મગ દાળની મસાલેદાર ઢોકળી

Wednesday 01st July 2020 05:56 EDT
 
 

સામગ્રીઃ મગની દાળ ૨૫૦ ગ્રામ • લીલાં મરચાં ૨ નંગ • સમારેલી ડુંગળી ૧ નંગ • આદું નાનો ટુકડો • હળદર અડધી ચમચી • જીરું ૧ ચમચી • મરચું - અડધી ચમચી • ધાણા પાઉડર ૧ ચમચી • આદું ટુકડો ૧ • લસણની પેસ્ટ – ૧ ચમચો • સમારેલાં ટમેટાં ૧ નંગ • ગરમ મસલો ૧ ચમચી • તેલ - ૨ ચમચા • મીઠું સ્વાદ મુજબ

રીતઃ મગની દાળને પાંચ કલાક પલાળી રાખી પછી તેનું પાણી નિતારી લો. હવે મીક્સરમાં દાળ, આદું અને મરચું નાખીને બારીક ક્રશ કરો. આમાં મીઠું, હળદર અને પાણી રેડી મિશ્રણ તૈયાર કરો. મિશ્રણ પ્રમાણસર ઘટ્ટ હોવું જોઇએ. એક પેન ધીમી આંચે ગરમ કરો. તેમાં દાળના મિશ્રણને શેકી લો. એ ધ્યાન રાખો કે મિશ્રણ પેનમાં ચોંટે નહીં. મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે આંચ પરથી ઉતારી લો. એક મોટી થાળીની પાછળના ભાગમાં તેલ લગાવો. તેના પર મિશ્રણ પાથરો અને ઠંડું થવા દો. તે પછી તેના ચોરસ ટુકડા કરો. હવે કડાઇમાં તેલ ગરમ કરીને તેમાં જીરું સાંતળો. પછી ડુંગળી નાખી તેને બદામી રંગની સાંતળો અને આદું-લસણની પેસ્ટ નાંખી સાંતળો. આ પછી હળદર, મીઠું, ધાણા પાઉડર, મરચું નાખો અને ટામેટું નાખીને થોડી સેકંડ સુધી સાંતળો. અડધો કપ પાણી રેડીને ખદખદવા દો. તેમાંથી તેલ છુટું પડે એટલે બીજો એક કપ પાણી ઉમેરો અને તેલ છુટું પડે ત્યાં સુધી ઢાંકીને રહેવા દો. આમાં દાળના મિશ્રણના ટુકડા નાખીને ઢાંકી દો અન થોડી વાર સીઝવા દો. આની ગ્રેવી તમે ઘટ્ટ કે પાતળી રાખી શકો છો. જ્યારે તેમાંથી તેલ છુટું પડે એટલે ઉપર ગરમ મસાલો ભભરાવીને બર્નર બંધ કરી ઢાંકી દો. સમારેલી કોથમીર ભભરાવીને ગરમાગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter