યુકેમાં એકલતા અનુભવતા ૩૫ ટકા પુરુષો

Wednesday 17th May 2017 06:53 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં લાખો પુરુષો આજકાલ તેમની એકલતાને છુપાવી રહ્યા છે. ભીડભાડમાં રહેવા છતાં ૩૫ ટકા પુરુષો અઠવાડિયામાં એક વખત તો એકલતા અનુભવે છે, જ્યારે ૧૧ ટકા લોકો દરરોજ એકલા હોવાનો અહેસાસ કરે છે તેમ જો કોક્સ કમિશન દ્વારા રોયલ વોલન્ટરી સર્વિસના નવા અભ્યાસનું તારણ જણાવે છે. ૧૮ ટકા કિસ્સામાં પરિવાર કે મિત્રોથી વિખૂટા પડવાને કારણે પુરુષ એકલતા અનુભવતો હોવાનું જોવા મળ્યું છે, જ્યારે ૧૭ ટકા કિસ્સામાં છૂટાછેડા, બેકારી કે પરિવારના સભ્યનાં અવસાનના કારણે વ્યક્તિ એકલતા અનુભવે છે. ૬૫થી ૬૯ વર્ષની વયના ૨૫ ટકા પુરુષો નિવૃત્તિને કારણે એકલતાનો અહેસાસ કરતા હોવાનું મનાય છે.

અભ્યાસનું તારણ જણાવે છે કે ૨૬ વર્ષની વયે વ્યક્તિનું મિત્રોનું ગ્રૂપ સૌથી મોટું હોય છે અને ૩૭ વર્ષની ઉંમરે મિત્રવર્તુળ ઓછામાં ઓછું હોય છે. આમ, ૩૫ વર્ષની ઉંમરથી જ તે એકલતા અનુભવવા લાગે છે.

અભ્યાસમાં ૭ ટકા પુરુષોએ એકરાર કર્યો હતો કે તેમને કોઈ મિત્રો નથી, જ્યારે ૮ ટકાએ કોઈ ગાઢ મિત્ર નહિ હોવાનું જણાવ્યું હતું. ૨૮ ટકા લોકો જ તેમના મિત્રો કે પરિવારજનોના નિયમિત સંપર્કમાં હતાં, જ્યારે ૯ ટકા લોકો નિયમિત ધોરણે તેમને મળી શકતાં નહોતાં. એકલતા અનુભવતા પુરુષોમાંથી ૩૯ ટકા તેઓ લોકોથી અલગ પડી ગયાંનું, જ્યારે ૩૫ ટકા લોકો ડિપ્રેશનની અસર તળે હોવાનું માનતાં હતાં. ૨૭ ટકા લોકોએ તેમનો આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો. ઘણાં લોકો તો એકલતાની કબૂલાત કરતા જ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter