લાખો બ્રિટિશ બાળકો પ્રદુષણનો શિકાર

Wednesday 15th May 2019 03:26 EDT
 
 

લંડનઃ પ્રદુષણના કારણે શાળાએ જતાં લાખો બાળકોનું જીવન ઝેર બની રહ્યું છે. લંડન એટસ્મોફેરિક મએમિશન્સ ઈન્વેન્ટરીના ડેટાના વિશ્લેષણ અનુસાર યુકેની આશરે ૬,૫૦૦ નર્સરી, પ્રાઈમરી અને સેકન્ડરી શાળાના ૨.૬ મિલિયન બાળકો એવા વિસ્તારોમાં હોય છે જ્યાં, ટોક્સિક પાર્ટિકલ્સનું પ્રમાણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમાણની મર્યાદાથી પણ વધુ છે. બાળકો, વૃદ્ધો અને ફેફસાંના રોગ ધરાવનારા માટે વધુ જોખમી વાયુ પ્રદુષણના કારણે યુકેમાં દર વર્ષે અંદાજે ૪૦,૦૦૦નું મોત થતું હોવાનું કહેવાય છે.

લંડન એટસ્મોફેરિક એમિશન્સ ઈન્વેન્ટરીના ડેટાના આધારે ધ ટાઈમ્સનો સર્વે જણાવે છે કે રાજધાની લંડનની દરેક શાળા PM2.5 પ્રતિ ક્યુબિક મીટરની ૧૦ મિ.ગ્રાની મર્યાદાથી વધુ પ્રમાણ ધરાવે છે. બર્મિંગહામની ૨૩૪ શાળા, લેસ્ટર અને નોટિંગહામમાં ૧૦૦થી વધુ શાળાઓ આની અસર હેઠળ છે. પ્રદુષણનું સૌથી જોખમી સ્વરુપ PM2.5 ફાઈન પાર્ટિકલ્સ છે, જે ફેફસાં અને રક્તપ્રવાહમાં પ્રવેશી શકે છે.

લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં પીડિયાટ્રિક રેસ્પિરેટરી મેડિસિનના પ્રોફેસર જોનાથન ગ્રિગના જણાવ્યા અનુસાર વિષાક્ત હવાનો સામનો કરતા બાળકો ફેફસાંની કામગીરીનો અપૂરતો વિકાસ, ફેફસાના ગંભીર ઈન્ફેક્શન્સમાં વધારાનું જોખમ તેમજ આજીવન અસ્થમાના શિકાર બનવાનું મોટું જોખમ ધરાવે છે. એન્વિરોનમેન્ટ સેક્રેટરી માઈકલ ગોવે કહ્યું હતું કે સરકારે જાન્યુઆરીમાં જાહેર કરેલી સ્વચ્છ હવા રણનીતિને વિશ્વ આરોગ્ય સંસ્થાએ અન્ય દેશો માટે અનુસરવા યોગ્ય ગણાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter