લંડનઃ યુકેમાં ઈન્ટરનેટના વપરાશનું વળગણ વધી રહ્યું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા યુકેમાં ઈન્ટરનેટના ઉપયોગ વિશે વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ૧૬-૪૪ વયજૂથના લગભગ તમામ (૯૯ ટકા) પુખ્ત લોકોએ ૨૦૧૯માં ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ૧૬-૭૪ વયજૂથના લગભગ ૯૫ ટકા પુખ્ત લોકો ઈન્ટરનેટના વપરાશકાર હતા. આ આંકડાએ યુકેને યુરોપીય દેશોમાં ઈન્ટરનેટના સૌથી વધુ વપરાશકારોમાં ત્રીજું સ્થાન અપાવ્યું છે. ડેનમાર્ક અને લક્સમબર્ગ અનુક્રમે ૯૮ અને ૯૭ની ટકાવારી સાથે પ્રથમ અને દ્વિતીય ક્રમે છે. ઈયુની ઈન્ટરનેટના વપરાશકારોની સરેરાશ ૮૫ ટકા છે, જે યુકેની સરખામણીએ ૧૦ ટકા ઓછી છે.
યુકેમાં ઈન્ટરનેટના ઉપયોગના આંકડા દર્શાવે છે કે જે પુખ્ત લોકોએ કદી ઈન્ટરનેટનો ઉપયોગ નથી કર્યો તેમની સંખ્યા ઘટતી જાય છે. આ સંખ્યા ૨૦૧૮માં ૮.૪ ટકા હતી, જે ૨૦૧૯માં ઘટીને ૭.૫ ટકા થઈ છે. આ ડેટા ચિંતાજનક છે કારણકે યુકેની અગ્રણી એડિક્શન ટ્રીટમેન્ટ સંસ્થા UKATનાં જણાવ્યા અનુસાર ત્રણમાંથી એક દર્દીની સારવાર ઈન્ટરનેટના વળગણ માટે થાય છે. સતત ઈન્ટરનેટમાં રચ્યાંપચ્યાં રહેતા દર્દીઓ હંમેશાં બીજાને આધારિત થઈ જાય છે.
આ સંસ્થા મહિને લગભગ ૨૦૦ દર્દીની સારવાર કરે છે તેમાના ત્રીજા ભાગથી વધુ દર્દીને સોશિયલ મીડિયા, ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને ગેમ્બલિંગ તેમજ પોર્નોગ્રાફીનું વળગણ હોય છે. આવાં વળગણથી છૂટવાની સારવાર લેતા દર્દી આયટન એલેક્ઝાન્ડરનું કહેવું છે કે જે લોકો વાસ્તવિક જગતમાં નહિ પરંતુ, સતત ઓનલાઈન વિશ્વમાં જ જીવતા હોય છે તેઓ માનસિક આરોગ્ય ખરાબ થવાનું જોખમ સર્જે છે.
યુકેના મોટા ભાગના લોકો માટે ઈન્ટરનેટનો ઉપયોગ શ્વાસ લેવા જેવો જ સામાન્ય હોય છે પરંતુ, તેના વળગણરુપ પ્રકારનું જોખમ તદ્દન નવું છે. લંડન અને સાઉથ ઈસ્ટમાં ઈન્ટરનેટનો વપરાશ સૌથી વધુ ૯૩ ટકા છે, સ્કોટલેન્ડ અને વેલ્સમાં આ પ્રમાણ ૯૦ ટકા જ્યારે નોર્ધર્ન આયર્લેન્ડમાં ૮૭ ટકા જેટલું છે.


