યોગશિક્ષણનાં ક્ષેત્રમાં પણ ગુરુઓ દ્વારા શિષ્યોનું જાતિય શોષણ સામાન્ય ઘટનાક્રમ

યોગાસનો શીખવાડતી વેળાએ અશ્લીલ હરકતો કરાતી રહે છે

Wednesday 03rd August 2022 02:53 EDT
 
 

લંડનઃ લગભગ દરેક ક્ષેત્રમાં બનતું હોય છે તેમ યોગાભ્યાસ અથવા યોગ શીખવવાના ક્ષેત્રમાં પણ વગદાર ગુરુઓ દ્વારા તાલીમી શિષ્યો અથવા વિદ્યાર્થીઓને જાતીય હુમલાઓ કે શોષણનો શિકાર બનવું પડે છે. દાયકાઓથી યોગગુરુઓ અને અગ્રણીઓ દ્વારા જાનીય કનડગત અને શોષણ થતું રહે છે પરંતુ, અફસોસની વાત તો એ છે કે આવા શોષણ સામે અવાજ ઉઠાવનારા ઘણા ઓછાં હોય છે.

ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર, ક્લેર યેટ્સ નામની મહિલાએ યોગશિક્ષક બનવા બેન્કિંગ ક્ષેત્ર છોડ્યું ત્યારે તેને ઉમદા વ્યવસાયમાં જઈ રહ્યાનો ઉમંગ હતો પરંતુ, ટુંક સમયમાં જ તેમનો ભ્રમ તૂટી ગયો હતો. તેઓ 2011થી યોગશિક્ષક છે અને યોગના વ્યાવસાયિક વિકાસની તાલીમ દરમિયાન પુરુષ શિક્ષકો દ્વારા તેમની સાથે જાતિય હુમલાની ઘટનાઓ બની હતી. તેઓ કહે છે કે યોગાસનો શીખવાડતી વખતે જાતિય હરકતો સાથેનું શોષણ અટકવું જોઈએ. અષ્ટાંગ યોગપદ્ધતિના સ્થાપક ગણાયેલા પટ્ટાભિ જોઈસનું 2009માં અવસાન થયું પછી તેઓ સેક્સ્યુઅલ જાનવર હોવાના આક્ષેપો બહાર આવતા રહ્યા છે. તેમણે ઘણા યોગાસનો લોકપ્રિય બનાવ્યા હતા જે શિક્ષકોમાં સામાન્ય બની ગયા છે.

50 વર્ષીય જિલિયન શિપ્પે 22 વર્ષથી યોગ ઈન્સ્ટ્રક્ટર અને શિક્ષક તરીકે તાલીમ લેવાં દરમિયાન તેઓ પણ જાતીય શોષણનો શિકાર બન્યાં હતાં. જિલિયન તેમની વીસીની શરૂઆતમાં હતાં અને તેમનો પુરુષ ઈન્સ્ટ્રક્ટર તેમનાથી 20 વર્ષ મોટો હતો, જે આજે પણ ટ્રેનિંગ કોર્સીસ ચલાવે છે. નામ નહિ આપવા ઈચ્છતાં અન્ય મહિલા યોગશિક્ષકે કહ્યું હતું કે તેમણે પોતાના શિક્ષક દ્વારા યૌનસંબંધની લાલચ અપાઈ રહી હોવાના અનુભવની પોતાની સંસ્થા સાથે વાત કરી ત્યારે સંસ્થા પાસે કોઈ પ્રક્રિયા, પ્રોટોકલ, કોઈ સ્રોતો અને કોઈ મર્યાદાઓનું અસ્તિત્વ જ ન હતું.

ઓક્ટોબર 2020માં યોગ ટીચર્સ યુનિયન ((YTU) ની સ્થાપના કરાયા પછી તેને સંખ્યાબંધ ફરિયાદો મળી છે અને દેશનું પોલીસ દળ યૌનશોષણના ઓછામાં ઓછાં પાંચ કેસની તપાસ કર રહી છે. 39 શિષ્યો કે વિદ્યાર્થીઓએ અલગ અલગ જાતિય કનડગત અને યૌનશોષણના ઘટસ્ફોટ કર્યા છે. યોગાસનો શીખવાડતી સમયે અશ્લીલ હરકતો તેમજ બળજબરીથી જાતિય સંબંધો બાંધવા તેમજ ઘણી વખત બળાત્કાર કરાયાનો પણ સમાવેશ થાય છે. અન્યત્ર જવાની કોઈ સુવિધા ન હોવાથી તેઓ યોગ ટીચર્સ યુનિયન (YTU) ને ફરિયાદો કરે છે. YTU દ્વારા સેફ્ટી એન્ડ ડિગ્નિટી એટ વર્ક કેમ્પેઈન શરૂ કરાયું છે.

બીજી તરફ, નેશનલ વહીવટી સંસ્થા બ્રિટિશ વ્હીલ ઓફ યોગ (BWY) દ્વારા કોઈ નિયમનો રખાતા નથી કે સેક્સુઅલ અપરાધના પીડિતો પોતાના કેસની રજૂઆતો કરી શકે તેવી કોઈ વ્યવસ્થા નથી. BWYને 1995માં ગવર્નિંગ સંસ્થાનો દરજ્જો અપાયો હતો પરંતુ, પરિસ્થિતિ અરાજકતાપૂર્ણ છે કારણકે યોગશિક્ષકો અન્ય સંસ્થાઓમાં પણ યોડાઈ શકે છે અને કોઈ એસોસિયેશનના સભ્ય હોવું ફરજિયાત પણ નથી અને ફરિયાદની પ્રક્રિયા માત્ર BWY ના સભ્યો માટે જ ખુલ્લી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter