લંડનઃ લોકડાઉન દરમિયાન બાળ યૌન શોષણની ઓનલાઈન તસવીરોમાં લગભગ ૫૦ ટકાનો વધારો નોંધાયો હોવાનું ઈન્ટરનેટ વોચ ફાઉન્ડેશન (IWF) દ્વારા જણાવાયું હતું ગઈ ૨૩ માર્ચથી ૧૧ અઠવાડિયા દરમિયાન તેની હોટલાઈન પર આવી તસવીરોના ૪૪,૮૦૯ રિપોર્ટ નોંધાયા હતા. ગયા વર્ષે આ સમયગાળામાં ૨૯,૬૯૮ રિપોર્ટ નોંધાયા હતા. આ વધારો એવા મહિનાઓમાં નોંધાયો હતો જ્યારે વયસ્કો અને બાળકો બન્નેએ વધુ પડતો સમય ઓનલાઈન વીતાવ્યો હતો. તેમાંના ઘણાં વર્ક ફ્રોમ હોમ કરતાં હતા.
આ પ્રકારે ઓનલાઈન રહેવાને લીધે થતી હાનિ ઘટાડવા માટે સરકારે કાયદો ઘડવાનું વચન આપ્યું હતું. પરંતુ, કોરોના મહામારીને લીધે આ કાયદો ઘડવામાં વિલંબ થવાની ચિંતા સતત વધી રહી છે. IWF ઓનલાઈન મૂકાયેલી બાળ યૌન શોષણને લગતી સામગ્રી હટાવવાનું કામ કરે છે. ફાઉન્ડેશનને મોટાભાગના સોશિયલ મીડિયા અને ટેક કંપનીઓનું સમર્થન છે. તેના આંકડાને લીધે હવે બાળકોને ઓનલાઈન સુરક્ષિત કેવી રીતે રાખવા તેની નવેસરથી ચર્ચા થશે.
ચીફ એક્ઝિક્યુટિવ સુસી હારગ્રીવ્સે જણાવ્યું હતું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઘરે રહ્યા હોવાથી ઓનલાઈન ગુનેગારોની સંખ્યા વધી હોવાનો પોલીસનો અંદાજ છે.
ચેરિટી સંસ્થા નેશનલ સોસાયટી ફોર પ્રીવેન્શન ઓફ ક્રુઆલિટી ટુ ચિલ્ડ્રન (NSPCC) ખાતે ચાઈલ્ડ સેફ્ટી ઓનલાઈનના વડા એન્ડી બરોઝે ચેતવણી આપી છે કે,‘લોકડાઉન ઓનલાઈન બાળ શોષણ માટે સંપૂર્ણ તોફાનમાં પરિણમ્યું છે. જો સોશિયલ નેટવર્ક્સે ટેકનોલોજીમાં રોકાણનું સારું કાર્ય કર્યું હોત તો કદાચ નુકસાન ઓછું થઈ શક્યું હોત. જોકે, કાયદા દ્વારા તેમને આમ કરવાની ફરજ પડાઈ ન હોવાથી તેમણે આમ નહિ કર્યું હોય તેમ સંસ્થા માને છે.
સાઉથ વેલ્સની કિડસ્કેપ નામની એન્ટી બુલિંગ ચેરિટીમાં વોલન્ટિયર તરીકે કામ કરતી ત્રણ નાના બાળકોની માતા કેલી એન્ડરસન તેના બાળકો શક્ય તેટલો ઓછો સમય ઓનલાઈન કેવી રીતે રહે તે માટે પ્રયાસ કરી રહી છે. તેમનો પરિવાર સ્ક્રીન ટાઈમ અને અન્ય પ્રવૃત્તિઓ વચ્ચે સમતુલા રાખવા ભારે પ્રયાસ કરે છે. તેમણે પોતાના બાળકો ઓનલાઈન શું નિહાળે છે તેની નજર રાખવા પેરન્ટિંગ એપનો ઉપયોગ પણ કરે છે. તેમના બાળકોએ પણ તાજેતરના મહિનાઓમાં શાળાના કામકાજ તેમજ પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા વધુ સમય ઓનલાઈન વીતાવ્યો છે.