લીલા વટાણાની પૂરી

Friday 12th March 2021 06:48 EST
 
 

સામગ્રીઃ ઘઉંનો લોટ - ૨ કપ • તાજું દહીં - ૧ ચમચો • બેકિંગ પાવડર - અડધી ચમચી • ઘી - ૧ ચમચો • મીઠું - અડધી ચમચી
(પૂરણ માટે) બાફેલાં લીલા વટાણા - દોઢ કપ • ચાર-પાંચ ઝીણાં સમારેલાં લીલાં મરચાં • જીરું - ૧ ચમચી • લીંબુનો રસ - અડધી ચમચી • મેંદો - ૧ ચમચી • ચાટ મસાલો - ૧ ચમચી • ઘી - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તળવા માટે ઘી કે તેલ
રીતઃ ઘઉંના લોટમાં બેકિંગ પાવડર, મીઠું, ઘી અને દહીં નાંખીને બરાબર મિક્સ કરી ગરમ પાણીથી લોટ બાંધો. લોટને સાતેક મિનિટ સુધી મસળીને સુંવાળો અને ખેંચી શકાય તેવો બનાવો. આ પછી લોટને ભીના કપડામાં વીંટીને રાખી દો.
(પૂરણ બનાવવા માટે) લીલા વટાણા અને મરચાંને મિક્સરની જારમાં પાણી નાંખ્યા વગર જ ક્રશ કરી લો. કડાઈમાં ઘીને ગરમ કરી એમાં જીરું નાંખી પીસેલા વટાણાંને તે તડતડવા લાગે ત્યાં સુધી શેકી લો. પછી મિશ્રણમાં લીંબુનો રસ, ચાટ મસાલો અને મીઠું નાંખી થોડીક વાર સાંતળી લો. ઉપર એક ચમચી મેંદો ભભરાવો. મેંદો શેકાય ત્યાં સુધી મિશ્રણને ગેસ પર રાખી પછી ગેસ બંધ કરી દો.
ભીનાં કપડામાં વીંટાળેલા લોટના નાના લૂઆ કરો અને એની પૂરી વણી લો. પૂરીમાં એક ચમચો પૂરણ ભરી, હળવા હાથે બંધ કરીદો અને થોડાક લોટનું અટામણ લઈ ફરીને પૂરીને વણીને તૈયાર કરી લેવી. આ પૂરીઓને ઘીમાં ધીમા તાપે તળવી લેવી અને ગરમ ગરમ પીરસવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter