યુરોપીય વસાહતીને જીવવાલાયક શ્રેષ્ઠ શહેરોમાં એડિનબરા ૧૯મા ક્રમે

Wednesday 20th February 2019 05:06 EST
 
 

લંડનઃ વિશ્વમાં શ્રેષ્ઠ જીવન જીવી શકાય તેવા સ્થળની વાત આવે ત્યારે યુકેની રાજધાની લંડન શહેર દેશનાં અન્ય શહેરો કરતાં ઘણું પાછળ છે. અપરાધો વધી રહ્યા છે અને પ્રદુષણના કારણે જીવવું દુષ્કર બની રહ્યું છે ત્યારે યુરોપીય વસાહતીઓ માટે વિશ્વના જીવવાલાયક શ્રેષ્ઠ ૨૦ શહેરોની યાદીમાં સ્કોટલેન્ડની રાજધાની એડિનબરા ૧૯મા સ્થાને છે. ECA Internationalની યાદીમાં ડેનમાર્કનું કોપનહેગન અને સ્વીડનનું બર્ન શ્રેષ્ઠ જીવનધોરણ માટે સાત વર્ષથી સર્વોચ્ચ સ્થાને છે. રિપબ્લિક ઓફ આયર્લેન્ડની રાજધાની ડબ્લિન ફરીથી પ્રથમ ૧૦ શહેરોની યાદીમાં પ્રવેશ્યું છે.

ECA Internationalના વાર્ષિક અહેવાલ અનુસાર યુકેનું એક પણ શહેર ઉત્તર યુરોપના શહેરો સાથે ઉભું રહી શકે તેમ નથી, જેમનો સમાવેશ ઉચ્ચ રેન્કિંગમાં થયો છે. રેન્કિંગ માટે આરોગ્યસેવાની સુલભતા, હાઉસિંગ અને યુટિલિટીઝ, સોશિયલ નેટવર્ક અને આનંદપ્રમોદની સવલતો, ટ્રાન્સપોર્ટ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આબોહવા, અંગત સલામતી, રાજકીય તંગદિલીઓ અને હવાની ગુણવત્તા સહિત પરિબળોને ગણતરીમાં લેવાયા હતા. ઓછાં હવાઈ પ્રદુષણ અને અંગત સલામતીના ઊંચા સ્તરે એડિનબરાને ૨૦મા ક્રમે બેસાડ્યું છે. એબરડીનને મળેલાં સ્થાન માટે આ જ કારણો છે.

યુકેના શહેરોમાં એબરડીન ૨૧મા, કાર્ડિફ ૨૪મા, માન્ચેસ્ટર ૪૦મા, લંડન ૪૯મા અને ગ્લાસગો ૫૭મા ક્રમે છે. એડિનબરા, માન્ચેસ્ટર અને બેલફાસ્ટ જેવાં નાના શહેરોની સરખામણીએ લંડન જેવા મોટાં શહેર માટે હવાની ગુણવત્તા અને અંગત સલામતી મોટા પડકાર સમાન છે.

યુરોપીય વસાહતીઓ માટે સૌથી વધુ જીવવાલાયક બીનયુરોપીય સ્થળોમાં કેનેડાનું ટોરોન્ટો શહેર પ્રથમ પસંદગી ધરાવે છે. યુકેના બેલફાસ્ટ, લંડન અને ગ્લાસગોની સરખામણીએ ટોરોન્ટો, વાનકુવર, ઓટાવા અને મોન્ટ્રીઅલ શહેરોમાં અપરાધોનું નીચું પ્રમાણ, સારી જાહેર સુવિધાઓ અને ઓછું વાયુપ્રદૂષણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter