લંડનઃ સવારના પીક અવર્સમાં લંડન જતી કેટલીક ટ્રેનોમાં ૪૪ ટકા પેસેન્જરે ઉભાં રહેવું પડે છે. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટના સત્તાવાર આંકડા દર્શાવે છે કે બ્લેકફ્રાયર્સ, વોટર્લુ, ફેન્ચર્ચ સ્ટ્રીટ અને મૂરગેટ સ્ટેશનોએ ભીડનું પ્રમાણ ઊંચું હોય છે. ગત ઓટમમાં સામાન્ય સવારના પીક અવર્સમાં ૫૮૦,૦૦૦થી વધુ પેસેન્જર ટ્રેન દ્વારા લંડન આવ્યાં હતાં, જે તેની અગાઉના વર્ષની સરખામણીએ ૩.૨ ટકા વધુ હતા. યુકેના મુખ્ય શહેરોમાં સવારના પીક અવર્સમાં ભીડના પ્રમાણમાં ૦.૪ ટકાનો વધારો જોવાં મળ્યો હતો. ગત વર્ષે સામાન્ય દિવસે ૧૦ લાખથી વધુ લોકો ટ્રેન દ્વારા લંડનમાં આવ્યાં હતા, જ્યારે ૧૨૫,૦૦૦ પ્રવાસી સાથે બર્મિંગહામનો બીજો ક્રમ હતો.
રાજધાનીના બ્લેકફ્રાયર્સ સ્ટેશને આવતી રેલવેસેવામાં કુલ ૩૫ ટકા પ્રવાસીઓ ઉભાં રહે છે, જ્યારે વોટર્લુ, ફેન્ચર્ચ સ્ટ્રીટ અને મૂરગેટ સહિત અન્ય સ્ટેશનોએ આવતી ટ્રેનોમાં એક તૃતીઆંશ જેટલાં પેસેન્જરે ઉભાં ઉભાં મુસાફરી કરવી પડે છે. રાજધાનીનાં તમામ મુખ્ય સ્ટેશનોમાં સવારના પીક અવર્સમાં સૌથી વધુ એટલે કે ૧૪ ટકા પ્રવાસીભીડ જોવાં મળે છે. સવારના પીક અવર્સ ૮થી ૯ની વચ્ચે લંડનના સ્ટેશનોએ આવતાં ૩૦ ટકા પેસેન્જરો ઉભાં રહેવું પડે છે, ૨૦૧૧માં આ આંકડો ૨૦ ટકા હતો. સવારના પીક અવર્સમાં લંડનના બ્લેકફ્રાયર્સ (૪૨ ટકા), વોટર્લુ (૩૯ ટકા), ફેન્ચર્ચ સ્ટ્રીટ (૩૪ ટકા) અને મૂરગેટ (૪૪ ટકા) સ્ટેશનોએ આવતા પેસેન્જરોએ ઉભાં રહેવું પડે છે. આની સામે બર્મિંગહામ, લીડ્ઝ અને માન્ચેસ્ટર તથા કાર્ડિફ સ્ટેશનોએ અનુક્રમે ૨૦ ટકા, ૧૬ ટકા અને ૧૨ ટકા પેસેન્જરોએ ઉભાં રહેવું પડે છે.
સાંજના પીક અવર્સ ૫થી ૬ની વચ્ચે લંડનના સ્ટેશનોએથી જતાં ૧૭ ટકા પેસેન્જરો ઉભાં રહેવું પડે છે, ૨૦૧૧માં આ આંકડો ૧૪ ટકા હતો. પ્રવાસીભીડમાં સાંજના પીક અવર્સમાં વોટર્લું સૌથી ખરાબ સ્ટેશન છે, જ્યાંથી ૨૭ ટકા પ્રવાસીએ ઉભાં રહીને મુસાફરી કરવી પડે છે. બર્મિંગહામથી જતાં ૧૭ ટકા પ્રવાસીએ ઉભાં રહેવું પડે છે, જ્યારે લીડ્ઝથી જતાં ૧૬ ટકા પ્રવાસીએ ઉભાં રહેવાની ફરજ પડે છે.


