રોબોટની જુબાની સાથે બ્રિટિશ પાર્લામેન્ટમાં ઈતિહાસ સર્જાયો

Friday 19th October 2018 06:33 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટના ૭૦૦ વર્ષના ઈતિહાસમાં યંત્રમાનવ ‘પેપર’ દ્વારા સાંસદોની સમિતિ સમક્ષ ૧૬ ઓક્ટોબરે જુબાની અપાયાના પગલે ઈતિહાસ સર્જાયો હતો. યુનિવર્સિટી ઓફ મિડલસેક્સમાં કાર્યરત રોબોટ પેપરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પ્રગતિ અને યુકેની શાળાઓએ કેવો પ્રતિભાવ આપવો જોઈએ તે વિશે એજ્યુકેશન સિલેક્ટ કમિટીને જણાવ્યું હતું. રોબોટથી પ્રભાવિત સાંસદોએ નિશ્ચિત સ્ક્રીપ્ટ મુજબ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ (રોબોટ ક્રાંતિ) વિશે પ્રશ્નો પૂછ્યા હતા અને પ્રોગ્રામ કરાયા અનુસાર જાપાની કંપની સોફ્ટ બેન્ક રોબોટિક્સ દ્વારા બનાવાયેલા રોબોટે અમેરિકન ઉચ્ચાર સાથે તેના ઉત્તરો આપ્યા હતા. પેપરની ઓળખ, યુનિવર્સિટીમાં તેની કામગીરી, ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં માનવોની ભૂમિકા, વર્ગખંડમાં વિદ્યાર્થીઓની મદદ સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

એજ્યુકેશન સિલેક્ટ કમિટીના ચેરમેન અને ટોરી સાંસદ રોબર્ટ હાલ્ફોને મશીનને સાંસદો સમક્ષ બોલવા આમંત્રણ પાઠવ્યું હતું. હોલ્ફોન થોડા મહિના અગાઉ યુનિવર્સિટી ઓફ મિડલસેક્સની મુલાકાતે ગયા હતા ત્યારે પેપરની કામગીરીથી પ્રભાવિત થયા હતા. 

આ હ્યૂમનોઈડ રોબોટ ઇન્ટરનેશનલ રિસર્ચ પ્રોજેક્ટનો ભાગ છે. જેમાં વિશ્વમાં પ્રથમ વખત સાંસ્કૃતિકરૂપે સમજદાર રોબોટ તૈયાર થઈ રહ્યા છે. જે વરિષ્ઠો અને બાળકોની સારસંભાળ રાખી શકે છે. નિષ્ણાતો અનુસાર, રોબોટ ઓટોમેશનમાં વિસ્તરણ થઈ રહ્યું છે. ભવિષ્યમાં બ્રિટનમાં આ રોબોટની મદદ વરિષ્ઠોનું ધ્યાન રાખવામાં લઈ શકાશે. જાપાની કંપની સોફ્ટ બેન્ક રોબોટિક્સે જણાવ્યું હતું કે, આ માનવીય રોબોટ સાથીઓને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે, તે માનવીની જરૂરિયાતને સમજી શકે. રોબોટના છાતીના ભાગમાં ટેબલેટ લગાવવામાં આવ્યા છે. જેથી લોકો જરૂર પડ્યે સ્કાઇપ પર કોલ કરી શકે. તદુપરાંત, વરિષ્ઠોની ભૂલી જવાની ટેવને લીધે તેમની દવાઓ અને જરૂરી ટેસ્ટ વિશે યાદ કરાવશે.

એજ યુકે સંસ્થાના ચેરિટી ડાયરેક્ટર કેરોલીન અબ્રાહમે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં આ પ્રકારની ટેકનિક આપણી અનેક પ્રકારની જરૂરિયાતોને પૂરી કરશે. જો કે અમે આ બદલાવ જલદીથી નથી જોવા માંગતા. તેમણે કહ્યું હતું કે આ સમયે આ ટેકનિક છે જે આપણી સંભાળ રાખી શકે છે. તેમ છતાં એ જોવાનું રહેશે કે શું આ બધું મનુષ્ય વિના પણ કામ કરી શકે છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter