લંડનઃ યુકેમાં ગત દાયકા કરતાં વધુ સમયની સરખામણીએ ધૂમ્રપાનનો દર ઘણી ઝડપથી ઘટતો હોવાનું સત્તાવાર આંકડાઓમાં જણાયું છે. સપ્ટેમ્બર મહિનાના આંકડા દર્શાવે છે કે જુલાઈ ૨૦૧૯ના અંત સુધીમાં વસ્તીના ૧૫ ટકા લોકો નિયમિત ધૂમ્રપાન કરતા હતા. ૨૦૧૮માં આ આંકડો ૧૭.૨ ટકા હતો.
આનો અર્થ એ થાય કે ૨૦૧૯માં દર કલાકે ૨૦૦ વ્યક્તિએ આ જીવલેણ આદતમાંથી છૂટકારો મેળવ્યો હતો. પરિણામે, એક વર્ષમાં ધૂમ્રપાન કરનારાની સંખ્યા ૭.૮ મિલિયનથી ઘટીને ૬.૮ મિલિયન થઈ હતી. આંકડાશાસ્ત્રીઓ કહે છે કે જો વર્ષના અંત સુધી આ વલણ ચાલુ રહેશે તો ૨૦૦૮-૨૦૦૯ પછી આ સૌથી મોટો ઘટાડો બની રહેશે જ્યારે ધૂમ્રપાન કરનારાની ટકાવારી ૨૪.૨થી ઘટીને ૨૨ ટકાએ પહોંચી હતી.
યુકેમાં લગભગ ૭.૪ મિલિયન લોકો નિયમિત તમાકુ ધૂમ્રપાન કરે છે જ્યારે વિશ્વમાં મોટા ભાગના પુરુષો સહિત આશરે એક બિલિયન લોકો ધૂમ્રપાનના વ્યસન - આદતનો શિકાર છે. યુકેમાં ગત ૧૫ વર્ષથી સરકાર ધૂમ્રપાનનો દર ઘટાડવા સતત પગલાં લઈ રહી છે.