લોનની માવજત અને પોતાની જાતે જ ખાતર બનાવો

- રમેશ સોનેજી Thursday 27th August 2015 07:16 EDT
 

પ્રિય વાચકમિત્રો,

છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય ઘરેણું છે, વર્ષાની મહેર ગમે ત્યારે થતી જ રહે છે અને તેથી જ બાગવાનીને હંમેશા નવજીવન મળતું રહે. ફૂલ છોડ દ્વારા આપણા ઘરની શોભા અને સુંદરતાને શણગારી શકીએ અને આવા લગભગ છથી સાત મહિના અલગ અલગ પ્રકારની ફૂલદાની સજાતી રહે છે. તન-મન અને આંખો માટે કેટલું મોટું નજરાણું બની રહે.

હું હમણાં જોઉં છું કે બગીચાની માટી ઘણી નરમ થઈ ગઈ છે. તો તમારી લોનમા હોલ પાડવા માટેનો સમય ઘણો સારો છે. બહુ મોટી લોન ન હોય તો ફોર્કથી રાતે રાતે હોલ પાડવાનું ઘણું સરળ બની જાય. એક સાથે બધી મહેનત કરવાની જરૂર નથી. પણ તમારી શારીરિક કસરત પ્રમાણે કાર્ય કરતા રહેશો તો તમારા તનનો તરવરાટ વધી જશે, ભૂખ લાગશે, પેટ વધ્યું હશે તો થોડુ અંદર ચાલ્યું જશે, તમારી સ્ફૂર્તિ વધશે અને સ્વાસ્થ્ય ટકોરા જેવું બનશે. કદાચ કોઈ તકલીફ હશે તો તે પણ ચાલી જશે.

'મારા બગીચામાં પહેલા અમે ફોર્કથી જ કામ લીધું હતું. પછીથી ગાર્ડન સેન્ટરમાંથી નીચે સોલમાં સોયા જેવા મજબૂત ડાડ્સ (ખીલા) હોય તેવા બુટ ખરીદી લાવ્યા. જેથી તે બુટ પહેરીને ચાલો તો લોનમાં નાના-નાના હોલ પડતા રહે, પણ પોચી જમીનમાં ચાલવાથી અણીદાર ડાટ્સ ખૂંચે પછી પગને બહાર કાઢવામાં મહેનત લાગે. થોડો સમય કર્યું પછી ફરી ફોર્કનો આશરો લેવો પડ્યો. ફોર્કને લોનમાં ખૂંપાવી પગથી પ્રેસ કરો એટલે કાણા પડી જાય અને બહાર લાવવામાં પણ સરળ બની રહે. પણ હવે તો ગાર્ડન સેન્ટરમાં ઈલેક્ટ્રીક રેકર મળે છે, તે તો જાણે મોવર ફેરવતા હોય તેવું લાગે. ચારે બાજુ સૂક્કું ગ્રાસ મોસ વગેરેનો ઢગલો થઈ જાય. આ બધો કચરો રેકથી ભેગો કરી ઉપાડી બગીચાના છેવાડામાં એક નાનું ખાતર બનાવવા માટેનું બોક્સ લાકડામાંથી ઊભું કરી શકાય. નહીંતર કાઉન્સિલ પાસે તપાસ કરશો તો ખાતર બનાવવાના પ્લાસ્ટીકના બીન પણ તેઅો આપશે. તેમાં આ બધો કચરો, ગાર્ડનમાં ભેગા થતા ઝાડના પાન, તેમ દર વિકના તમો લોન કાપો તે બધું ગ્રાસ, ઘરના કિચનના શાકભાજી, ફ્રૂટ વિગેરેનો કચરો ભેગો કરવ. માત્ર એક વસ્તુનું ધ્યાન રાખવું કે વધેલું કોઈપણ અનાજ આમાં નહીં નાંખવાનું.

તે પછી ગાર્ડન સેન્ટરમાં મળતો સ્ટાર્ટર પાવડર ખરીદી દર સપ્તાહે આ કચરામાં એકથી બે ચમચી ઉમેરવો. જે સ્ટાર્ટર કચરાને સડાવવાનું કામ કરશે. આખા વરસનો આ બધો કચરો નવેમ્બર માસમાં ગાર્ડનના છેવાડે ખાલી કરી તેના પર જૂની ચાદર કે કાર્પેટ ઢાંકી દેવી. જેથી પાંચ-છ મહિના તમારૂ ઓર્ગેનીક ખાતર તૈયાર થઇ જશે. અમો આ રીતે લગભગ ૫૦ થેલી જેટલું ખાતર બનાવીએ છીએ. તેના માટે લાકડાનું મોટું બોક્સ બનાવડાવ્યું છે. હવે આ તમારું પોતાનું ખાતર કેવું રીઝલ્ટ આપે છે તે તમારા અનુભવ પછી તમો જોઈ શકશો. આ ખાતરના પરિણામ તરીકે તમે લેખમાં ફોટો જોઇ શકશો. તમારા બેડીંગ પ્લાન્ટ, પોર્ટમાં ઉગાડેલા ફ્લાવર અને ઘરના શાકભાજી માટે ખાતરનો ઉપયોગ કરશો તો તમોને ઘણો સંતોષ થશે અને પૈસા પણ બચાવી શકશો.

બાગવાનીની હોબી થોડી ખર્ચાળ છે પણ જુથમાં નાના છોડ લઈ તેને નાના નાના પોટમાં રોપીને જાતે ઉછેરવાની શરૂઆત માર્ચ મહિનાથી કરી દેવી. આ છોડને ઘરમાં કે પછી ગ્રીણહાઉસમાં રાખવા. તેનું જતન કરવાનું અને જેમ જેમ તમારો શોખ વધતો જશે એટલો જ તમારો આનંદ પણ બેવડાતો જશે અને ઘર તેમજ ગાર્ડનની શોભા વધતી જશે. આપ સૌને આગામી પર્વો માટે મારી શુભેચ્છા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter