લંડનઃ યુકેમાં પરિવારો અને બિઝનેસીસ દ્વારા દર વર્ષે ૧.૪૫ મિલિયન ટન ઈલેક્ટ્રિકલ કચરો થતો હોવાનું ઈ – વેસ્ટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ‘મટિરિયલ ફોકસ’ના સંશોધનમાં જણાયું હતું. તેની ગણતરી મુજબ પાંચ લાખ ટન કચરો ફેંકી દેવાયો હતો, ચોરાઈ ગયો હતો અથવા તેનો સંગ્રહ થયો હતો. વસ્તી વધે છે અને નીતનવા ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો બજારમાં આવે છે તેની સાથે કચરો વધતો જાય છે.
‘મટિરિયલ ફોકસ’ના તાજેતરના અભ્યાસમાં જણાયું હતું કે યુકેને ઘરોમાં વપરાતા રિસાયકલ ન થઈ શકે તેવા ઈલેક્ટ્રિકલ્સમાં સોનું, તાંબુ, એલ્યુમિનિયમ અને સ્ટીલ જેવા ફેંકી દેવાયેલા મટિરિયલ્સ પાછળ દર વર્ષે ૩૭૦ મિલિયન પાઉન્ડનું નુક્સાન જાય છે. આ મહત્ત્વનું છે કારણકે ખાણમાંથી ધાતુઓેને કાઢવામાં ભારે પ્રદૂષણ સર્જાય છે. તે વન્યજીવનને નુક્સાન પહોંચાડે છે અને ક્લાઈમેટ ચેન્જની સમસ્યામાં વધારો કરે છે.
લોકો ટોસ્ટર અને જૂના કેબલ જેવી વસ્તુઓનો નિકાલ કરવા માટે તેમની નજીકનો ઈ-વેસ્ટ રિસાઈકલીંગ પોઈન્ટ શોધી શકે તે માટે મટિરિયલ ફોકસનું પોસ્ટકોડ લોકેટર છે. ઘણાં લોકો જૂના લેપટોપ અને ફોન્સ બદલતા નથી કારણ કે તેમાં તેમણે ફોટા અથવા મહત્ત્વનો ડેટા સંગ્રહ કરેલો હોય છે. ખરેખર તો, મોબાઈલ ફોન શોપ્સને ડેટા ટ્રાન્સફર કરી આપવા અને જૂના ફોન્સને નજર સમક્ષ ફેક્ટરી સેટિંગ્સમાં મૂકવા જણાવવું જોઈએ. કેટલીક ચેરિટી શોપ્સ જૂના ફોન જેવા ઈ-વેસ્ટ લેતી હોય છે.
અહેવાલ મુજબ યુકેમાં ૨૦૧૭માં ૧.૬૫ મિલિયન ટન ઈલેક્ટ્રિકલ ઉપકરણો વેચાયા હતા. તેમાંથી ૧૫૫,૦૦૦ ટન ડોમેસ્ટિક બિન્સમાં નાખી દેવાયા હતા જેનો પાછળથી નાશ કરાયો હતો અથવા લેન્ડફિલમાં મોકલી દેવાયા હતા.
યુનોમિયા કન્સલ્ટન્સીના માર્ક હિલ્ટને જણાવ્યું હતું કે યુકે હજુ ૬૫ ટકા ઈલેક્ટ્રિકલ્સ એકઠું કરવાના તેના લક્ષ્યને પહોંચી વળતું નથી. લોકો માટે રિસાઈકલિંગ સેન્ટર શોધવાનું હજુ મુશ્કેલ છે. તેમાંના ઘણાં સેન્ટર પર કારથી જ પહોંચી શકાય છે. જાન્યુઆરી મહિનાથી અમલી નવા નિયમમાં તમે નવું સાધન લો તે દુકાનમાં જૂની કીટલી કે ટોસ્ટર પરત કરી શકો છો. અત્યારે પણ ઘણી દુકાનો આવી સુવિધા આપે છે.