સામગ્રીઃ અડધો કપ કોબીના ટુકડા • અડધો કપ સ્લાઈસ કરેલા લીલા કાંદા • પોણો કપ સ્લાઈસ કરીને અડધા ઉકાળેલા બેબી કોર્ન • પોણો કપ બ્રોકોલીના ફૂલ • અડધો કપ સિમલા મરચાંના ટુકડા • અડધો કપ સ્લાઈસ કરેલી ઝુકીની • ૪ ચમચી સિઝવાન સોસ • ૨ ચમચા કોર્ન ફ્લોર • ૧ ચમચી તેલ • ૪ સુકાં કાશ્મીરી લાલ મરચાં ટુકડાં કરેલા • એક ચપટી સાકર • મીઠું સ્વાદ મુજબ
રીતઃ એક બાઉલમાં કોર્નફ્લોર સાથે અડધો કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી લઇને બાજુ પર રાખી મૂકો. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરોને તેમાં સુકાં લાલ મરચાં અને કોબી નાખો અને અડધો કપ પાણી ઉમેરીને મધ્યમ તાપ પર ૨થી ૩ મિનિટ સુધી અથવા પાણીનું બાષ્પીભવન થઈ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ત્યારબાદ તેમાં લીલા કાંદાના સફેદ ભાગને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર એકાદ મિનિટ સુધી સતત હલાવતા રહીને રાંધી લો. તે પછી બાકી રહેલા બધા શાક અને સિઝવાન સોસ મેળવીને મિક્સ કરી મધ્યમ તાપે વધુ એકાદ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. તેમાં કોર્ન ફ્લોરનું મિશ્રણ, સાકર અને મીઠું ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપે ૨ મિનિટ સુધી હલાવતા રહીને રાંધી લો. તૈયાર છે સિઝવાન સ્ટર ફ્રાઈડ વેજિટેબલ્સ.