યુકેમાં ચાઈલ્ડકેર સૌથી મોંઘી!

Friday 14th October 2016 10:04 EDT
 
 

લંડનઃ એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ અનુસાર સમગ્ર વિશ્વમાં યુકેમાં ચાઈલ્ડકેર સૌથી મોંઘી છે. પરિવારો નર્સરી અને બાળકોનું ધ્યાન રાખનારાઓ પાછળ તેમની આવકનો ત્રીજો હિસ્સો ખર્ચે છે. બે વર્ષથી નાના બાળકને ફૂલટાઈમ નર્સરીમાં મોકલવા માટે સપ્તાહના ૨૨૨ પાઉન્ડ ખર્ચવા પડે છે, જે ફ્રાન્સ અને જર્મનીમાં આ માટે કરાતાં ખર્ચ કરતા ત્રણ ગણો છે. બીજી તરફ, કામકાજ કરતી માતાઓએ બાળસંભાળ પાછળ વાર્ષિક સરેરાશ ૧૧,૩૦૦ પાઉન્ડ અને લંડનમાં ૧૫,૭૦૦ પાઉન્ડ સુધી ખર્ચ કરવો પડે છે.

સરકાર ઓછી આવક ધરાવતાં લોકોને ચાઈલ્ડકેર બાબતે વધુ સરકારી સહાય આપવા માગે છે, પરિણામે મધ્યમવર્ગીય પરિવારોએ તેની ઊંચી કિંમત ચુકવવી પડે છે. વર્ષ ૨૦૧૭થી ધનવાન પેરન્ટ્સ સિવાય તમામને ત્રણ અને ચાર વર્ષના બાળક માટે સપ્તાહના ૩૦ કલાક નિઃશુલ્ક ચાઈલ્ડકેર મળતી થશે. જોકે, આ વયથી નીચેનાં બાળકો માટે મોટા ભાગના પરિવારોને કોઈ મદદ નહિ મળે.

૩૫ ઔદ્યોગિક દેશોના જૂથ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અભ્યાસ મુજબ બ્રિટિશ દંપતીઓની ચોખ્ખી આવકના ૩૩.૮ ટકા બાળસંભાળ પાછળ ખર્ચાય છે. યુરોપના તમામ તેમજ બાકીના પશ્ચિમ જગતના દેશો કરતા આ આંકડો ઊંચો છે. યુકેના તાજા આંકડા દર્શાવે છે કે બે વર્ષથી નાના બાળકને સપ્તાહના ૫૦ કલાક નર્સરીમાં મોકલવાનો સરેરાશ ખર્ચ ૨૧૭.૫૭ પાઉન્ડ આવે છે અને બાળકનું ધ્યાન રાખનારી વ્યક્તિને ૫૦ કલાક માટે સરેરાશ ખર્ચ ૨૦૨.૨૨ પાઉન્ડ આવે છે

OECD દેશોમાં બે પેરન્ટના પરિવારમાં બાળસંભાળ માટે સરેરાશ ખર્ચ ચોખ્ખી આવકના ૧૩ ટકા જેટલો છે. ફ્રાન્સ અને જર્મનીમાં પેરન્ટ્સ અનુક્રમે ૧૩ અને ૧૦ ટકાથી ઓછો ખર્ચ કરે છે. અંગ્રેજીભાષી દેશોમાં ખર્ચનું પ્રમાણ ઊંચુ છે. યાદીમાં ૨૯ ટકા ખર્ચ સાથે ન્યુ ઝીલેન્ડ બીજા સ્થાને અને આયર્લેન્ડ, યુએસ અને સ્વીટ્ઝર્લેન્ડ અનુક્રમે ૨૭.૪, ૨૫.૬ અને ૨૪.૧ ટકા ખર્ચ સાથે તે તે પછીના ક્રમે આવે છે. આ યાદીમાં યુરોપીય દેશો નીચા ક્રમે છે કારણકે માતાઓ કામ કરી શકે તે માટે ત્યાં ચાઈલ્ડકેર માટે વધુ ભંડોળ આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter