્રાઈમરી સ્કૂલઃ કુદરતી વાતાવરણમાં અભ્યાસ

Wednesday 09th October 2019 03:44 EDT
 
 

લંડનઃ બાળકો વર્ગની ચાર દીવાલોમાં ગોંધાઈને રહે તેના કરતા કુદરતી વાતાવરણમાં અભ્યાસ કરી શકે તેવી આઉટડોર પ્રાઈમરી સ્કૂલ સાઉથ લંડનમાં ખોલવામાં આવી છે જ્યાં, બાળકો તેમનો ૯૫ ટકા સમય-શિયાળામાં પણ ખુલ્લાં વાતાવરણમાં વીતાવે છે. સ્કેન્ડેનેવિયામાંથી પ્રેરણા લઈ વોર્સેસ્ટર પાર્કમાં ખોલાયેલી લિબર્ટી વૂડલેન્ડ સ્કૂલ યુકેની પ્રથમ આઉટડોર પ્રાઈમરી સ્કૂલ હોવાનું મનાય છે.

શાળાના કહેવા અનુસાર મુખ્ય રાષ્ટ્રીય અભ્યાસક્રમમાંથી તેના પાઠ લેવાય છે પરંતુ, ક્રીએટિવ પ્રોજેક્ટ્સ અને રમતા રમતા અભ્યાસ થકી શીખવાય છે. દરેક દિવસ કેમ્પફાયર ને વર્તુળાકાર બેસીને શરૂ થાય છે. શાળાના એડવર્ડિયન હાઉસમાં જ તૈયાર કરાયેલું ભોજન બાળકો વૃક્ષનાં ઠૂંઠાં, વૃક્ષ પરના હીંચકા પર લે છે અને છાંયામાં બેસી કળા, સંગીત અને કાષ્ઠકામના પ્રોજેક્ટ્સ કરે છે.

એક ટર્મની ૩,૯૯૫ પાઉન્ડની ફી ધરાવતી સ્વતંત્ર ‘ફોરેસ્ટ સ્કૂલ’નો સમય સોમવારથી ગુરુવાર સવારના ૯થી ૫ સુધીનો રહે છે અને બસમાં છ વાગે બધાં ઘેર પહોંચી જાય છે. મિત્ર વયજૂથની પ્રથમ ૨૮ વિદ્યાર્થીઓની બેચમાં એક શિક્ષક દીઠ આઠ બાળકનો રેશિયો રખાયો છે. ક્વીન્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ મેળવનાર છ આઉટડોર નર્સરીના ગ્રૂપ ‘લિટલ ફોરેસ્ટ ફોક’ની ટીમ દ્વારા આ નવતર સ્કૂલનો વિચાર વહેતો મૂકાયો છે.

પૂર્વ સિવિલ સર્વન્ટ્સ લેઆના અને જેમ્સ બેરેટ દ્વારા ૨૦૧૫માં પોતાના બાળકોને કુદરતી વાતાવરણમાં શિક્ષણ મળે તે હેતુસર આ સામાજિક એન્ટરપ્રાઈસની શરૂઆત કરવામાં આવી હતી. તેઓ પરંપરાગત શાળાઓને ‘બંધનાવસ્થામાં બાળકોનો ઉછેર કરનારી’ ગણાવે છે. વિદ્યાર્થીઓને Sats (Scholastic Assessment Test) પરીક્ષા આપવાની હશે નહિ પરંતુ, ઓફસ્ટેડ દ્વારા શાળાને સારું રેન્કિંગ મળવાની આશા છે. તમામ વિદ્યાર્થીઓએ પરંપરાગત ખાનગી સેકન્ડરી સ્કૂલ એડમિશન્સ પરીક્ષા પાસ કરવા માટે વધારાના ત્રણ મહિનાનો અભ્યાસ કરવાનો થશે. શાળામાં ૧૨.૫ ટકા બેઠકો કિંગ્સ્ટનના કચડાયેલા વર્ગના પરિવારો માટે ઓફર કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter