સામગ્રીઃ પનીરનો ભૂકો - ૨૦૦ ગ્રામ • કેસરના તાંતણા ૨૦થી ૨૫ • મેંદો - પા કપ • ખાંડ - ૩૦૦ ગ્રામ • ઘી - તળવા માટે
રીત: કેસરમાં થોડુંક પાણી રેડીને તેને ઘોળી લો. મેંદામાં થોડું પાણી રેડીને તેમાં ગઠ્ઠા ન બાઝે તે રીતે થોડું વધારે પાણી ઉમેરી હલાવીને ખીરું તૈયાર કરો. ખીરું એકદમ પાતળું હોવું જોઈએ. આને એક કલાક માટે ગરમીવાળી જગ્યાએ રાખો જેથી જરૂરી આથો આવી જાય. એક તપેલીમાં ખાંડ અને સવા કપ જેટલું પાણી લઈ ચાસણી તૈયાર કરો. તેને બે-ત્રણ મિનિટ બરાબર પાકી થવા દો. દરમિયાન એક થાળીમાં પનીરનો ભૂકો કરીને સહેજ મસળો. તેમાં એક ચમચો દૂધ નાખીને ખૂબ મસળીને ચીકાશયુક્ત મિશ્રણ બનાવી લો. ચાસણીને એકદમ ઠંડી થાય એટલે અંગૂઠા અને આંગળીથી તપાસી લો. તે એકદમ ચોંટે તેવી હોવી જોઈએ. તેમાં તૈયાર કેસરવાળું પાણી મિક્સ કરો. હવે મેંદાના ખીરામાં પનીરનો ભૂકો નાખી એકદમ મિક્સ કરી ખીરું તૈયાર કરો. જલેબી બનાવવા માટેના કોનમાં ખીરું ભરો. ઘી ગરમ કરો. તેમાં કોનને હળવા હાથે દબાવતા જઈ ગોળ જલેબી પાડીને મધ્યમ આંચે તળી લો.
જલેબી બંને બાજુએ બ્રાઉન રંગની થાય એટલે તેને એક પ્લેટમાં કાઢો. તે પછી જલેબીને બે-ત્રણ મિનિટ ચાસણીમાં બોળી રાખો અને પછી તેને કાઢીને પ્લેટમાં ગોઠવો.